જૂનાગઢ: ગૌક્રાંતિ અને જળક્રાંતિની ભૂમિ એટલે જૂનાગઢની ભાગોળે વસેલું જામકા. જૂનાગઢ જિલ્લાનું આ નાનકડું ગામડું પ્રાકૃતિક ખેતીમાં પણ ખૂબ જ આગળ વધ્યું છે. વર્ષ 2002માં પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કરનારા પરસોતમ સીદપરા આમ તો ઓછું ભણેલા ખેડૂત છે પણ હવે વિશ્વની નામાંકિત હસ્તીઓ તેમની ક્રાંતિકારી ખેતીને બિરદાવી રહ્યા છે. બીજી બાજુ દુબઈ સરકાર 6 લાખ સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રીનહાઉસ પ્રોજેક્ટ બનાવી રહી છે. આ દરમિયાન ગ્રીન દુબઈનો પ્રોજેક્ટ પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. રણમાં જંગલ ઊભું કરવાની દુબઈ સરકારની તાલાવેલીમાં પરસોતમભાઈ સીદપરા જોડાયા અને પ્રથમ વખત તેમને સલાહકાર તરીકે બોલવામાં આવ્યા હતા. આ પછી દુબઈ સરકારે તેમને ભાગીદાર બનાવવા સાથે અલગ-અલગ ઓફર કરી, પરંતુ હજુ તેમણે નિર્ણય કર્યો નથી.
પરસોતમભાઈ સીદપરાએ જણાવ્યું હતું કે, દુબઈમાં 6 લાખ સ્ક્વેર ફૂટ ગ્રીનહાઉસ પ્રોજેક્ટ માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત સલાહકાર તરીકે જવાની વાત તેમણે સ્વીકારી લીધી અને આ પ્રોજેક્ટના તમામ ઉચ્ચ અધિકારીઓને પોતાની ખેતીની કલાથી આશ્ચર્યમાં મૂકી દીધા. જો કે આ બધું કરતા પહેલાં તેમને જામકામાં પથરાળ જમીન, રેતી હોઈ કે ખારોપાટ એ ત્રણેય ભૂમિ પર ખેતી કેવી રીતે થઈ શકે તેનું રિસર્ચ કર્યું હતું, જે હાલ પણ પથરાળ જમીન અને ખારાપાટ પર ખેતી અંગેનું સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ રણમાં ખેતી કરી બતાવવાનું વચન આપ્યું છે.
દુબઈ સરકાર ગ્રીન દુબઈ માટે સીદપરા સાથે લાંબા સમયથી ચર્ચા કરી રહી છે. જામકાના આ ખેડૂતે દુબઈ સરકારને કહ્યું છે કે, ભારતનો ગૌવંશ અને મીઠું પાણી દુબઈમાં આપો એટલે રણમાં ખેતી કરી બતાવીશ.
શું છે ગ્રીન દુબઈ...?
• ભારતનો ગૌવંશ અને મીઠું પાણી આપો તો ગમે ત્યાં ખેતી કરી બતાવુંઃ ખેડૂત
• દુબઈ એટલે રણપ્રદેશ. અહીંની સરકારે થોડા સમય પહેલાં ગ્રીન દુબઈ પ્રોજેક્ટ અંગે વિચારણા શરૂ કરી અને પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો.
• 2026માં ગ્રીન દુબઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ધાર સરકારે કર્યો છે, જેમાં સિમેન્ટ કોંક્રિટના જંગલમાં ગ્રીનરી ઊભી કરવાનો પ્રોજેક્ટ છે.
• અહીં ખેતી પણ શરૂ કરવામાં આવી રહી છે.
• ખેડૂતોના રૂઢિગત અનુભવને ઉપયોગમાં લેવાનું દુબઈ સરકારે વિચાર્યું, જેમાં પરસોતમભાઈ સીદપરાને સલાહકાર તરીકે બોલાવાયા હતા. તેઓએ ભારતના શાકભાજી રણમાં કેમ ઊગે તે વિશે સમજણ આપી હતી.

