લંડન: છેલ્લા 40 વર્ષના સૌથી ઊંચા ફુગાવાના દરનો સામનો કરી રહેલી બ્રિટિશ પ્રજાને રાહત આપવા 23 સપ્ટેમ્બરના શુક્રવારે લિઝ ટ્રસની નવી સરકારના ચાન્સેલર ક્વાસી ક્વારતેંગે કરવેરામાં મોટા કાપ મૂકતું ઇમર્જન્સી બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક વિકાસમાં અવરોધરૂપ કરવેરામાં કાપ અમારી સરકારનો ટોચનો એજન્ડા છે.
પોતાના મિની બજેટમાં સૌથી મોટું આશ્ચર્ય સર્જતાં ક્વાસીએ અલ્ટ્રા રીચ લોકોને મોટી રાહત આપતાં આવકવેરાના 45 ટકા સ્લેબને ઘટાડીને 40 ટકા કરી નાખ્યો હતો. તે ઉપરાંત તેમણે એપ્રિલ 2023માં આવકવેરાના બેઝિક રેટને 20 ટકાથી ઘટાડીને 19 ટકા કરવાની જાહેરાત કરી હતી. ક્વાસીએ જણાવ્યું હતું કે, અગાઉની બોરિસ જ્હોન્સન સરકાર દ્વારા હેલ્થ અને સોશિયલ કેર માટે ભંડોળ ઊભુ કરવા દાખલ કરાયેલો નેશનલ ઇન્શ્યુરન્સ ટેક્સમાં વધારો રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.
પરિવારો પોતાનું ઘર ખરીદી શકે અને રિઅલ એસ્ટેટ સેક્ટરને વેગ મળે તે માટે ચાન્સેલરે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની પણજાહેરાત કરી હતી. નવા બજેટ પ્રમાણે હવે 2,50, 000 પાઉન્ડ સુધીની સંપત્તિની ખરીદી પર કોઇ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની નહીં રહે. અગાઉ 1,25,000 પાઉન્ડની સંપત્તિની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં માફી મળતી હતી. તે ઉપરાંત પહેલીવાર સંપત્તિની ખરીદનારને 4,25,000 પાઉન્ડ સુધીની સંપત્તિની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવી છે. અગાઉ 3 લાખ પાઉન્ડ સુધીની સંપત્તિ પહેલીવાર ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાતી હતી.
ક્વારતેંગે જાહેરાત કરી હતી કે ઓફિસ ઓફ ટેકસ સિમ્પ્લિફેકેશનને બંધ કરી દેવાશે અને કરવેરાના સરળીકરણનું કામ ટ્રેઝરીના અધિકારીઓને સોંપાશે. તે ઉપરાંત સેલ્ફ એમ્પ્લોયમેનટ રૂલ્સમાં કરાયેલા સુધારાને પણ રદ કરી દેવાયાં છે. ચાન્સેલરે બજેટમાં જણાવ્યું હતું કે બીયર, સિદેર અને વાઇનની ડ્યુટીમાં અગાઉ કરાયેલા વધારાને પણ રદ કરી દેવાયો છે. સરકાર વિદેશી પ્રવાસીઓ માટે વેટ ફ્રી શોપિંગની વ્યવસ્થા ફરી શરૂ કરશે.
સરકારે બેન્કર્સ બોનસ પર મૂકાયેલી મર્યાદાને પણ હટાવી લીધી છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, બ્રિટનનું અર્થતંત્ર મજબૂત ફાઇનાન્સિયલ સેક્ટર પર આધારિત છે.
ચાન્સેલરે કંપનીઓ માટે પણ કરવેરામાં રાહતની જાહેરાત કરી હતી જેમાં સ્ટ્રકચર અથવા ઇમારતો માટે કરરાહતોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, નવી રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા તો કોમર્શિયલ લેન્ડની ખરીદી પર કોઇ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે નહીં. તે ઉપરાંત કોર્પોરેશન ટેક્સ 19 ટકા પર જ યથાવત રહેશે અને વધારીને 25 ટકા કરાશે નહીં.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ચાન્સેલરે પ્લાનિંગ કાયદાઓમાં મોટાપાયે સુધારાની પણ જાહેરાત કરી હતી. પાર્ટટાઇમ નોકરી કરતા કર્મચારીઓ વધુ કલાકો કામ કરતા થાય તે માટે નવા કાયદા ઘડવાની જાહેરાત કરતાં ચાન્સેલરે જણાવ્યું હતું કે, લઘુત્તમ કલાકો કામ નહીં કરનારા પાર્ટટાઇમ કર્મચારીઓના યુનિવર્સલ ક્રેડિટ બેનિફિટ્સમાં સરકાર કાપ મૂકશે.
એનર્જી રેસ્ક્યુ સ્કીમના કારણે સરકાર પર 60 બિલિયન પાઉન્ડનો બોજો પડશે – ચાન્સેલર
ચાન્સેલરે જણાવ્યું હતું કે, પરિવારોને વધી રહેલા એનર્જી બિલમાં રાહત આપવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી એનર્જી રેસ્ક્યુ સ્કીમના કારણે ઓક્ટોબરથી આગામી છ મહિનામાં સરકાર પર 60 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. ક્વારતેંગે જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાના હુમલાના કારણે એનર્જી માર્કેટમાં સર્જાયેલી અંધાધૂંધીને પહોંચી વળવા સરકારે યોજના બનાવી છે. સરકાર વીજળીના બિલમાં વધારો થવા નહીં દે. સરકાર સરેરાશ પરિવારના એનર્જી બિલ ફ્રિઝ કરવા પ્રતિબદ્ધ છે. એનર્જી બિલમાં અપાનારી રાહત વેપાર ઉદ્યોગ માટે પણ હોલસેલ એનર્જી પ્રાઇસમાં ઘટાડો કરશે. તેના કારણે સમગ્ર દેશમાં વેપાર ધંધાને પ્રાઇસ ગેરેંટી મળી રહેશે. સરકાર એનર્જી કંપનીઓને 100 ટકા ગેરેંટી સ્કીમ સાથે મદદ જારી રાખશે.
ફુગાવામાં પાંચ ટકાનો ઘટાડો અને જીડીપી ગ્રોથમાં 2.5 ટકાની વૃદ્ધિ થશે – ક્વારતેંગ
ચાન્સેલરે મિની બજેટ રજૂ કરતાં દાવો કર્યો હતો કે કરવેરા અને એનર્જી બિલમાં રાહતના પગલે દેશમાં ફુગાવાના દરમાં પાંચ ટકાનો ઘટાડો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચની સપાટી પર છે. ચાન્સેલરે જણાવ્યુ હતું કે, કરવેરામાં રાહત અને ડિરેગ્યુલેશન જેવા પગલાં દ્વારા સરકાર જીડીપી ગ્રોથ રેટ 2.5 ટકા સુધી લઇ જવાનો પ્રયાસ કરશે.
