કાશ્મીરમાં ‘આઝાદ’ પરિબળ રંગ લાવશે?

Wednesday 28th September 2022 06:22 EDT
 

કાશ્મીર રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયે કોંગ્રેસ છોડીને ચાલી નીકળેલા પૂર્વ નેતા અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે રાજ્યમાં નવા રાજકીય પક્ષ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP)ની જાહેરાત કરી પોતાનું બ્યૂગલ પણ વગાડી લીધું છે. જમ્મુ અને કાશ્મીરના ચૂંટણીજંગમાં આઝાદનું પરિબળ નવી રંગપૂરણી કરશે તે નિર્વિવાદ છે.
એ તો સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં બિનલોકશાહી સંસ્કૃતિથી અકળાયેલા ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટીમાં લોકશાહી સિદ્ધાંતોનું પાલન કરવામાં આવશે અને પાર્ટી ખરા અર્થમાં આઝાદ બની રહેશે તેની ખાતરી ઉચ્ચારી છે. પક્ષમાં તળિયાના સ્તરેથી ચૂંટણી કરાવાશે તેમ જણાવવા સાથે આઝાદે મહાત્મા ગાંધીના શાંતિના માર્ગે ચાલવાનું પણ જણાવ્યું છે. આનો અર્થ એમ કરી શકાય કે અબ્દુલ્લાઝની નેશનલ કોન્ફરન્સ અને મુફ્તી મહેબૂબાની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીથી વિપરીત કાશ્મીરના આતંકવાદી કે કટ્ટરતાવાદી તત્વો સાથે તેમનો છેડો જોડાશે નહિ.
આઝાદે સ્વીકારી લીધુ જણાય છે કે કાશ્મીરમાં આર્ટિકલ 370 પુનઃ લાગુ કરવામાં આવે તેવી કોઈ જ શક્યતા નથી. તેમનું કહેવું છે કે આર્ટિકલ 370 ની નાબૂદીના બિલને 86 ટકા વોટ મળ્યા હતા જ્યારે નવ પાર્ટીને માત્ર 14 વોટ જ મળ્યા. આ પરિસ્થિતિમાં 86 ટકાના મતનું મહત્ત્વ વધી જ જાય છે અને તેથી જ તેને ચૂંટણીનો મુદ્દો નહિ બનાવવાની સ્પષ્ટતા કરવા સાથે કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેનું અભિયાન ચલાવવા પણ જણાવ્યું છે.
આમ જોઈએ તો આઝાદ પાસે ચૂંટણીની તૈયારી કરવાનો ઘણો ઓછો સમય રહેશે પરંતુ, તેમણે કોંગ્રેસનો સામનો કરવાનો નહિ આવે કારણકે કોંગ્રેસની રાષ્ટ્રીય નૈયા જ હાલકડોલક થઈ રહી છે. ભાજપ સાથે મિત્રતાનો આઝાદે સ્પષ્ટ ઈનકાર પણ કર્યો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જા સાથે ચૂંટણી યોજવા ગંભીરતાથી વિચારી રહી હોવાનું મનાય છે.


comments powered by Disqus