કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાએ હવે સ્ટાફની અછતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પોતાનું ધ્યાન લાંબા ગાળાના માઇગ્રન્ટ્સ પર કેન્દ્રિત કરતા વર્તમાન નાણા વર્ષમાં પરમેનન્ટ ઇમિગ્રેશન વિઝાની સંખ્યા 35 હજારથી વધારીને 1,95,000 કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પોતાની સરહદોને લગભગ બે વર્ષ સુધી બંધ કરી દીધી હતી પરંતું તે આકરા નિયમો અને કામદારોના પલાયન તેમજ વિદેશી વિદ્યાર્થીઓની વિદાયથી દેશમાં બિઝનેસ પ્રભાવિત થયા હતા અને સ્ટાફની અછતને કારણે બિઝનેસનું સંચાલન પ્રભાવિત થવા લાગ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ગૃહપ્રધાન ક્લેર ઓનિલે જણાવ્યું હતું કે કોવિડ અમને અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવાની તક આપી રહ્યું છે અને હવે અમે પાછળ ફરી નહીં જોઇએ. હું એક પ્રયાસ કરવા માગું છું. અંદાજોને આધારે આ વર્ષે દેશમાં હજારો વધુ નર્સો, હજારો એન્જિનિયર્સ આવશે. ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર હાલ 50 વર્ષના સૌથી નીચલા સ્તરે 3.4 ટકાના સ્તરે છે પરંતું સતત વધી રહેલી મોંઘવારીને કારણે વાસ્તવિક પગારમાં ઘટાડો થવાની સંભાવના છે.

