બ્રસેલ્સઃ યુરોપિયન કમિશન (ઇસી)માં પ્રથમ મહિલા પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ મહિને તુર્કીને બનેલા બનાવ મુદ્દે પોતાની વ્યથા વર્ણવી છે. બન્યું એવું કે ઉર્સુલા તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિચેલે તાજેતરમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે મુલાકાત કરી હતી. તે સમયે મીટિંગ હોલમાં માત્ર બે ખુરશી હતી જ્યાં એર્દોગન અને ચાર્લ્સ બેસી ગયા, જ્યારે ઉર્સુલાએ ઊભા રહેવું પડ્યું. તેમને ખુરશી ઓફર પણ ન કરાઇ. તેમણે નાછુટકે દૂર સોફા પર બેસવું પડ્યું હતું. આ કિસ્સો યાદ કરીને તેમણે યુરોપિયન પાર્લામેન્ટમાં ભાવુક થઇને ભાષણ આપતાં કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન મારા સાથી ચાર્લ્સ એકમાત્ર ખુરશી પર બેસી જતાં હું ઘણી વ્યથિત થઇ હતી. હું સુટ-બૂટમાં સજ્જ પુરુષો વચ્ચે સાવ એકલી પડી ગઇ હતી. હું મહિલા હોવાના કારણે મારી સાથે આટલો ખરાબ વ્યવહાર કરાયો. હું યુરોપિયન કમિશનનું અધ્યક્ષપદ સંભાળનારી પ્રથમ મહિલા છું. મને આવા વ્યવહારની આશા નહોતી, પણ આવું બન્યું. એટલા માટે કે હું એક મહિલા છું, જો મેં સુટ-બુટ અને ટાઇ પહેર્યા હોત તો આવું થયું હોત? સારું છે કે ત્યાં કેમેરા હતાં. તે મુલાકાતના ફોટો-વીડિયો આખી દુનિયાએ જોયા. તેમાં કોઇ હેડલાઇન, સબ-ટાઇટલ કે અનુવાદની જરૂર નહોતી. તે ફોટોગ્રાફ-ફૂટેજે આપોઆપ દુનિયાને બધું જ જણાવી દીધું.
વાત ખુરશીની નથીઃ ઉર્સુલા
ઉર્સુલાએ કહ્યું કે અહીં વાત પ્રોટોકોલ કે ખુરશીની નથી પણે તે બતાવવા માટે છે કે અમે કોણ છીએ. વાત મૂલ્યોની છે કે જેમના માટે આપણે ઊભા છીએ એ પણ ઘટના દર્શાવે છે કે મહિલા સાથે કાયમ અને દરેક સ્થળે આવો વ્યવહાર થાય છે.