હારિજ: હારિજ તાલુકાના કુકરાણા ગામના એક ક્ષત્રિય રાજપૂત યુવાનની વાગ્દત્તા ઝાડ પરથી પડી જતાં બંને પગ નિષ્ક્રિય થઈ ગયા હતા. 3 વર્ષની સગાઈ બાદ વિકલાંગ બનેલી યુવતીનાં માતા-પિતા સાથે યુવકના પરિવારજનોએ વાતચીત કરી સગાઈ તોડવાનું નક્કી કરી દીધું હતું. ત્યારે ક્ષત્રિય ધર્મ નિભાવવા યુવાને વિકલાંગ યુવતીને પરિવારોની મનાઈ છતાં જીવનસંગિની બનાવવા કોર્ટ મેરેજ કર્યાં હતાં. યુવકે યુવતીને પોતાના બંને હાથમાં લઈ અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરી લગ્ન કરી લીધાં હતાં, જે બાદ અમને પરિવારે પણ અપનાવી લીધાં છે.
હારિજના કુકરાણા ગામના વાઘેલા મહાવીરસિહ કનકસિંહની સગાઈ રીનલબા ઝાલા સાથે ત્રણ વર્ષ અગાઉ થઈ હતી. જો કે સગાઈના એક વર્ષ પછી રીનલ ખેતરમાં એક વૃક્ષ પરથી નીચે પટકાતાં ગંભીર ઇજા થઈ હતી, જેમાં રિનલના બંને પગ નિષ્ક્રિય બની જતાં વિકલાંગ બની હતી. સતત બે વર્ષ સુધી પથારીવશ રીનલ હવે ચાલી નહીં શકે તેમ લાગતાં બંને પરિવારના વડીલોએ મળી સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણયથી યુવતી ભાંગી પડી હતી. જો કે મહાવીરસિંહે યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. બંને પરિવારોની ના હોવા છતાં કોર્ટ મેરેજ કર્યાં હતાં. રીનલને બંને હાથમાં ઊંચકી મહાવીરસિંહે અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્ન કરી સમાજમાં એક પ્રેરણારૂપ સંદેશ આપ્યો હતો.
અકસ્માતે રીનલને ઇજા થઈ તેમાં તેનો શું વાંક..?
સગાઈ કર્યા બાદ અમો બંનેએ જિંદગી સાથે જીવવાના એકબીજાને કોલ આપ્યા હતા. એકાએક કુદરતી અકસ્માતમાં યુવતીના બંને પગ નિષ્ક્રિય થઈ ગયા એમાં તેનો વાંક શું ? અકસ્માત તો ગમે ત્યારે સર્જાય, લગ્ન બાદ બન્યું હોત તો શું હું તેને છોડી દેત? પરિવારે પણ અમારાં લગ્નને સહર્ષ સ્વીકાર્યાં છે. - વાઘેલા મહાવીરસિંહ કનકસિંહ

