ગાંધીનગરઃ ઔદ્યોગિક સાથે સામાજીક વિકાસ માટે મહત્વનો દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ ૨૦૨૩માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ ૧૩૮૦ કિલોમીટની લંબાઇ ધરાવે છે અને તેની પાછળ ૯૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ હાઇવે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરની લંબાઇ ધરાવે છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે હાઇવે બની રહ્યો છે તેમાં ૩૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં ૬૦ મોટા બ્રીજ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને આઠ આરઓબી નિર્માણ પામશે. ભરૂચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલો આઇકોનિક બ્રીજ ભારતનો પ્રથમ આઠ લેનનો બ્રીજ હશે. નવા એક્સપ્રેસ હાઇ-વેથી દિલ્હી અને મુંબઇ વચ્ચેનો મુસાફરી સમય ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થશે. આ હાઇવે રાજસ્થાનના ૩૮૦ કિલોમીટર, મધ્યપ્રદેશના ૩૭૦ કિલોમીટર, મહારાષ્ટ્રના ૧૨૦ કિલોમીટર અને હરિયાણામાં ૮૦ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. કુલ પાંચ રાજ્યોના મોટા શહેરો જેવાં કે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા અને સુરતનું ડેવલપમેન્ટ ઝડપથી થઇ શકશે. આ ગ્રીન હાઇવેની શરૂઆત માર્ચ ૨૦૧૯માં કરવામાં આવી હતી. ૧૩૮૦ કિલોમીટર પૈકી ૧૨૦૦ કિલોમીટરના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે. ગુજરાતમાં કુલ ૩૯૦ કિલોમીટરના માર્ગ માટે કોન્ટ્રાક્ટ અપાઇ ચૂક્યાં અને હાલ કામ ચાલી રહ્યું છે. ગુજરાતના દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે.
ગુજરાતમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે દિલ્હી-વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજિત નવીન પેવમેન્ટ ડિઝાઇન અને એક્સપ્રેસ-વે ને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ૩૩ રોડસાઇડ સુવિધાઓ (WSAs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.