ભારત અને બ્રિટન વચ્ચે કોવિશિલ્ડ વેક્સિન તેમજ વેક્સિન સર્ટિફેકેટને માન્યતાના મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. બ્રિટને જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારત સાથે ખુલ્લેઆમ ભેદભાવ આચરી સામ્રાજ્યવાદી માનસિકતાનો પરિચય આપ્યો છે. બ્રિટનનો વ્યવહાર હજી પણ તે ભારત પર રાજ કરે છે અને ભારતીયો તેમના ‘છેલ્લા ખોળાના અણમાનીતા પ્રજાજનો’ હોય તે પ્રકારનો રહ્યો છે. જોકે, આ ૨૧મી સદીનું ભારત છે અને પોતાના આર્થિકબળ પર મુસ્તાક છે તે હજુ બ્રિટનની સમજમાં આવતું નથી. ભારત વિશ્વમાં સૌથી મજબૂત અને ઉભરતા બજારનું અર્થતંત્ર છે. અમેરિકા અને ખુદ બ્રિટનને પણ ભારતીય બજારોની જરૂર છે. વિશ્વના ઘણા દેશો ભારતને નજરમાં રાખી પોતાની નીતિઓ ઘડી રહ્યા છે અને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ્સ વધારી રહ્યા છે ત્યારે બ્રિટન મંત્રણાના નામે સમય ગુમાવી રહ્યું છે.
મૂળ બ્રિટિશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી પરંતુ, ભારતના પૂણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત વેરિએન્ટ કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા પ્રદાન કરવાના ઈનકાર અને કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા હોય તો પણ તેવા પ્રવાસીને ફરજિયાત ૧૦ દિવસ ક્વોરેન્ટાઈન રાખવાના જડ આગ્રહથી યુકેના બેવડા ધોરણો ખુલ્લાં પડી ગયા છે.
ભારત દ્વારા તીવ્ર વિરોધ થયો ત્યારે ‘નાચવું નહિ તો આંગણ વાંકુ’ના ધોરણે કોવિશિલ્ડ વેક્સિનને તો માન્યતા આપી દેવાઈ પરંતુ, ભારતના કોવિન સર્ટિફિકેટમાં વિગતો અપૂર્ણ છે જેવાં નખરાં ઉભા કરાયા હતા. ભારતે સર્ટિફિકેટ્સમાં જન્મતારીખ સહિતના જરૂરી સુધારા કરાવી દીધા તેમ છતાં, યુકેનું વલણ ‘દિલ હૈ કિ માનતા નહિ’ જેવું જ રહ્યું છે.
આખરે ભારતે પણ ત્રીજુ નેત્ર ખોલી ભારત આવનારા બ્રિટિશ પ્રવાસીઓ માટે પણ ફરજિયાત ૧૦ દિવસના ક્વોરેન્ટાઈન તેમજ RTPCR ટેસ્ટ સંબંધિત નિયમો જાહેર કરવાની ફરજ પડી છે. આ હિસાબે, બ્રિટનથી આવેલી ફ્લાઈટ્સના ૭૦૦ પેસેન્જરને ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. એ હકીકત છે કે બ્રિટિશરોની સાથે મૂળ ભારતીયોએ પણ ક્વોરેન્ટાઈન થવુ પડ્યું છે પરંતુ, સમગ્ર મુદ્દો આત્મસન્માનનો છે.
યુકે કોવિશિલ્ડ વેક્સિનને માન્યતાના ક્ષુલ્લક વિવાદમાં અકડાયું છે ત્યારે યુએન જનરલ એસેમ્બલીના ૭૬મા સત્રના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સૂચક રીતે કહ્યું હતું કે તેમણે ભારતમાં ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા છે અને તેઓ જીવતા છે. કેટલા દેશો કોવિશિલ્ડ વેક્સિનને સ્વીકારે છે કે નહિ તે જાણતો નથી પરંતુ, મોટા ભાગના દેશોએ કોવિશિલ્ડ વેક્સિનનો ઉપયોગ કર્યો છે. ભારતે ગ્રાન્ટ્સ, કોમર્શિયલ શિપમેન્ટ્સ અને કોવેક્સ ફેસિલિટી મારફત લગભગ ૧૦૦ દેશને ૬૬ મિલિયનથી વધુ ડોઝ પૂરાં પાડ્યા છે તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી.
એક તરફ વિકસિત દેશોએ ઘરઆંગણે ઉપયોગ માટે વેક્સિન્સની સંઘરાખોરી કરી છે ત્યારે આફ્રિકાના ઘણા દેશોમાં વેક્સિનેશન દર ચાર ટકાને પાર પણ થયો નથી. એક વેક્સિન સાથે ભેદભાવ દર્શાવી અન્ય વેક્સિન્સને માન્યતા આપવાની મનોવૃત્તિ વેક્સિન રેસિઝમ અને અને વિશ્વમાં અસમાનતાની સમસ્યા ઉજાગર કરે છે. વેક્સિન અને તેના સર્ટિફિકેશનની માન્યતા મુદ્દે ભારત અને યુકે વચ્ચેનો વિવાદ ઉકેલાઈ જશે તો પણ વિશ્વમાં એક અથવા બીજા સ્તરે રેસિઝમ અને ભેદભાવ હંમેશા જોવા મળશે, તેનાથી ક્યારે મુક્ત થઈશું?