1 પાઉન્ડના વધારા સાથે લઘુત્તમ વેતન 10.90 પાઉન્ડ પ્રતિ કલાક

Tuesday 27th September 2022 09:18 EDT
 
 

લંડન: નોકરીદાતાઓ માટે કર્મચારીઓનું લઘુત્તમ વેતન નક્કી કરતી સંસ્થા લિવિંગ વેજ ફાઉન્ડેશને સમગ્ર બ્રિટનમાં લઘુત્તમ વેતનમાં 1 પાઉન્ડનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે લંડનને બાદ કરતાં સમગ્ર દેશમાં લઘુત્તમ વેતન 1 પાઉન્ડના વધારા સાથે 10.90 પાઉન્ડ પ્રતિ કલાક થશે. જ્યારે લંડનમાં 90 પેન્સના વધારા સાથે લઘુત્તમ વેતન 11.95 પાઉન્ડ પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ગંભીર બનતા લિવિંગ વેજ ફાઉન્ડેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે ટીકાકારો કહે છે કે પગાર વધારાના આ નિર્ણયને પરિણામે ઘણી કંપનીઓને સંઘર્ષ કરવો પડશે. અત્યારે બ્રિટનમાં નેશનલ મિનિમમ વેજ 9.50 પાઉન્ડ પ્રતિ કલાક છે. રિઅલ લિવિંગ વેજ સાથે સંકળાયેલા વેપાર ઉદ્યોગના 4,00,000 કર્મચારીઓને આ પગારવધારાનો લાભ મળશે. ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, આ નિર્ણયને પગલે ફૂલ ટાઇમ વર્કર્સને પ્રતિ વર્ષ 2000 પાઉન્ડ કરતાં વધુનો પગારવધારો મળશે. લંડન સિવાયના દેશભરમાં ફૂલટાઇમ વર્કરને પ્રતિ વર્ષ 2700 પાઉન્ડ અને લંડનમાં 5000 પાઉન્ડ પ્રતિ વર્ષનો લાભ થશે.
લિવિંગ વેજ ફાઉન્ડેશનના ડિરેક્ટર કેથેરાઇન ચેપમેને જણાવ્યું હતું કે, આ શિયાળામાં દેશના કરોડો લોકો ક્યાં તો ભોજન પાછળ ખર્ચ કરો અથવા તો વીજળીના બિલ ભરવાના પડકારનો સામનો કરી રહ્યાં છે. નવા વેતનના દર લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને હાલના મુશ્કેલ સમયમાં મોટી રાહત આપશે. સીઆઇપીડીના સલાહકાર ચાર્લ્સ કોટને જણાવ્યું હતું કે, આ પગારવધારો નોંધપાત્ર છે પરંતુ ઓછા પગાર ધરાવતા કર્મચારીઓને તેનાથી ઘણી ઓછી રાહત મળશે.
લિવિંગ વેજ ફાઉન્ડેશને તેના દ્વારા નક્કી કરાતા દર પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવતા વેપાર –ઉદ્યોગને વેતનમાં સૂચિત 10 ટકાનો વધારો કર્મચારીઓને તાત્કાલિક અસરથી ચૂકવવાની અપીલ કરી છે જેથી તેઓને કાળઝાળ મોંઘવારીમાં રાહત મળે.


comments powered by Disqus