ગુજરાતનો મોદી પરનો ભરોસો અકબંધ, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો ઘડો લાડવો કરી નાખ્યો ?

Wednesday 07th December 2022 05:06 EST
 

ગુજરાતમાં બીજા ચરણના મતદાનની સમાપ્તિની સાથે જ વિવિધ એક્ઝિટ પોલના પરિણામ જાહેર થવા લાગ્યા હતા. 27 વર્ષથી ગુજરાત પર શાસન ચલાવી રહેલા ભાજપને ફરી એકવાર પ્રચંડ બહુમતીની સંભાવના વિવિધ એજન્સીના એક્ઝિટ પોલમાં વ્યક્ત કરાઇ છે. આ અંક વાચકોના હાથમાં આવશે ત્યાં સુધીમાં તો વાસ્તવિક પરિણામો પણ જાહેર થઇ ગયાં હશે. ગુજરાતમાં મોટાભાગે એક્ઝિટ પોલના અનુમાનની નજીક જ વાસ્તવિક પરિણામ આવતાં રહ્યાં છે. તેથી આ વખતે પણ ગુજરાતમાં ફીર એકબાર ભાજપ સરકાર નિશ્ચિત બની છે. ફરી એકવાર પૂરવાર થઇ રહ્યું છે કે ગુજરાતનો મતદાર ફક્ત નરેન્દ્ર મોદીના નામ પર મતદાન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર કોણ છે તે જોયા વિના નરેન્દ્ર મોદીના નામે મત આપવાની અપીલ કરી હતી. . લાગે છે કે ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપમાં અને વિશેષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભરોસો મૂકવાનું નક્કી કર્યું છે. તમામ એક્ઝિટ પોલની સરેરાશ કાઢીએ તો ભાજપને આ વખતે 2012 અને 2017 કરતાં પણ વધુ 132 બેઠક મળે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો ત્યારબાદ પહેલીવાર ગુજરાતમાં કોઇ પાર્ટી આટલી મોટી સંખ્યામાં બેઠક જીતવા જઇ રહી છે. આ વખતના એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવશે તો ગુજરાતમાં રહ્યો સહ્યો વિપક્ષ પણ નેસ્તનાબૂદ થઇ જશે. લોકશાહીમાં મજબૂત વિપક્ષ અત્યંત જરૂરી છે જેથી સત્તાધારી પાર્ટી ફાટીને ધુમાડે ન જાય પરંતુ ગુજરાતની જનતાને મજબૂત વિપક્ષની જરૂર લાગતી નથી એમ લાગી રહ્યું છે કે ગુજરાતના મતદારો કોંગ્રેસને સદંતર જાકારો આપી રહ્યાં છે. અત્યાર સુધીની ચૂંટણીમાં રાજ્યમાં મુખ્ય જંગ ફક્ત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાતો હતો અને તેના કારણે ભાજપ વિરોધી મતોનો લાભ કોંગ્રેસને મળતા તે થોડી સન્માનજનક સ્થિતિમાં રહેતી હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ભાજપ વિરોધી મતદારોને મોટો વિકલ્પ પૂરો પાડ્યો અને મતોની લડાઇમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ નુકસાન કોંગ્રેસને પહોંચાડ્યું હોય તેમ એક્ઝિટ પોલ પરથી લાગી રહ્યું છે. કોંગ્રેસને 2017માં 77 બેઠક મળી હતી પરંતુ 2022માં તે ઘટીને 38 પર આવી જાય તેવું અનુમાન છે. આમ આદમી પાર્ટીને ફક્ત 8 બેઠક જ પ્રાપ્ત થાય તેવી સંભાવના છે. એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 46 ટકા મત પ્રાપ્ત થયા છે જ્યારે કોંગ્રેસને 26 ટકા અને આમ આદમી પાર્ટીને 20 ટકા મત પ્રાપ્ત થયાંનું અનુમાન છે. જો વાસ્તવિક પરિણામ પણ આ અનુમાન અનુસાર આવશે તો તેનો અર્થ એ થાય કે ભાજપની મતબેંક અકબંધ રહી છે. 27 વર્ષના શાસનની એન્ટીઇન્કમ્બન્સી હોવા છતાં ભાજપ સમર્થક મતદારો ટસના મસ થયાં નથી જ્યારે ભાજપ વિરોધી 20 ટકા મતદારોએ આમ આદમી પાર્ટી પર કોંગ્રેસના વિકલ્પ તરીકે મહોર મારી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની મતબેંકમાં મોટુ ગાબડું પાડ્યું છે. ફરી એકવાર કોંગ્રેસની નેતાગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની ચાણક્ય નીતિ સામે વામણી પૂરવાર થઇ રહી હોવાનું દેખાઇ રહ્યું છે.


comments powered by Disqus