લંડનઃ લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્મા અને ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ ઈલિંગ સાઉથોલમાં રહેતા લોકોને લોન, પેન્શન અને ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડોના જોખમ વિશે સાવધાની રાખવા ચેતવણી આપી છે. પેન્શન કૌભાંડોના શિકાર બનેલા લોકો સરેરાશ 75,000 પાઉન્ડ ગુમાવે છે.
લોકોને પેન્શન અને ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડોના જોખમો અને સંભવિત કૌભાંડોને કેવી રીતે ઓળખી શકાય વિશે તેની ચેતવણી આપવા FCA દ્વારા ScamSmart નામે રાષ્ટ્રીય કેમ્પેઈન લોન્ચ કરવામાં આવેલ છે. ScamSmart કેમ્પેઈન લોકોને સૌથી સામાન્ય પેન્શન અને ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો વિશે માહિતી પૂરી પાડવા સાથે લોકો પોતાને કેવી રીતે બચાવી શકે તેની જાણકારી પણ આપે છે. ScamSmart પર નિઃશુલ્ક માર્ગદર્શન આપવા ઉપરાંત, FCA દ્વારા બિનસત્તાવાર કે ગેરકાયદે ફર્મ્સ વિશે ગ્રાહકો માટે ચેતવણીઓ પણ પ્રસિદ્ધ કરાય છે અને મદદરૂપ વોર્નિંગ ચૂલ પણ છે જે લોકોને કૌભાંડની શંકા જણાય તો ચકાસણીની સવલત પણ આપે છે.
સાંસદ વીરેન્દ્ર શર્માએ સંભવિત ફ્રોડથી પોતાના રક્ષણ માટે FCAની સલાહ લેવા જણાવ્યું છે. તેમણે ત્રણ બાબતોનું વિશેષ ધ્યાન રાખવા કહ્યું છે જેમાં • ઓનલાઈન, સોશિયલ મીડિયા અથવા ફોન દ્વારા કરાતી પાયાવિહોણી ઈન્વેસ્ટમેન્ટ ઓફર્સ નકારી કાઢવી, જો તમે કોન્ટેક્ટ શરૂ કર્યો હોય તો પણ સાવચેતી રાખવી • તમે કાયદેસર કે સત્તાવાર ફર્મની સાથે કામ પાર પાડી રહ્યા છે તે ચકાસવા હંમેશાં FCA રજિસ્ટરની અને જોખમ ટાળવા FCAની વોર્નિંગ લિસ્ટ ઓફ ફર્મ્સ તપાસ કરવી • ફર્મ્સ દ્વારા અપાયેલી સંપર્ક વિગતો નહિ પરંતુ, માત્ર FCA રજિસ્ટર પર મૂકાયેલા ટેલિફોન નંબર અને ઈમેઈલનો જ ઉપયોગ કરવો અને તરકટી તફાવતો પર નજર રાખવી તેમજ • ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા નિષ્પક્ષ સલાહ મેળવવાનો સમાવેશ થાય છે.
વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે કૌભાંડોથી જિંદગીઓનો નાશ પામે છે, લોકોના આત્મવિશ્વાસ રુંધાય છે અને તેમની મહામૂલી બચતો ગુમાવાય છે. ફૂગાવો મુશ્કેલી સર્જી રહ્યો છે ત્યારે ભારે વળતર મેળવવાની લાલચ હંમેશાં રહે છે. તમારા અને તમારા પરિવારને સલામતી આપવામાં મદદ કરી શકે તેવા ઈન્વેસ્ટમેન્ટ્સને ધ્યાનમાં લેવા જોઈએ જેના માટે ઉપરોક્ત પગલાં લેવાનું મહત્ત્વપૂર્ણ છે.

