ગાંધીનગર: રાજ્યમાં હાલમાં કોરોનાના દર્દીનો કુલ આંક ૬ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક ૭૭૭૯ થયો છે અને કુલ ૪,૬૪,૩૯૬ દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ ૧,૦૦,૨૦,૪૪૯ વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને ૨૬,૮૨,૫૯૧ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ ૧,૨૭,૦૩,૦૪૦ રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. દરમિયાન રાજ્યના ૨૯ શહેરોમાં કર્ફ્યૂ મર્યાદા પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના વધુ ૭ શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬ થી ૧૨ મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ,શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ,કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ રેસ્ટોરન્ટની ટેક અવે ફેસિલિટિ આપતી સેવાઓ, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા દફનવિધિ માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.
ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય રૂપાણીએ ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓ માટે કોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે આહવાન કરાયું હતું. જેનો માત્ર ૪૮ કલાક એટલે કે બે જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતાં રાજ્યના ર૪૮ તાલુકાની ૧૪,ર૪૬ ગ્રામ પંચાયતોમાં ૧૦૩૨૦ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયા છે.