20મા ‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’માં હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ

Wednesday 28th September 2022 07:24 EDT
 
 

વિવિધ ક્ષેત્રોમાં બ્રિટિશ એશિયનોની સિદ્ધિઓને બિરદાવતા તેમજ યુકેમાં સૌથી લાંબા સમયથી કરાતી ઉજવણી ‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ દ્વારા તેના વાર્ષિક સમારોહમાં હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. લંડનના પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ ખાતે શુક્રવાર 23 સપ્ટેમ્બરની સલૂણી સાંજે આયોજિત વાર્ષિક એવોર્ડ સમારંભના ઉદ્ઘાટનમાં નોર્ધર્ન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર ડેમ આર્લેન ફોસ્ટર DBE PCના નેતૃત્વ હેઠળ એક મિનિટના મૌન સાથે હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અભિનેતા નીતિન ગણાત્રા OBE અને એન્ટ્રેપ્રીન્યોર, પરગજુ, અને ડોક્યુમેન્ટરી ફિલ્મનિર્માતા ડીઆના ઉપ્પલ દ્વારા આ ઈવેન્ટનું સંચાલન કરાયું હતું. તેમણે Love Island ના સ્પર્ધક પ્રિયા ગોપાલદાસ, TOWIE ના સ્ટાર્સ દાની ઈમ્બર્ટ અને જૂનૈદ અહમદ; કોમેડીઅન તેઝ ઈલ્યાસ, અભિનેતાઓ રાજ ઘટક, નિશા આલિયા અને યાનિક ઘાન્ટી; મ્યુઝિક આર્ટિસ્ટ્સ બામ્બી બૈન્સ, રુમેર અને એચ. ધામી; પ્રીમિયર લીગ પ્રેઝન્ટર મનિષ ભસીન; પૂર્વ મિસ ઈંગ્લેન્ડ હમ્માસા કોહિસ્તાની; ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ લંડન રાજેશ અગ્રવાલ; વિટાબાયોટિક્સના સ્થાપક અને ચેરમેન ડો. કરતાર લાલવાણી OBE; લાયકાના સ્થાપક અને ચેરમેન સુબાસકરન આલિરાજાહ; હેડ ટીચર કેથેરાઈન બિરબલસિંહ; બિઝનેસવુમન શીલ મફતલાલ; અને કોવિડ વેક્સિનના ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપના અગ્રણી સંશોધક માહેશી રામાસામી સહિતના મહાનુભાવો, સેલેબ્રિટીઝ અને અગ્રણીઓનું સ્વાગત કર્યું હતું.
આજે યુકેમાં સાઉથ એશિયનો પોલિટિક્સ, બિઝનેસ અને સિવિલ સોસાયટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં અગ્રસ્થાન ધરાવે છે. આ એવોર્ડ્સ સમગ્ર સાઉથ એશિયન કોમ્યુનિટીમાં આવા વ્યક્તિઓની નોંધપાત્ર કામગીરી અને સિદ્ધિઓને બિરદાવે છે. હવે વર્ષ 2000માં સ્થાપિત ‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ યુકેની સાઉથ એશિયન કોમ્યુનિટીના અગ્રણી વ્યક્તિત્વો અને તેમની અભૂતપૂર્વ સિદ્ધિઓની ઉજવણી માટે સૌથી પ્રતિષ્ઠિત અને દીર્ઘકાલીન એવોર્ડ્સ તરીકે સન્માન ધરાવે છે. એવોર્ડસ સમારંભે
કોરોના મહામારી પછી આ વર્ષે પુનરાગમન કર્યું છે. ગ્લોબલ એડવાઈઝરી ફર્મ EPG દ્વારા રજૂ કરાયેલા એવોર્ડ્સને મીડિયા પાર્ટનર્સ એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર, ઝી ટીવી, સનરાઈઝ રેડિયો અને લક્ઝરી મેગેઝિન દ્વારા સપોર્ટ કરાયો છે.
આર્ટ એન્ડ કલ્ચર; બિઝનેસ પર્સન ઓફ ધ યર; એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર અને કોમ્યુનિટી સર્વિસ સહિત 10 કેટેગરી માટે ‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ને 500થી વધુ નોમિનેશન્સ પ્રાપ્ત થયાં હતાં. નિર્ણાયકગણે આમાંથી પ્રતિ કેટેગરી પુરુષ અને મહિલા ઉમેદવારને સરખા મહત્ત્વ સાથે ચાર નેમિનેશન્સને શોર્ટલિસ્ટ કર્યા હતા. આ વર્ષના નિર્ણાયકગણ- જજીસ પેનલમાં પણ વૈવિધ્ય અને અનુભવોનું પ્રતિબિંબ જોવાં મળ્યું હતું. પેનલમાં મેટ્રોપોલીટન પોલીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર બાસ જાવિદ, રોય મ્યુઝિક પ્રોડ્યુસર બાલી સાગૂ, વેલ્સ એસેમ્બલીના સભ્ય નતાશા અસગર, અને દરબાર ફેસ્ટિવલના આર્ટિસ્ટિક ડાયરેક્ટર સંદીપ વીર્ડી OBE નો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે નોર્ધર્ન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર ડેમ આર્લેન ઈસાબેલ ફોસ્ટર DBE Pcએ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ભારતના ત્રણ પ્રવાસોને યાદ કર્યાં હતાં અને હર મેજેસ્ટીને શ્રદ્ધાંજલિ અર્પવાના નેતૃત્વ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝ વીક્લીઝના એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘મને આનંદ થાય છે કે બે વર્ષના અંતરાલ પછી AAAનું એ જ ઉત્સાહ-ભાવના અને કોમ્યુનિટીના ઉત્સાહપ્રેરક વ્યાપક સમર્થન સાથે પુનરાગમન થયું છે. ઓડિયન્સમાં ઘણાં લોકો એવા છે જેમની સફળતાની કથાઓ અદ્ભૂત છે. કેટલાક લોકોએ ભૂતકાળમાં આ કાર્યક્રમમાં હાજરી આપી છે, જેમણે પ્રેરણા મેળવી છે અને પ્રવૃત્ત થયા છે. આ ઉપરાંત, ઘણી નવોદિત સફળતાઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, આર્ટિસ્ટ્સ, પેઈન્ટર્સ છે જેમણે એશિયન એચિવર્સ એવોર્ડ શરૂ કરવાના હેતુને સાર્થક બનાવ્યો છે અને આ આનંદોત્સાહપૂર્ણ એવોર્ડ્સ ઈવેન્ટની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
મારા માટે સંપૂર્ણ સંતોષની એ વાત છે કે ઉદાહરણીય ઉદ્દેશ સાથે ‘પરદાદા પરદાદી એજ્યુકેશનલ સોસાયટી યુકે’ માટે ભંડોળ એકત્ર કરવા આ કાર્યક્રમના આયોજન માટે પ્રતીક દત્તાણી અને લિજી જ્યોર્જે તેમની ટીમ સાથે પ્રભાવશાળી કામગીરી કરી છે. આનાથી સંદેશ મળે છે કે શિક્ષણ જ કોઈ પણ વિકસિત અથવા અવિકસિત સમાજ માટે સફળ થવાનો ચાવીરૂપ પાયો છે.
ફરી એક વખત, હું તમામ એવોર્ડવિજેતાઓને અભિનંદન પાઠવું છું તેમજ આજની સલુણી સાંજે AAA-2022 ના ભવ્ય પુનરાગમનને આવકાર અને સફળતા માટે સ્પોન્સર્સ અને વિજ્ઞાપનદાતાઓ સહિત ઉપસ્થિત રહેલા પ્રતિષ્ઠિત મહેમાનો અને સપોર્ટર્સનો આભાર વ્યક્ત કરું છું.’
EPG ના મેનેજિંગ ડાયરેક્ટર પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે,‘આજની રાત્રે આપણે વર્તમાન બ્રિટનમાં સાઉથ એશિયન કોમ્યુનિટીની શ્રેષ્ઠતાને ઉજવી છે. આપણા ડાયસ્પોરા માટે આગામી 20 વર્ષ વધુ સફળતા લાવશે. AAA બ્રિટનનું નિર્મામ કરનારા અને વિશ્વને બહેતર સ્થળ બનાવનારા ઈનોવેટર્સ, વિઝનરીઓ અને કોમ્યુનિટી અગ્રણીઓની ઓળખ, કદર અને સપોર્ટનું પ્લેટફોર્મ બની રહેશે
EPG Eventsના ડાયરેક્ટર તથા એશિયન વોઈસ અને ગુજરાત સમાચારના પૂર્વ CEO એલ. જ્યોર્જે જણાવ્યું હતું કે,‘ એશિયન એચિવર્સ એવોર્ડ્સ નાઈટ હંમેશાં વિશિષ્ટ ઘટના બની રહી છે કારણકે તે કોમ્યુનિટીને સાથે લાવનારું પ્લેટફોર્મ છે. બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના સૌથી સફળ લોકો સાથે નેટવર્કિંગ કરવા સૌથી સારું માધ્યમ હોવા સાથે કોમ્યુનિટી વર્તમાન તમામ ક્ષેત્રમાં કેટલી સફળ બની છે તે જાણવા અને ઉજવવાનું શ્રેષ્ઠ સ્થળ છે.’
એવોર્ડ્સ સમારંભમાં લાઈવ પરફોર્મન્સીસે રંગ જમાવ્યો હતો જેમાં બ્રિટ-એવોર્ડ નોમિની રુમેર, સેલિસ્ટ અને પિયાનિસ્ટ એલિસન ગેબ્રિએલ, TV’s Man Like Mobeen ના સ્ટાર સ્ટેન્ડ-અપ કોમેડીઅન તેઝ ઈલ્યાસનો સમાવેશ થયો હતો. લોર્ડ જેફ્રી આર્ચરે પસંદગીના ચેરિટી પાર્ટનર ‘Pardada Pardadi’ના સપોર્ટમાં ચેરિટી ઓક્શનનું સંચાલન કર્યું હતું.

એશિયન એચિવર્સ એવોર્ડ 2022ના વિજેતાઓ

• આર્ટ એન્ડ કલ્ચરઃ નમિત મલ્હોત્રા - અગ્રણી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એનિમેશન કંપની DNEG ના ચેરમેન અને CEO તથા DNEGની પેરન્ટ કંપની પ્રાઈમ ફોકસ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. ફિલ્મ પ્રોડ્યુસર તરીકે નમિતના મહત્ત્વપૂર્ણ યોગદાનમાં બોલીવૂડની ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને આગામી ફિલ્મ રામાયણ તેમજ સોની પિક્ચર્સ દ્વારા ડિસ્ટ્રિબ્યૂટ કરાનારી એનિમેટેડ ફીચર ફિલ્મ ગારફિલ્ડનો સમાવેશ થાય છે.
• બિઝનેસ પર્સન ઓફ ધ યરઃ શમિલ અને કવિ ઠકરાર – યુકેમાં સૌથી સફળ ભારતીય રેસ્ટોરાં કંપનીઓમાં એક ડિશૂમના સ્થાપકો. આ કંપની 100 બેસ્ટ યુકે કંપનીઝ ટુ વર્ક ફોર 2021ની યાદીમાં ચોથા સ્થાને તથા હોસ્પિટાલિટી એન્ડ લેઈઝરમાં પ્રથમ ક્રમે આવેલી છે. ઝડપી પ્રગતિ કરી રહેલી ડિશૂમની એક લંડન બ્રાન્ચમાંથી રાષ્ટ્રવ્યાપી ચેઈન અને વૈશ્વિક બ્રાન્ડ તરીકે વિકસાવી ઉપરાંત, તેમણે રાંધણકળાનું પુસ્તક ‘ફ્રોમ બોમ્બે વિથ લવ’ પણ પ્રકાશિત કર્યું છે.
• કોમ્યુનિટી સર્વિસઃ ડો. ઝરીન રૂહી અહમદ - ગિફ્ટ વેલનેસના સ્થાપક અને CEO તથા ચેરિટી હલિમાહ ટ્રસ્ટના ચેર, જે ચેરિટી 2007માં કરૂણ હત્યા કરાયેલી પુત્રીના સ્વપ્નોને સાકાર કરવા સ્થપાઈ છે. ઝરીન ડેન્ટ ગ્લોબલમાં કોચ પણ છે જ્યાં તેઓ અન્ય એન્ટ્રેપ્રીન્યોર્સને તેમના ધંધાકીય સ્વપ્નોને વાસ્તવિક બનાવવામાં મદદરૂપ થાય છે.
• એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યરઃ શેરી વાસવાણી - મોટી કંપનીઓને IT સર્વિસીસ પૂરી પાડનારી અને ક્લાઉડ નેટવર્કિંગ અને સાયબરસિક્યુરિટીમાં સ્પેશિલાઈઝેશન સાથે વૈશ્વિક પ્રોવાઈડર કંપની Xalientના સ્થાપક અને CEO. Xalient શેરીનું બીજું બિઝનેસ સાહસ છે જેની ઝડપી પ્રગતિની 2022 Sunday Times One Hundred and FT Europe 1000 માં નોંધ લેવાઇ છે.
• લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડઃ ડો. કરતાર લાલવાણી OBE – યુકેમાં સૌપ્રથમ અને વિશ્વના 100થી વધુ દેશમાં હાજરી ધરાવતી અત્યારે સૌથી સફળ સ્પેશિલાઈઝ્ડ વિટામીન સપ્લિમેન્ટ ફર્મ વિટાબાયોટિક્સના સ્થાપક અને ચેરમેન છે. તેઓ ભારતમાં સૌથી મોટી ન્યૂટ્રાસૌટિકલ કંપનીમાં એક મેયેર ઓર્ગેનિક્સના સ્થાપક છે.
• મીડીઆઃ નાગા મુનચેટ્ટી - BBC Breakfastના પ્રેઝન્ટર્સમાં એક તરીકે દેશભરમાં જાણીતા અને BBC 5 Live પર અગ્રણી રેડિયો શોના સંચાલક. આ ઉપરાંત, નાગા BBC1 માટે Claimed and Shamed ની પણ રજૂઆત કરે છે. તેઓ ગોલ્ફ રમવાના ભારે શોખીન છે અને 8ના હેન્ડિકેપ સાથે રમે છે. તેઓ 2013માં ધ રાયડર કપના વિષય સાથે સેલેબ્રિટી માસ્ટરમાઈન્ડના વિજેતા જાહેર કરાયાં હતાં.
• પ્રોફેશનલ ઓફ ધ યરઃ પ્રોફેસર સર શંકર બાલાસુબ્રમન્યન (યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ) - પ્રોફેસર શંકરે નેક્સ્ટ જનરેશન DNA સિક્વન્સિંગ ટેકનોલોજી વિકસાવી છે જેના થકી મોટા પાયા પર જેનોમ સિક્વન્સિંગને ઓછા ખર્ચે, ઝડપી અને ચોકસાઈપૂર્વક કરી શકાય છે. આ ટેકનોલોજીએ બાયોલોજી અને મેડિસીનના ક્ષેત્રમાં ભારે પરિવર્તન આણ્યું છે જેનાથી સંશોધકો માનવીય જેનોમનો અભ્યાસ દસ લાખ ગણી ઝડપથી અને અગાઉની સરખામણીએ ઘણા ઓછાં ખર્ચથી કરી શકે છે. 2017માં તેમને સાયન્સ અને મેડિસીન ક્ષેત્રની સેવા માટે નાઈટહૂડ એનાયત કરાયું હતું.
• સ્પેશિયલ એવોર્ડ ફોર બિઝનેસ લીડરશિપઃ પુનીત ગુપ્તા - યુકેની સ્કોટલેન્ડસ્થિત એવોર્ડવિજેતા તથા 55 દેશમાં હાજરી સાથે સ્કોટલેન્ડના સૌથી મોટી અને સૌથી સફળ નિકાસકાર કંપનીઓમાં એક PG Paper ના સહમાલિક અને CEO. નવતર ઉપાયો સાથેની PG Paper કંપની મિલ્સ સાથે કામ કરે છે તેમજ સ્થાનિક બજારોમાં ઓર્ડરથી માંડી ડિલિવરી સુધી છેવાડાના વપરાશકારોને પુરવઠો પહોંચાડે છે. આ કંપનીની સિદ્ધિઓને વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સ, અર્ન્સ્ટ એન્ડ યંગ, ધ હેરલ્ડ ફેમિલી એવોર્ડ્સ, સ્કોટિશ એક્સપોર્ટ એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ મારફત બિરદાવાઈ છે.
• સ્પેશિયલ એવોર્ડ ફોર ઈનોવેશન એન્ડ એન્ટ્રપ્રેન્યોરશિપઃ બંકિમ ચંદ્ર – બંકિમચંદ્ર ભારતમાં TCS ની પ્રોગ્રામર તરીકેની નોકરી 1996માં છોડીને યુકેમાં RBS માટે તેમની CRM Systems માટે પ્રોગ્રામર તરીકે જોડાયા હતા. આજે ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, યુએસ અને યુકેમાં ઓફિસો તેમજ ભારતમાં ત્રણ ડેવલપમેન્ટ સેન્ટર ધરાવતી કંપની Dotsquares ના સ્થાપક અને CEO છે.
• સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરઃ કરણજિત કૌર બૈન્સ – Team GB નું પ્રતિનિધિત્વ કરનારી સૌપ્રથમ મહિલા શીખ પાવરલિફ્ટર છે જેઓ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ ખાતે ત્રણ સુવર્ણ અને બે રજત ચંદ્રક સાથે 2019ના કોમનવેલ્થ ચેમ્પિયન બન્યાં હતાં.
• યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસઃ કેપ્ટન હરપ્રીત ચાન્ડી - ‘પોલાર પ્રીત’ના નામે જાણીતા આર્મી ઓફિસર અને ફીઝિયોથેરાપિસ્ટે સાઉથ પોલ સુધી કોઈ સહાય વિના એકલાં જ ટ્રેકિંગ કરવામાં રંગીન ત્વચા સાથેની પ્રથમ મહિલા બનીને ઈતિહાસ સ્થાપ્યો છે. તેમણે 2019માં સહરાના રણમાં 156 માઈલની અલ્ટ્રામેરેથોન પણ પૂર્ણ કરી છે.
• વુમન ઓફ ધ યરઃ સુએલા બ્રેવરમેન KC MP - યુકેના હોમ સેક્રેટરી અને પૂર્વ એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન સૌપ્રથમ વખત 2015માં હેમ્પશાયરના ફેરહામથી સાંસદ તરીકે ચૂંટાયા પછી 2017 અને 2019માં પુનઃ ચૂંટાયાં હતાં. 2018માં ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝિટિંગ યુરોપિયન યુનિઅનમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પણ કામગીરી બજાવી છે. હોમ સેક્રેટરી કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકવાથી તેમના પેરન્ટ્સ ઉમા અને ર્કિસ્ટી ફર્નાન્ડિસે એવોર્ડ સ્વીકાર્યો હતો.
• આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ ઈન હેલ્થકેરઃ પ્રેમા સુબાસકરન – 2015માં LycaHealthની સ્થાપના કરનારાં એન્ટ્રેપ્રીન્યોર અને પરગજુ મહિલા જેમણે 2015માં કેનારી વ્હાર્ફમાં ક્લિનિક અને 2016માં ચેન્નાઈમાં વેસ્ટમિન્સ્ટર હેલ્થકેરની સ્થાપના કરી હતી. LycaHealth દ્વારા ગયા વર્ષે સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડના કેન્ટમાં KIMS હોસ્પિટલ હસ્તગત કરી હતી.


comments powered by Disqus