સરકાર વિદેશી કામદારો માટે ઇમિગ્રેશન નિયમો હળવા કરશે

Tuesday 27th September 2022 09:53 EDT
 

લંડન: અર્થતંત્રના વિકાસ માટે લિઝ ટ્રસ સરકાર ઇમિગ્રેશનના નિયમો વધુ હળવા બનાવવાની તૈયારી કરી રહી છે. વેપાર-ઉદ્યોગો વિદેશી કામદારોની સહેલાઇથી ભરતી કરી શકે તે માટે વડાંપ્રધાન ટ્રસ સરકારના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટને વધુ વિસ્તારે તેવી સંભાવના છે. ઉદ્યોગજગતની માગ છે કે વધુ વિદેશી કુશળ કામદારોને બ્રિટન આવવાની પરવાનગી અપાય. હાલ દેશના ઘણા સેક્ટરોમાં કામદારોની તીવ્ર અછત વર્તાઇ રહી છે. ટ્રસ સરકાર વિદેશી કામદારો માટેના નિયમો હળવા કરવાની યોજના બનાવી રહી છે તેવા અખબારી અહેવાલોને ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કોઇ પ્રકારનો રદિયો અપાયો નથી. ટોરી લીડરશિપ માટેના પ્રચાર દરમિયાન લિઝ ટ્રસે કૃષિ સેકટર માટે સીઝનલ વર્કર્સ સ્કીમ દાખલ કરીને કામદારોની અછત નિવારવાનું વચન આપ્યું હતું. સરકારના તાજેતરના એક રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે કામદારોની અછત ફૂડ અને ફાર્મિંગ સેક્ટરને વિપરિત અસર કરી રહી છે. 2019માં સરકાર દ્વારા સીઝનલ વર્કર્સ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો જે અંતર્ગત હોર્ટિકલ્ચર અને પોલ્ટ્રી સેક્ટરમાં 40,000 વિદેશી કામદારોને હંગામી ધોરણે કામ કરવાની પરવાનગી અપાઇ હતી એક અખબારી અહેવાલ પ્રમાણે વિદેશી કામદારોની સંખ્યા પરની મર્યાદા હટાવી લેવામાં આવશે ને 6 મહિનાની ટાઇમ લિમિટ પણ લંબાવી આપવામાં આવશે.
ઇમિગ્રેશન નિયમો હળવા કરવા મામલે લિઝ ટ્રસના પ્રધાનોનો જ બળવો
ઇમિગ્રેશન નિયમો હળવા કરવાના મામલે લિઝ ટ્રસના પ્રધાનો જ વિરોધ કરી રહ્યાં છે. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ મોગ સરકારની આ યોજનાથી નારાજ છે. ટ્રસ સરકાર અંગ્રેજી બોલવાની ક્ષમતાની જોગવાઇ હળવી કરવા માગે છે જ્યારે આ મંત્રીઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક સહિત આ બંને મંત્રી બ્રિટનમાં આવતા વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાની હિમાયત કરી રહ્યાં છે.


comments powered by Disqus