લિઝ ટ્રસ સરકારના ચાન્સેલર ક્વાસી ક્વારટેન્ગના નાણાકીય નિવેદન અથવા તો કહેવાતા મિનિ બજેટે ભારે વમળો સર્જ્યા છે. નવી કામગીરીના માત્ર બે સપ્તાહમાં જ ચાન્સેલરે સદીના સૌથી મોટા ટેક્સ કાપની જાહેરાત કરી ઈતિહાસમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મહત્ત્વની બાબત એ છે કે ટેક્સીસમાં આ કાપ, નિયમોમાં ફેરફાર અને એનર્જીમાં ભારે સબસીડીનો ખર્ચ કરજ લઈને કાઢવાનો છે અને આશા સારા ભાવિ આર્થિક વિકાસની રાખવાની છે. આ નીતિ ‘હસવું અને લોટ ફાકવા’ જેવી છે. અર્થતંત્રને તણખો આપવામાં નાણાકીય શિસ્તને બાજુએ મૂકી દેવાઈ છે.
છેક 2008ની નાણાકીય કટોકટીથી મંદ ગતિની આર્થિક વૃદ્ધિ અને 40 વર્ષમાં સૌથી ઊંચા ફૂગાવા સાથે બ્રિટનના આર્થિક મોડલને ધરમૂળમાંથી બદલવાની આવશ્યકતા જણાય છે ત્યારે ‘ટ્રુસોનોમિક્સ’નો આ પહેલો ઘા રાજકીય અને આર્થિક જુગાર બનીને ના રહી જાય તેની ચિંતા નિષ્ણાતો અને સામાન્ય માનવીને પણ સતાવે છે.
એક વાત સાચી છે કે વિકાસયોજના બિઝનેસતરફી છે, નીચાં ટેક્સીસ, ઈન્વેસ્ટમેન્ટ્સમાં સુધારાયેલી રાહતો અને રેડ ટેપિઝમમાં ઘટાડાની ઓફર કરે છે. લિઝ સરકાર અને ચાન્સેલર ફાઈનાન્સિયલ સર્વિસીસમાં બ્રિટનની મજબૂતાઈ વધારવા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ઝડપી બનાવવા માગે છે તેની સાથે ટેક્સ સિસ્ટમના સરળીકરણનું મહત્ત્વ સ્વીકારે છે. ઊંચી વૃદ્ધિની ઈચ્છા રાખવી સારી બાબત છે પરંતુ, આવો વિકાસ સાધવા પબ્લિક ફાઈનાન્સીસમાં મોટું ગાબડું પાડવાની આર્થિક રણનીતિ ભારે જોખમી છે.
જીવનનિર્વાહ કટોકટીના ખર્ચનો ઉપાય શોધવા કેટલીક નાણાકીય રાહતો આવશ્યક છે પરંતુ, ચાન્સેલરની ખર્ચનીતિ લગભગ ઉડાઉપણાની નિકટ પહોંચી જાય છે. બ્રિટિશ ઈકોનોમી નાજૂક હાલતમાં છે. છેક 1960ના દાયકાથી આર્થિક પેદાશની ટકાવારી તરીકે દેવું કે કરજ સૌથી ઊંચા સ્તરે છે. નવા 45 બિલિયન પાઉન્ડના ટેક્સકાપની જાહેરાત ઉપરાંત, આસમાને પહોંચતા એનર્જી ખર્ચને પહોંચી વળવા ગ્રાહકો અને બિઝનેસીસને અપાયેલા રાહત પેકેજથી દેશનું દેવું પાછું વળી ન શકે તેવા માર્ગે પહોંચી જશે. 45 બિલિયન પાઉન્ડના ટેક્સ કાપની સાથોસાથ ફૂગાવાની આઘાતજનક હાલતમાં જ એનર્જી પ્રાઈસને મર્યાદામાં લાવવા અંદાજે 60 બિલિયન પાઉન્ડના જંગી ખર્ચાથી અર્થતંત્રને ભારે આંચકો પહોંચ્યો છે. ચાન્સેલરે 12 વર્ષના ટોરી શાસનની નીતિઓને હલબલાવી નાખી છે.
ટુંકા ગાળામાં ટેક્સમાં કાપથી માગમાં વધારાને ઉત્તેજન મળશે પરંતુ, અર્થતંત્રમાં પુરવઠાનું પલ્લું ભારે નથી.
અર્થતંત્રની પુરવઠા ક્ષમતાને ઊંચે લઈ જાય તેવાં પગલાં વધુ મહત્ત્વના છે. નવા ઈન્વેસ્ટમેન્ટ ઝોન્સથી મૂડી ખર્ચમાં વધારો થશે પરંતુ, તેનાથી વિકાસ તાત્કાલિક મળવાનો નથી.
કટોકટીમાં જૂનવાણી કે રૂઢિચૂસ્ત નાણાકીય સિદ્ધાંતોને જડતાથી વળગી રહેવામાં શાણપણ નથી તેની સાથે જ ફાંકેબાજ હિંમત દર્શાવવામાં પણ શાણપણ નથી. યુકેની આર્થિક સ્થિરતામાં વિશ્વનો વિશ્વાસ ટકી રહે તે પણ એટલું જ જરૂરી છે. મિનિ બજેટ આવ્યાના થોડાં કલાકોમાં જ સ્ટર્લિંગ પાઉન્ડ ગગડી ગયો હતો જેના પરિણામે, ઈન્ફ્લેશન વધે તેવી ભયજનક ચેતવણી પણ મળી છે. ક્વારટેન્ગના આ જુગારને ઈન્વેસ્ટર્સ તરફથી કેટલું મહત્ત્વ અપાય છે તે જોવું પડશે. ઈન્વેસ્ટરો પાસેથી જ મળનારા ભંડોળ થકી સરકારે બજેટનો વાર્ષિક 200 બિલિયન પાઉન્ડનો ખાડો સરભર કરવાનો આવશે.
બ્રિટન આર્થિક સમસ્યાની સાથોસાથ સામાજિક સમસ્યાનો પણ સામનો કરી રહ્યું છે. લેસ્ટર અને બર્મિંગહામમાં હિન્દુ અને મુસ્લિમ કોમ્યુનિટી વચ્ચે તણાવની પરિસ્થિતિ ઘણી જોખમી બની શકે છે. ભારત અને્ પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચથી દંગલનો તણખો ઉઠ્યાના દાવાઓ કરાઈ રહ્યા છે પરંતુ, વાસ્તવિકતા અલગ જણાય છે. આ કોમી વૈમનસ્ય માટે સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવાયું છે. એ હકીકત છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણું શક્તિશાળી હોવાં સાથે ફેક ન્યૂઝ કે રિપોર્ટ્સ પણ ચલાવે છે અને કટ્ટરવાદી તત્વો તેનો ફાયદો ઉઠાવે છે. લેસ્ટર અને બર્મિંગહામની ઘટનાઓ પણ આના તરફ ઈશારો કરે છે. સૌપહેલા ફેક ન્યૂઝ કોણે ચલાવ્યા તેના પર પોલીસે પગલાં લેવાં જોઈએ. હિન્દુઓ દ્વારા મુસ્લિમ છોકરીનું અપહરણ કરાયાના ન્યૂઝને ખુદ પોલીસે રદિયો તો આપી દીધો છે પરંતુ, જવાબદારોને નશ્યત કરવાના તાત્કાલિક પગલાં લેવાની જવાબદારી નિભાવાઈ નથી. બીજી તરફ, ઈસ્લામી કટ્ટરવાદીઓ દ્વારા બર્મિંગહામના હિન્દુ મંદિર પર હુમલો કરાયાના અહેવાલને સર્વ સૂત્રો તરફથી સમર્થન મળેલું છે. સામાજિક સમસ્યાથી બ્રિટનના સામાજિક પોતને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિ અને બંને કોમ વચ્ચે વિશ્વાસને યથાવત થતાં સમય લાગી જશે.
