શ્રાધ્ધ પક્ષમાં પિતૃઓના તર્પણ અર્થે નવનાત વડિલ મંડળે શુક્રવાર તા.૨૩ સપ્ટેમ્બર '૨૨ના રોજ યોજેલ "સ્મરણાંજલિ" કાર્યક્રમમાં ૩૭ સ્વર્ગસ્થ સ્વજનોની તસવીરોનું નિદર્શન કરાયું હતું. ટોકનરૂપે જેઓએ ૨૧ પાઉન્ડ આપ્યા તેઓના સ્વજનોની તસવીરો, દીપ અને પુષ્પાંજલિથી ટેબલ શણગારાયું હતું. તસવીરોની મધ્યે બ્રિટનના મહારાણીની તસવીર મૂકી હર હાઇનેસને પણ અંજલિ અર્પી હતી. જેઓએ તસવીરો મૂકવાનો લાભ લીધો તેઓને મંડળના લોગોવાળા ટી/કોફી મગ ભેટ રૂપે અપાયાં હતાં.
કમિટીની બહેનોએ પ્રાર્થનાથી શુભારંભ કર્યો અને આ પ્રસંગે સમાજના જે સભ્યોની વર્ષગાંઠ હતી તેઓને પણ શુભેચ્છા પાઠવવામાં આવી. મંડળના પ્રમુખ શ્રી નલિનભાઇ ઉદાણીએ આમંત્રિતોનું સ્વાગત કરતા આ કાર્યક્રમ કેવી રીતે શરૂ થયો એનો ઇતિહાસ રજુ કર્યો. તેમણે જણાવ્યું કે, “ આપણું જૂનું ભવન હતું એ વેળાએ વડિલ મંડળના સ્થાપક સ્વ.શ્રી બાબુલાલ રતનશી મહેતાએ ૨૦૧૩થી "સ્મરણાંજલિ"નો પ્રારંભ કર્યો. આપણા પૂર્વજોને યાદ કરી તેઓ સદાય આપણા હ્દયમાં જીવિત રહે એ આશયથી એની શરૂઆત કરી. એકલતા દૂર કરવા, મિત્રો સાથેનો મેળાપ, અને વીકમાં એક વખત બહેનોના હાથનું ગરમા ગરમ શાકાહારી સ્વાદિષ્ટ ભોજન આરોગી તૃપ્તિ મળે એ હેતુથી શરૂઆત થઇ જેને ખૂબ સારી સફળતા મળી. દર શુક્રવારે વડિલ મંડળના લગભગ ૨૫૦-૩૦૦ જેટલા સભ્યો મળી વિવિધ કાર્યક્રમો યોજી મન-તનને પ્રફુલ્લિત રાખે છે.”
શ્રી ભૂપેન્દ્રભાઇ શાહે આભાર વિધિ કરતા
"આજનું લંચ ભગિનીના પ્રમુખ સરોજબહેન વારિયા અને કમિટીની બહેનોએ તૈયાર કરી જમાડ્યા તેઓની સેવા માટે, સમુધુર ભજનોની રમઝટ માટે ભારતથી પધારેલ શ્રી રાજેન્દ્ર પાલાના નિર્મળા આર્ટસ ગૃપનો આભાર માન્યો.” બ્રેકમાં આઇસ ક્રીમ અને સમાપન "ઓ દુનિયાકે રખવાલે...”ગીતથી થયું.

