યુકેમાં ૨૨ કુખ્યાત ભ્રષ્ટાચારીઓ માટે પ્રવેશબંધીઃ મિલકતો ફ્રીઝ

Wednesday 05th May 2021 06:09 EDT
 

લંડનઃ યુકેએ શ્રેણીબદ્ધ કુખ્યાત ભ્રષ્ટાચાર કેસીસમાં સંડોવાયેલા રશિયા, લેટિન અમેરિકા, સાઉથ આફ્રિકા અને સાઉદી અરેબિયાના ૨૨ વ્યક્તિ સામે પ્રવાસ પ્રતિબંધ લાદ્યો હોવાની જાહેરાત ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે કરી છે. આ લોકોની મિલકતો પણ ફ્રીઝ કરી દેવાઈ છે. આ પગલાં ભ્રષ્ટાચારવિરોધી નવા વૈશ્વિક નિયમો અને અમેરિકાએ લીધેલા પગલાંને સુસંગત છે.

રાબે સ્વીકાર્યું હતું કે કાળા નાણાને કાયદેસર બનાવવા ઈચ્છતા લોકો માટે યુકે ‘હની પોટ’ બની શકે છે પરંતુ, નવા નિયમો ભ્રષ્ટ લોકોને જકડી રાખવા માટે વધારાનું શક્તિશાળી હથિયાર બનશે. તે ભ્રષ્ટાચારીઓને તેમના કાળા નાણાના સ્વર્ગ તરીકે યુકેનો ઉપયોગ કરતા અટકાવશે અને વિશ્વમાં ભ્રષ્ટાચાર સામેની લડતમાં મદદ કરશે. ફોરેન સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ વિશ્વમાં સૌથી કુખ્યાત ભ્રષ્ટાચાર કેસીસમાં સંડોવાયેલાઓને લક્ષ્ય બનાવે છે. લેબર પાર્ટીએ જાહેરાતને આવકારવા સાથે ચેતવણી આપી હતી કે આર્થિક અપરાધો સામે કાનૂની કાર્યવાહીનું પ્રમાણ ઘણું નીચું છે.

પ્રતિબંધિત લોકોમાંથી ૧૪ તો રશિયન ઈતિહાસમાં તાજેતરના સૌથી મોટા ટેક્સ ફ્રોડમાં એકમાં સંડોવાયેલા છે જેને કસ્ટડીમાં મોતને ભેટેલા વકીલ સર્જેઈ મેગ્નિત્સ્કીએ ખુલ્લું પાડ્યું હતું. સાઉથ આફ્રિકાના ત્રણ મૂળ ભારતીય બિઝનેસમેન ભાઈઓ અજય, અતુલ અને રાજેશ ગુપ્તા, સુદાનીઝ બિઝનેસમેન અને અલ કાર્ડિનલ નામે ઓળખાતા અશરફ સઈદ અહમદ હુસૈન અલી તેમજ ડ્રગ્સની હેરાફેરી માટે લાંચ લેનારા હોન્ડુરાસના કોંગ્રેસમેન, નિકારાગુઆ અને ગ્વાટેમાલામાં ગંભીર ભ્રષ્ટાચારના આરોપી બિઝનેસમેન પણ પ્રતિબંધિત કરાયા છે.


    comments powered by Disqus