પહેલે મૂઠ્ઠીમેં પૈસે લેકર, થૈલા ભર શક્કર લાતે થે, અબ થૈલેમેં પૈસે જાતે હૈ ઔર મૂઠ્ઠીમેં શક્કર આતી હૈ…હાય મહેંગાઇ..!

- કોકિલા પટેલ Wednesday 07th September 2022 07:21 EDT
 

સવારે ઊઠીને ચ્હા પીતા પહેલાં આપને ટી.વી.નું રિમોન્ટ હાથમાં લઇ દેશદેશાવરના ન્યુઝ જોવા ઉત્સુક બનીએ છીએ પણ સવારના પહોરમાં ન્યુઝ ચેનલવાળા એનર્જી બીલ અને વધતા ઇલ્ફલેશનની મોંકાણ લઇને બેસે છે, એના બદલે જો ઇન્ડિયન ન્યુઝ ચેનલ જોઇએ તો.... તો એકબીજા સામે બાખડા બાંધનારા જાણે ટીવી. સ્ક્રીન તોડી બહાર નીકળીને જાણે મૂક્કાબાજી ઉપર ઉતરી આવશે એવી ધબધબાટી મચાવતા જોઇ સવારે "મગજની નશો" ખેંચાય એ આપણને પરવડે નહિ.
છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટનના વડાપ્રધાનની રેસમાં આપણા ચાણક્ય જેવા બુધ્ધિચતુર રિશીભાઇ સાથે લીઝબેન પણ "જોર લગાવો હૈસા કરીને મચી પડ્યાં" હતાં પણ સોમવારે બપોરે ૧૨.૩૦ના ટકોરે ન્યુઝ ચેનલ પર લીઝ ટ્રસ ૨૦,૯૨૭ મતોની સરસાઇ સાથે રિશીભાઇ સુનાક સામે વિજયી બન્યાં તો ખરાંં પણ લીઝ ટ્રસને અનેક પડકારો સામે ઝઝૂમવાનું છે..! અત્યારે બ્રિટનને માથે એનર્જી બીલ અને વધતા જતા ફૂગાવાનું ભૂત ધૂણી રહ્યું છે. એવા વખતે રોયલમેલ, લંડન ટ્રાન્સપોર્ટ, બ્રિટીશ રેલ કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે, તાજેતરમાં બ્રિટીશ બેરિસ્ટરોએ પણ પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે.
વેધરનો વર્તારો જણાવે છે કે બ્રિટનમાં ઓકટોબર મહિનાથી ઠંડી શરૂ થશે એટલે આપણે હીટરો ચાલુ કરવાં પડશે...! એમાં સમાચાર માધ્યમોમાં હોબાળો મચ્યો છે કે ૧લી ઓકટોબર ૨૦૨૨થી એનર્જીની કિંમતો વધી જશે અને અંદાજે ઘરદીઠ વર્ષે ૧,૯૭૧ આવતા એના બદલે હવે £૩,૫૪૯ જેટલું બીલ આવશે..! એનર્જી કંપની E onજણાવે છે કે આઠે એક ઘર એનર્જી બીલ ચૂકવવા માટે સ્ટ્રગલ કરશે. NHS કન્ફડેરશન કહે છે કે, ઘણા લોકોએ એક વખતનું ભોજન લેવાનું ટાળ્યું છે..... ચારે એક પ્રાૈઢ આ વીન્ટરમાં એમના ઘરનું હીટીંગ ચાલુ નહીં કરે...! એવાં જોરશોરથી નિવેદનો થતાં જોઇ સ્વાભાવિક છે કે નિવૃત્ત વડીલો અને ઓછી આવક ધરાવનારા ચિંતિત બને..જો કે વીન્ટર માટે એનર્જી બીલમાં ઘરદીઠ £૪૦૦નું ડિસ્કાઉન્ટ મળશે એવી સરકારી બાંહેધરીથી સૌને થોડી રાહત થઇ છે.
આવી કટોકટી વેળાએ રશિયાથી પાઇપ લાઇન દ્વારા યુરોપ-બ્રિટનમાં સપ્લાય થતા ગેસની પાઇપને બંધ કરી દેવાઇ છે...! રશિયા અને યુક્રેનના યુધ્ધમાં યુરોપ અને બ્રિટન યુક્રેનની મદદે ચડ્યા એમાં ધૂંધવાઇ ઉઠેલા રશિયન પ્રમુખ પુતિનભાઇ જાણે કે લાગ જોઇને જ બેઠા હોય એમ યુરોપ અને બ્રિટનમાં ઠંડી શરૂ થવાનાં એંધાણ વર્તાય રહ્યાં છે ત્યારે જ પુતિનની અડવીતરી સરકારે યુરોપ આવતી "ગેસ પાઇપમાં લીકેઝ"નું બહાનું બતાવી ગેસ સપ્લાય બંધ કર્યો છે.
ગયા શુક્રવારે સવારે અમે ફેમીલી ડોકટર (જી.પી) સર્જરીમાં ગયાં ત્યાં ડોકટર બોલાવ્યાની રાહ જોઇ અમે વેઇટીંગ રૂમમાં જઇને બેઠાં, ત્યાં અમારી જેમ ડોકટરની પ્રતિક્ષા કરતા ત્રણ-ચાર આપણા વડીલો વચ્ચે આ એનર્જી બીલ અને મોંઘવારીની ચર્ચા ચાલતી હતી. અમારે મોંઢે માસ્ક હતો એટલે વડીલોને અમારી ઓળખ ના થઇ પણ અમે એ ત્રણેય વડીલોને અમારા વિસ્તારના જ હોવાથી ઓળખ્યા...એમના વચ્ચે "હોટ" ચર્ચા ચાલતી હતી કે, "કાન્તિભાઇ... જુઓ તો ખરા કેવો સમય આવ્યો છે....! આ ગેસ અને ઇલેકટ્રીકનાં બીલ કયાં જઇને અટકશે?! આ વખતનો વીન્ટર તો કહે છે ભારે છે...! અમે તો જો કે ઇન્ડિયા જતા રહીશું પણ આપણાં છોકરાં કેમનું ચલાવશે...! ત્યાં સુરેશભાઇએ સધિયારો આપતાં કહ્યું," એમ થોડું ગભરાવાય...! આપણે પેન્શનર્સ છીએ... £૪૦૦ની સરકારી મદદ તો મળવાની છે...! ઇન્ડિયામાંય ક્યાં બધું સસ્તુ છે, ત્યાંય ફુગાવો તો નડવાનો છે ને?! એમની વાતો સાંભળી રહેલા રમાકાન્તભાઇએ વચ્ચે ટાપશી પૂરાવતાં કહ્યું, "ભઇ...આમારા ઘેરથી તો અત્યારથી ઉપાડો લીધો છે કે દિવાળી પતે એટલે ઉપડીએ ઇન્ડિયા...! અહીં ઠંડીમાં ઠૂંઠવાવું એના કરતાં ગામડે જઇ ફળિયામાં સૌ સાથે તાપણાં કરીને બેસવું સારું...! ત્યાં તો ધીમા સ્વરે "હરિ મારું ગાડુ કયાં લઇ જાય કયાંય ના જાણું.."ની પંક્તિઓ દ્વારા મનોવ્યથા રજૂ કરતાં કાન્તિભાઇનાં ધર્મપત્ની સંતોકબહેન બોલી ઉઠ્યાં, 'અરે... ઇન્ડિયામાંય કંઇ સસ્તુ નથી... તેલ, શાકભાજી, ચોખા, ઘઉં, બધું બહુ મોંઘુ થઇ થયું છે...બાપ...! આપણાથી ત્યાં ના જીવાય...! આપણે અહીં રાણીના રાજમાં સુખી છીએ.. આપણને અહીં પેન્શન તો મળે છે.
 રોજે રોજ ટી.વી સમાચારો જોનાર કેટલીક આપણી "સચેત" ગૃહલક્ષ્મીઓ પણ અડધે રોટલે દાળ લઇને દોડવા જેવું કરતી થઇ છે... અમારા એક મિત્રવર્તુળમાં વેમ્બલીમાં રહેતાં ચંપાબેન એટલે રોજના બજારભાવની જીવંત A to Z. આજે કયા સુપરસ્ટોરમાં શું શું ઓફરમાં મૂકાયું છે એની ચંપાબેનને ખબર..! શાકભાજી કયાં ૧પાઉન્ડનું પેકેટ મળે એ લેવા ત્રણ બસો કરીને પણ એ દુકાને પહોંચે..! રશિયા યુક્રેનની વોર ચાલુ થઇ ત્યાં કયાંકથી ઉડતો ઉડતો વાયકો આવ્યો.... અમારાં ચંપાબેનને ઘેર...! એમને ખબર મળી કે યુક્રેન યુધ્ધને લીધે હવે તેલ મળવાનું બંધ થશે.... કારણ ? એ પણ ચંપાબેન જાણે..! યુક્રેનમાં સનફલાવર અને વેજીટેબલ અને ઓલિવનું તેલનું ઉત્પાદન થાય છે પણ યુધ્ધને લીધે બધું ય બંધ થઇ ગયું...! લ્યો કરો વાત...!!! એ બહાને ચંપાબહેને તો એમના ઘરે બે-ત્રણ વર્ષ ચાલે એટલું જથ્થાબંધ તેલનો સંગ્રહ કરી લીધો છે.
અત્યારનો માહોલ જોતાં પેલું "રોટી, કપડાં, મકાન" ફિલ્મનું ગીત યાદ આવ્યું "પહેલે મૂઠ્ઠીમેં પૈસે લેકર, થૈલા ભર શક્કર (સાકર) લાતે થે, અબ થૈલેમેં પૈસે જાતે હૈ, મૂઠ્ઠીમેં શક્કર આતી હૈ" હાય મહંગાઇ, હાય મહેંગાઇ, તુ કહાંસે આઇ....”


comments powered by Disqus