મહેશભાઇ પારેખની પ્રથમ પુણ્યતિથિએ શ્રધ્ધા સુમન : ડો. એસ.કે.ઉપાધ્યાયનું પ્રેરક પ્રવચન

- જ્યોત્સના શાહ Tuesday 27th September 2022 06:52 EDT
 
 

રવિવાર ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કેન્ટન રોડ પરના સિંધિ હોલમાં સ્વ.શ્રી મહેશભાઇ પારેખની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ સભામાં પ્રાર્થના, નિર્વાણ શતક તેમજ પ્રેરણાદાયી વક્તવ્યનું આયોજન એમનાં ધર્મ પત્ની દેવીબહેન અને પુત્ર અમીત પારેખે કરી ખૂબ જ સરસ રીતે શ્રધ્ધા સુમન અર્પણ કર્યાં હતાં. સમાજમાં વિવિધ રીતે વિશિષ્ઠ અનુદાન આપતાં સવાસો જેટલા અગ્રણીઓની ઉપસ્થિતિ આ પારેખ દંપતિની મહામૂલી મૂડી સમાન છે એમ કહેવું અતિશયોક્તિ નથી? .
સ્વ.મહેશભાઇના પુત્ર અમીતે પિતાને અંજલિ આપતાં જણાવ્યું કે, “માની મમતા તો ચોવીસે કલાક એના સંતોનો પર અંતિમ શ્વાસ સુધી વરસતી રહે છે પરંતુ પિતાનું વ્યક્તિત્વ મહદ્ અંશે રીઝર્વ્ડ હોય છે. તેઓ પોતાની લાગણી ભાગ્યે જ પ્રદર્શિત કરતા હોય છે. એ કાયમ પરદા પાછળ રહેતા હોય છે. એનો મતલબ એવો નથી કે, તેઓ પોતાના સંતાનોને પ્રેમ નથી કરતા!
"હું મારા પિતાને પ્રેમ કરૂં છું કે એમની ખોટ અમને સાલશે એવું કહીશ તો એ નિવેદન ન્યાયી નહિ કહેવાય! મારા પિતા ૧૯૬૩માં યુ.કે. આવ્યા અને અત્રે એમનું કૌટુંબિક જીવન પાંગર્યું. આશીર્વાદ સમા એમના જીવનમાં સદ્કર્મોનું ભાથું પણ બાંધ્યું.
મારા ડેડ હંમેશા સૌ કોઇ માટે સદાય હાજર! ચાહે એ કુટુંબીજન હો યા પાડોશી, સહકર્મચારી હોય કે મિત્રો...કોઇપણ જાતની અપેક્ષા વિના કેટલાય જણને ફાયનાન્સીયલ, ઇમોશ્નલ ટેકો..આપેલ છે. એ એક સરળ માનવી હતા. ધનિક બનવાનો, વૈભવી જીવનનો, બંગલા- ગાડીનો મોહ એમને ન હતો. એમને મન રહેવાને છાપરૂં, ખાવાને રોટલો અને પહેરવાને કપડાં મળે એ જ અગત્યનું હતું. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું, સત્કર્મ જ સાથે આવવાનું એમ મારા પિતા અને માતા માને છે. પોતે ધનવાન નથી પણ હ્દયના તેઓ ધની છે.
એમનું મમ સાથેનું ૫૭ વર્ષનું દીર્ધ દામ્પત્ય જીવન હોવાને કારણે મમ માટે પતિ વિના જીવન અઘરૂં છે. પરંતુ જીવનમાં આગળ વધવું જ રહ્યું. કમનસીબે મારો નાનો ભાઇ સંદિપ દૂર હોવાથી હાજર રહી શક્યો નથી પરંતુ મમ, હું આપની સાથે જ છું... આજે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી મારા પિતાને અંજલિ અને માતાને આશ્વાસન આપી સથવારો આપી રહ્યા છો એ માટે સૌના અમે ઋણી છીએ.”
અમીતના સંવેદના સભર વક્તવ્ય સાથે દેવી બહેને પણ પતિના ગુણોની સરાહના કરી.
દેવીબહેને ભજન સંધ્યાના સ્થાને શાસ્ત્રોના જ્ઞાતા એવા ડો. ઉપાધ્યાયના પ્રેરક પ્રવચનનું આયોજન કરી નવો ચીલો ચાતર્યો.
ડો. એસ.કે. ઉપાધ્યાય જાણીતા આંખના ડોકટર- કનસ્લટન્ટ અને ઓનરરી પ્રોફેસર છે. ૧૯૭૧ના કારગીલ યુધ્ધમાં લડાખમાં આર્મી મેડીકલ ઓફીસર તરીકે સેવા આપેલ. સંખ્યાબંધ સંસ્થાઓમાં કનસ્લટન્ટ તરીકે સેવા આપે છે. RNIB તેમજ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ એસોસિએસન્સ કેર એન્ડ શેર ઇન્ટરનેશનલ SAARC ફાઉન્ડેશન યુ.કે.ની કમિટીમાં છે. ઘણા બધી સંસ્થાઓના સન્માન અને એવોર્ડ વિજેતા બનવાનું બહુમાન એમને મળેલ છે. ડીસેમ્બર ૧૯૮૪માં ભોપાલમાં ભીષણ ગેસ દુર્ઘટના થઇ ત્યારે ત્યાંની સેવા સદન હોસ્પીટલમાં રાહત કાર્યમાં નોંધપાત્ર અનુદાન આપેલ ત્યારથી દર વર્ષે કેમ્પનું આયોજન કરે છે. છેલ્લા પચાસ વર્ષથી દુનિયાભરમાં યોજાતા ઇન્ટરનેશનલ મેડીકલ કેમ્પસમાં સેવા આપે છે.
મેડીકલ ક્ષેત્ર સહિત ભારતીય પૌરાણિક અને આદ્યાત્મિક તેમજ સાયન્સમાં સવિશેષ રસ ધરાવે છે. યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને સમૃધ્ધ વારસાની ઓળખ કરાવવા ઉત્તેજન આપે છે. કોઇપણ જાતના નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના “સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો” એ જ એમના જીવનનો આશય છે.
આવા ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવતા નમ્ર અને સરળ સ્વભાવના ડોકટરે એમના કેમ્પ દરમિયાનના કેટલાક ઉજળાં ઉદાહરણોની રજુઆત કરી ત્યારે સૌ સભાજનો આશ્ચર્ય ચકિત થઇ ગયા.
આ ગુણાનુવાદની સભામાં અનુપમ મિશનના પૂ. વિનુભાઇ નકારજાએ યુ.કે.-યુરોપના સર્વપ્રથમ સનાતન પરંપરાના બની રહેલ ઓમ ક્રિમેટોરિયમના નિર્માણનો ઇતિહાસ રજુ કરી સૌને એમાં જોડાવવા આહ્વાહન આપ્યું.
આ પ્રસંગે"ગુજરાત સમાચાર" અને “એશિયન વોઇસ”ના તંત્રીશ્રી સી.બી.પટેલે પણ દેવીબહેને યોજેલ અંજલિ સભાની અને ઉચ્ચ વિચાર સરણીની સરાહના કરી.


comments powered by Disqus