એપ્રિલ 2023થી બેઝિક ઇન્કમ ટેક્સ 19 ટકા

Wednesday 28th September 2022 07:39 EDT
 
 

ક્વાસી ક્વારતેંગનું મિની બજેટ એટ એ ગ્લાન્સ

• એપ્રિલ 2023થી 1,50,000 પાઉન્ડ કરતાં વધુ આવક ધરાવતા કરદાતાઓ પાસેથી વસૂલાતો આવકવેરાનો દર 45 ટકાથી ઘટાડીને 40 ટકા કરાયો • આવકવેરાનો બેઝિક રેટ 20 ટકાથી ઘટાડીને 19 ટકા કરાયો • 2,25,000 પાઉન્ડ સુધીની સંપત્તિની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાંથી માફી
• પહેલીવાર સંપત્તિ ખરીદનારને 4,25,000 પાઉન્ડ સુધીની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાંથી માફી • નેશનલ ઇન્શ્યુરન્સ પર લદાયેલો 1.25 ટકાનો ટેક્સ રદ • બિયર, વાઇન અને સિદેરની ડ્યુટીમાં કરાયેલો વધારો રદ • વિદેશી પ્રવાસીઓ માટે વેટ ફ્રી શોપિંગની વ્યવસ્થા ફરી શરૂ કરાશે • કોર્પોરેશન ટેક્સ 25 ટકા કરવાની યોજના રદ, 19 ટકા પર યથાવત રહેશે • કોમર્શિયલ લેન્ડની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી નહીં • સેલ્ફ એમ્પ્લોયમેનટ રૂલ્સમાં કરાયેલા સુધારાને પણ રદ • બેન્કર્સ બોનસ પર મૂકાયેલી મર્યાદા હટાવાઇ • લઘુત્તમ કલાકો કામ નહીં કરનારા પાર્ટટાઇમ કર્મચારીઓના યુનિવર્સલ ક્રેડિટ બેનિફિટ્સમાં કાપ મૂકાશે.

પાર્ટટાઇમ નોકરી કરતા કર્મચારીઓ વધુ કલાકો કામ કરતા થાય તે માટે નવા કાયદા ઘડાશે

લંડન: છેલ્લા 40 વર્ષના સૌથી ઊંચા ફુગાવાના દરનો સામનો કરી રહેલી બ્રિટિશ પ્રજાને રાહત આપવા 23 સપ્ટેમ્બરના શુક્રવારે લિઝ ટ્રસની નવી સરકારના ચાન્સેલર ક્વાસી ક્વારતેંગે કરવેરામાં મોટા કાપ મૂકતું ઇમર્જન્સી બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક વિકાસમાં અવરોધરૂપ કરવેરામાં કાપ અમારી સરકારનો ટોચનો એજન્ડા છે.
પોતાના મિની બજેટમાં સૌથી મોટું આશ્ચર્ય સર્જતાં ક્વાસીએ અલ્ટ્રા રીચ લોકોને મોટી રાહત આપતાં આવકવેરાના 45 ટકા સ્લેબને ઘટાડીને 40 ટકા કરી નાખ્યો હતો. તે ઉપરાંત તેમણે એપ્રિલ 2023માં આવકવેરાના બેઝિક રેટને 20 ટકાથી ઘટાડીને 19 ટકા કરવાની જાહેરાત કરી હતી. ક્વાસીએ જણાવ્યું હતું કે, અગાઉની બોરિસ જ્હોન્સન સરકાર દ્વારા હેલ્થ અને સોશિયલ કેર માટે ભંડોળ ઊભુ કરવા દાખલ કરાયેલો નેશનલ ઇન્શ્યુરન્સ ટેક્સમાં વધારો રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
પરિવારો પોતાનું ઘર ખરીદી શકે અને રિઅલ એસ્ટેટ સેક્ટરને વેગ મળે તે માટે ચાન્સેલરે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની પણજાહેરાત કરી હતી. નવા બજેટ પ્રમાણે હવે 2,50, 000 પાઉન્ડ સુધીની સંપત્તિની ખરીદી પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની નહીં રહે. અગાઉ 1,25,000 પાઉન્ડની સંપત્તિની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં માફી મળતી હતી. તે ઉપરાંત પહેલીવાર સંપત્તિની ખરીદનારને 4,25,000 પાઉન્ડ સુધીની સંપત્તિની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવી છે. અગાઉ 3 લાખ પાઉન્ડ સુધીની સંપત્તિ પહેલીવાર ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાતી હતી.
ક્વારતેંગે જાહેરાત કરી હતી કે ઓફિસ ઓફ ટેકસ સિમ્પ્લિફેકેશનને બંધ કરી દેવાશે અને કરવેરાના સરળીકરણનું કામ ટ્રેઝરીના અધિકારીઓને સોંપાશે. તે ઉપરાંત સેલ્ફ એમ્પ્લોયમેનટ રૂલ્સમાં કરાયેલા સુધારાને પણ રદ કરી દેવાયાં છે. ચાન્સેલરે બજેટમાં જણાવ્યું હતું કે બીયર, સિદેર અને વાઇનની ડ્યુટીમાં અગાઉ કરાયેલા વધારાને પણ રદ કરી દેવાયો છે. સરકાર વિદેશી પ્રવાસીઓ માટે વેટ ફ્રી શોપિંગની વ્યવસ્થા ફરી શરૂ કરશે.
સરકારે બેન્કર્સ બોનસ પર મૂકાયેલી મર્યાદાને પણ હટાવી લીધી છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, બ્રિટનનું અર્થતંત્ર મજબૂત ફાઇનાન્સિયલ સેક્ટર પર આધારિત છે.
ચાન્સેલરે કંપનીઓ માટે પણ કરવેરામાં રાહતની જાહેરાત કરી હતી જેમાં સ્ટ્રકચર અથવા ઇમારતો માટે કરરાહતોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, નવી રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા તો કોમર્શિયલ લેન્ડની ખરીદી પર કોઇ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે નહીં. તે ઉપરાંત કોર્પોરેશન ટેક્સ 19 ટકા પર જ યથાવત રહેશે અને વધારીને 25 ટકા કરાશે નહીં.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ચાન્સેલરે પ્લાનિંગ કાયદાઓમાં મોટાપાયે સુધારાની પણ જાહેરાત કરી હતી. પાર્ટટાઇમ નોકરી કરતા કર્મચારીઓ વધુ કલાકો કામ કરતા થાય તે માટે નવા કાયદા ઘડવાની જાહેરાત કરતાં ચાન્સેલરે જણાવ્યું હતું કે, લઘુત્તમ કલાકો કામ નહીં કરનારા પાર્ટટાઇમ કર્મચારીઓના યુનિવર્સલ ક્રેડિટ બેનિફિટ્સમાં સરકાર કાપ મૂકશે.
એનર્જી રેસ્ક્યુ સ્કીમના કારણે સરકાર પર 60 બિલિયન પાઉન્ડનો બોજો પડશે – ચાન્સેલર
ચાન્સેલરે જણાવ્યું હતું કે, પરિવારોને વધી રહેલા એનર્જી બિલમાં રાહત આપવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી એનર્જી રેસ્ક્યુ સ્કીમના કારણે ઓક્ટોબરથી આગામી છ મહિનામાં સરકાર પર 60 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. ક્વારતેંગે જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાના હુમલાના કારણે એનર્જી માર્કેટમાં સર્જાયેલી અંધાધૂંધીને પહોંચી વળવા સરકારે યોજના બનાવી છે. સરકાર વીજળીના બિલમાં વધારો થવા નહીં દે. સરકાર સરેરાશ પરિવારના એનર્જી બિલ ફ્રિઝ કરવા પ્રતિબદ્ધ છે. એનર્જી બિલમાં અપાનારી રાહત વેપાર ઉદ્યોગ માટે પણ હોલસેલ એનર્જી પ્રાઇસમાં ઘટાડો કરશે. તેના કારણે સમગ્ર દેશમાં વેપાર ધંધાને પ્રાઇસ ગેરેંટી મળી રહેશે. સરકાર એનર્જી કંપનીઓને 100 ટકા ગેરેંટી સ્કીમ સાથે મદદ જારી રાખશે.
ફુગાવામાં પાંચ ટકાનો ઘટાડો અને જીડીપી ગ્રોથમાં 2.5 ટકાની વૃદ્ધિ થશે – ક્વારતેંગ
ચાન્સેલરે મિની બજેટ રજૂ કરતાં દાવો કર્યો હતો કે કરવેરા અને એનર્જી બિલમાં રાહતના પગલે દેશમાં ફુગાવાના દરમાં પાંચ ટકાનો ઘટાડો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચની સપાટી પર છે. ચાન્સેલરે જણાવ્યુ હતું કે, કરવેરામાં રાહત અને ડિરેગ્યુલેશન જેવા પગલાં દ્વારા સરકાર જીડીપી ગ્રોથ રેટ 2.5 ટકા સુધી લઇ જવાનો પ્રયાસ કરશે.

મોર્ગેજ બિલ અને ક્રેડિટ કાર્ડના દરોમાં ફરી વધારો, નવી લોન મોંઘીદાટ બનશે

લંડનઃ બ્રિટનમાં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચે પહોંચ્યો છે ત્યારે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત સાતમીવાર વ્યાજદરોમાં વધારો કરતાં લાખો પરિવારોના મોર્ગેજ બિલોમાં મોટો વધારો થશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગુરુવારે વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરતાં હવે વ્યાજદર 1.75 ટકાથી વધીને 2.25 ટકા પર પહોંચી ગયો છે જે છેલ્લા 14 વર્ષની સૌથી ટોચની સપાટી છે. તેનો અર્થ એ થયો કે 40 લાખ પરિવારોના મોર્ગેજ બિલોમાં નોંધપાત્ર વધારો થશે. વ્યાજદર 2.25 ટકા પર પહોંચતાં મોર્ગેજ બિલમાં માસિક 49 પાઉન્ડનો વધારો થશે. જેમણે વેરિએબલ રેટ પર મોર્ગેજ લીધું છે તેમના બિલમાં 31 પાઉન્ડ પ્રતિ માસનો વધાર થશે. ડિસેમ્બર 2021ની સાથે સરખામણી કરીએ તો અત્યારે મોર્ગેજ ગ્રાહકો 167 પાઉન્ડ અને ફ્લોટિંગ રેટના ગ્રાહકો 132 પાઉન્ડ પ્રતિ માસ વધુ ચૂકવી રહ્યાં છે.
ક્રેડિટ કાર્ડ ધારકોને પણ વ્યાજદરમાં વધારાની સાથે ફટકો પડી શકે છે. બેન્ક ઓવરડ્રાફ્ટના મામલામાં અતયારે 19.9 ટકા અને ક્રેડિટ કાર્ડ પર 18.57 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. આ વ્યાજદર વધારા બાદ બેન્કો ક્રેડિટ કાર્ડ અને બેન્ક ઓવરડ્રાફ્ટના વ્યાજદરોમાં પણ વધારો કરી શકે છે. જોકે બચતખાતાઓના ગ્રાહકોને તેમની બચતો પર વધુ વ્યાજ મળશે.
2022માં સરેરાશ માસિક મોર્ગેજ બિલમાં 349 પાઉન્ડનો વધારો
એસ્ટેટ એજન્સી સાવિલ્સના જણાવ્યા અનુસાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા 2022ના પ્રારંભથી કરાયેલા વ્યાજદરમાં વધારાના કારણે સરેરાશ માસિક મોર્ગેજ બિલ 349 પાઉન્ડના વધારા સાથે 1150 પાઉન્ડ પર પહોંચી ગયું છે. તાજેતરના વ્યાજદરના વધારાના કારણે 2,80,000 પાઉન્ડના મોર્ગેજ સાથે 3 લાખ પાઉન્ડનું ઘર ખરીદનારે પ્રતિ માસ 65 પાઉન્ડ મોર્ગેજમાં વધુ ચૂકવવા પડશે. તેનો અર્થ એ થયો કે તેણે વર્ષના 780 પાઉન્ડ વધારે ચૂકવવાના રહેશે.
વધતા વ્યાજદરની ભીતિએ 10 બેન્કોએ નવી હોમલોન આપવાનું સ્થગિત કર્યું
પાઉન્ડની કિંમતમાં થઇ રહેલા સતત ઘસારાના કારણે 10 બેન્કોએ હોમ લોન આપવાનું બંધ કરી દીધું છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ફરીવાર વ્યાજદરમાં વધારો કરે તેવા જોખમના કારણે બેન્કો મોર્ગેજ ડીલ્સ પાછી ખેંચી રહી છે. આગામી વસંતમાં વ્યાજદર 6 ટકાને પાર કરી જાય તેવી ભીતિને પગલે હેલિફેક્સ, વર્જિન મની અને સ્કીપટોન સહિત દેશભરમાં લેન્ડરોએ આ પગલું લીધું છે. વ્યાજદરમાં વધારાના કારણે પરિવારનું મોર્ગેજ બિલ 1100 પાઉન્ડ પ્રતિ માસ પહોંચી શકે છે.

ડોલર સામે પાઉન્ડ 1971 પછીની સૌથી નીચી સપાટી પર

ડોલરની સામે પાઉન્ડની કિંમત 1971 પછીની સૌથી નીચી સપાટી પર પહોંચી જતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ફરી એકવાર વ્યાજદરોમાં મોટો વધારો કરવાની ફરજ પડી શકે છે. 26 સપ્ટેમ્બરના સોમવારે પાઉન્ડની કિંમત 1.0327 ડોલર પહોંચી હતી. લિઝ ટ્રસ વડાંપ્રધાનપદે ચૂંટાયા પછી ડોલરની સામે પાઉન્ડની કિંમતમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે. પાઉન્ડ નબળો થતાં બ્રિટનના વેપાર ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી સર્જાઇ છે. આયાતોમાં વેપાર ઉદ્યોગોને મોટી કિંમત ચૂકવવી પડે છે. આઘાતજનક બાબત એ છે કે પાઉન્ડની કિંમત યુરો કરતાં પણ ઘટી ચૂકી છે જેના કારણે પ્રવાસીઓને પાઉન્ડની સામે ઓછાં યૂરો પ્રાપ્ત થતાં વધુ નાણા ખર્ચ કરવા પડી રહ્યાં છે. 108.84 પાઉન્ડ સામે 100 યૂરો પ્રાપ્ત થઇ રહયાં છે.
ટ્રસ સામે અવિશ્વાસ પ્રસ્તાવના પત્રોનું ઘોડાપૂર
મોટાપાયે ટેક્સમાં કાપ મૂકવા સહિતના આર્થિક પ્રસ્તાવોના વિરોધમાં ટોરી સાંસદો દ્વારા જ વડાંપ્રધાન લિઝ ટ્રસની સામે અવિશ્વાસ પ્રસ્તાવની ઢગલાબંધ દરખાસ્તો શરૂ થઇ ગઇ છે. ઘણા ટોરી સાંસદો દ્વારા 1922 કમિટીના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડીને અવિશ્વાસના પત્રો મોકલી અપાયાં છે જેના પગલે લિઝ ટ્રસને અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડી શકે છે.


comments powered by Disqus