ગુજરાતીમાં સુંદર કહેવત છે કે ‘લાંબા જોડે ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય’. વર્તમાન સંજોગોમાં ભારતની કોંગ્રેસ પાર્ટીમાં ચાલતી યાદવાસ્થળીને આ કહેવત એટલા માટે બંધબેસતી જણાય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ જે રીતે ભાજપ સરકારમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું તેનાથી તાનમાં આવી ગયેલી કોંગ્રેસની શીર્ષસ્થ નેતાગીરીએ તેનો અખતરો પંજાબમાં કરવા જતા અસંતોષ અને બળવાખોરીનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન સુપેરે પાર પડ્યું કારણકે પક્ષમાં મજબૂત અનુશાસન છે અને કેન્દ્રમાં મોદી-શાહની મજબૂત નેતાગીરી છે. ઝંઝાવાત વચ્ચે પણ સ્થિર રહેવાની જે શક્તિ ભાજપ પાસે છે તે કોંગ્રેસ પાસે નથી એવું ફરી એક વખત સાબિત થયું છે.
કોંગ્રેસની નેતાગીરી એટલી નબળી પડી છે કે પ્રાદેશિક સ્તરે અસંતોષના અવાજો ઉઠી રહ્યા છે. કોંગ્રેસનું સંચાલન સારી રીતે થાય તે માટે ઉપરથી નીચે સુધી કડક શિસ્ત આવશ્યક છે પરંતુ, ‘કુવામાં હોય તો હવાડામાં આવે’ની પરિસ્થિતિ જોવાં મળે છે. રાજકારણના કેપ્ટન અમરિન્દરસિંહ અને ક્રિકેટ-કોમેડીના ‘કેપ્ટન’ નવજોત સિદ્ધુ વચ્ચે સત્તાની હુંસાતુંસીમાં જે આગ લગાડાઈ તેની સીધી ઝાળ કોંગ્રેસ હાઈ કમાન્ડને લાગી છે તેમાં કોઈ શંકા નથી.
એશિયા અને આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યમાં પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી ચળવળ તરીકે ભારતમાં ૧૮૮૫ની ૨૮ ડિસેમ્બરે સર્વશ્રી દાદાભાઈ નવરોજી, દિનશા એડલજી વાચા અને બ્રિટિશર એલન ઓક્ટેવિયન હ્યુમ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ પાર્ટીને તેનું સ્વરાજ-આઝાદીનું લક્ષ્ય પરિપૂર્ણ થવા સાથેવિખેરી નાખવા મહાત્મા ગાંધીએ સલાહ આપી હતી પરંતુ, સત્તાનું સાધન જણાવાથી આ સલાહની સદંતર અવગણના કરવામાં આવી હતી. સ્થાપનાના લગભગ ૧૩૬ વર્ષે કોંગ્રેસે તેનું વજુદ ગુમાવી દીધું હોવાનું સ્પષ્ટ થાય છે.
ભાજપ અને નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી કોંગ્રેસની હાલત બગડતી ગઈ છે. કેન્દ્રીય અને પ્રાદેશિક સ્તરે મજબૂત નેતાગીરીનો અભાવ તેને સાલી રહ્યો છે. દેશમાં લોકશાહીની દુહાઈ દેતી કોંગ્રેસમાં જ આંતરિક લોકશાહીનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે. વર્ષોથી પાર્ટીને ચૂંટાયેલા અધ્યક્ષ મળ્યા નથી. તેમના એક સમયના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો પાર્ટીના જ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની હાજરીમાં જ તેમની સરકારના આદેશોને ફાડી નાખી ‘બુદ્ધિનું પ્રદર્શન’ કર્યું હતું તે સર્વવિદિત છે. જવાબદારીઓથી હરહંમેશ દૂર ભાગતા રાહુલ ગાંધી ક્યારે પદભાર સંભાળી ‘મહાભિનિષ્ક્રમણ’ની અવસ્થામાં આવી જશે તે કોઈ જ કહી શકતું નથી. આના કારણે જ નાદુરસ્ત તબિયત હોવાં છતાં સોનિયા ગાંધી કાર્યકારી પક્ષાધ્યક્ષની જવાબદારીનું વહન કરતાં રહ્યાં છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ જી-૨૩ની પૂર્ણકાલીન પક્ષપ્રમુખની માગણી સ્વીકારાતી નથી કારણકે કોંગ્રેસ હવે બાપિકી મિલકત હોવાનું જણાય છે. જી-૨૩ના નેતાઓ કહે છે કે અમે કોંગ્રેસી છીએ, જી-હજુરિયા નથી. બિનગાંધીને ટોચનું નેતૃત્વ સોંપવામાં ખચકાટ સ્પષ્ટ નજરે પડે છે કારણકે ગાંધી પરિવારને જી-હજુરિયા જોઈએ છે. પૂર્વ વિદેશપ્રધાન અને પીઢ નેતા નટવરસિંહે તો એટલે સુધી કહ્યું છે કે કોંગ્રેસની ખરાબ હાલત માટે ગાંધી પરિવાર જ જવાબદાર છે.
લોકશાહીમાં મજબૂત વિપક્ષની આવશ્યકતા સહુ સ્વીકારે છે પરંતુ, આજે દેશમાં કોંગ્રેસ સહિત કોઈ પક્ષ મજબૂત વિપક્ષની ગરજ સારે તેમ નથી. કોંગ્રેસના પીઢ નેતાઓ પણ સ્વીકારે છે કે નરેન્દ્ર મોદીને પડકાર આપવાની કોંગ્રેસમાં રાહુલ સહિત કોઈ નેતાની હેસિયત નથી. આ જ વાત થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહી હતી. વિપક્ષી એકતા માટે કાર્ય થતું નથી કારણકે બધા નેતા વડા પ્રધાન બનવાની લાલસા પાળી રહ્યા છે અને કરુણતા એ છે કે જનતા પાસે જવા તેમની પાસે કોઈ નીતિ, દિશા કે મુદ્દાઓ પણ નથી.