ભારતીય ઉપખંડમાં સત્તાના સંતુલન માટે ભારતના અફઘાનિસ્તાન સાથેના સંબંધો વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણા મહત્વના છે. 2021માં અમેરિકાના નેતૃત્વ હેઠળની નાટો સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યુ અને ત્યાં કટ્ટરવાદી તાલિબાનોનું શાસન લદાયા બાદ ભારતે અફઘાનિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો સ્થગિત કરી દીધાં હતાં. ભારતીય ઉપખંડમાં ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષા સામે પાકિસ્તાન અને ચીન તરફથી અવારનવાર પડકારો સર્જાતાં રહે છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથેના વ્યૂહાત્મક સંબંધો ભારત માટે અત્યંત મહત્વના બની રહે છે ભલે પછી ત્યાં કટ્ટરવાદી એવા તાલિબાનનું શાસન કેમ ન હોય. તાલિબાન સત્તા પર આવ્યા તે પહેલાં ત્યાંની ઇસ્લામિક લોકતાંત્રિક સરકારને ભારત દ્વારા સંખ્યાબંધ વિકાસ યોજનાઓમાં સહાય અપાતી હતી પરંતુ તાલિબાન સત્તા પર આવ્યા બાદ આ તમામ વિકાસ યોજનાઓ સ્થગિત કરી દેવાઇ હતી. તાલિબાન સત્તા પર આવ્યા તે પહેલાં ભારતે 3 બિલિયન ડોલરનું રોકાણ કરી સંસદ ભવન, સડકો, બંધો, હોસ્પિટલો અને શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. હવે એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે કે પાકિસ્તાન સાથે વણસી રહેલા સંબંધોને કારણે તાલિબાને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. તાલિબાને જણાવ્યું છે કે ભારત અફઘાનિસ્તાનમાં સ્થગિત થઇ ગયેલી 20 વિકાસ યોજનાઓ ફરી શરૂ કરી શકે છે. અફઘાનિસ્તાનના શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે કાબુલમાં ઇન્ડિયન ચાર્જ દ અફેર્સ ભરત કુમારે અફઘાનિસ્તાન સાથેના સંબંધો સુધારવા અને વિકાસ યોજનાઓનું કામ ફરી શરૂ કરવામાં ભારતને રસ હોવાના સંકેતો આપ્યા છે. તે ઉપરાંત અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય અને ભારત સરકાર વચ્ચે નવા એક કોરિડોર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયા છે. જેના કારણે બંને દેશો વચ્ચે હવાઇમાર્ગે વેપાર શક્ય બનશે. અફઘાનિસ્તાન દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. અફઘાનિસ્તાન સાથેના સારા સંબંધો ભારત માટે મધ્ય એશિયાથી યુરોપ સુધીના દેશો સાથેના વેપારમાર્ગને સરળ બનાવી શકે છે. તે ઉપરાંત ભારતની આંતરિક સુરક્ષા માટે પણ અફઘાનિસ્તાન સાથેના સંબંધો અત્યંત મહત્વના છે. અફઘાનિસ્તાનની ધરતી પરથી ભારતમાં સંભવિત આતંકવાદી હુમલાઓનું જોખમ ઘટાડી શકાય તેમ છે. પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આતંકીઓને તાલીમ આપવા અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરતો રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેના સારા સંબંધો પાકિસ્તાનની આ નાપાક પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં મદદરૂપ બની શકે છે. બીજીતરફ ભારતના સૌથી મોટા દુશ્મન તરીકે ઉભરી રહેલા ચીનની પેઠ ઘટાડવા માટે પણ તાલિબાન સરકાર સાથે સારા સંબંધ આવશ્યક છે. ચીનનો ડોળો અફઘાનિસ્તાનની ધરતી નીચે દટાયેલા અબજો ડોલરના ખનીજ ભંડારો પર છે. અફઘાનિસ્તાનમાં તાંબા, લોખંડ, માર્બલ, ટાલ્ક, કોલસા, લિથિયમ, ક્રોમાઇટ, કોબાલ્ટ, સોના, જેમ સ્ટોન જેવા ખનીજોના મોટા ભંડાર છે. ચીન આ ખનીજો પર કબજો જમાવવા ઉપરાંત મધ્ય એશિયા સુધીનો વેપાર માર્ગ તૈયાર કરવાની પણ નેમ ધરાવે છે. આમ ચીનને આ વ્યૂહાત્મક પ્રદેશમાં પ્રભાવશાળી બનતો અટકાવવા માટે ભારતના અફઘાનિસ્તાન સાથેના મજબૂત વ્યૂહાત્મક સંબંધો અત્યંત આવશ્યક છે.
