ઈસ્લામાબાદઃઃ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારોનું પ્રમાણ વધવા લાગ્યું છે અને હવે અત્યંત ક્રુર અત્યાચારની ઘટનાઓ સામે આવવા લાગી છે. પાક.ના સિંધ પ્રાંતમાં એક આઠ વર્ષની હિન્દુ બાળકી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો, એટલુ જ નહીં આ બાળકીની આંખોમાં ચાકુ ઘોંપવામાં આવ્યું હતું. હાલ આ બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પરિવારને આ બાળકી એક અજાણ્યા સ્થળે અત્યંત ગંભીર હાલતમાં મળી આવી હતી, તેની બન્ને આંખોને ચાકુ વડે ફોડી નાખવામાં આવી હતી. બાદમાં તેને તાત્કાલીક ઉમરકોટ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવુ છે કે બાળકીની સ્થિતિ અત્યંત ગંભીર છે અને બચવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. ડોક્ટરોની તપાસમાં સામે આવ્યું છે કે તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.
સિંધ પ્રાંતમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગત સપ્તાહે જ એક હિન્દુ સફાઇકર્મચારીની ઇશનિંદાના શંકાસ્પદ આરોપોમાં ધરપકડ કરાઇ હતી, જ્યારે કટ્ટરવાદીઓએ આ કર્મચારી જે વિસ્તારમાં રહે છે તેને ઘેરી લીધો હતો. સાથે જ આ હિન્દુ યુવક પર હુમલો પણ કર્યો હતો. થોડા મહિના પહેલા એક 18 વર્ષીય હિન્દુ યુવતીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે સિંધ પ્રાંતમાં જ એક હિન્દુ યુવકનો મૃતદેહ પેટના ભાગેથી કપાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે દેશના ભાગલા પડયા ત્યારે સિંધ પ્રાંતમાં હિન્દુઓની સંખ્યા 13 ટકા હતી, જોકે અત્યાચારોને કારણે હિન્દુઓમાં પલાયણ વધ્યું હતું અને હાલ આ વિસ્તારમાં માત્ર 1.5 ટકા જ હિન્દુ બચ્યા છે. તેમના ઉપર પણ કટ્ટરવાદીઓ દ્વારા અત્યાચારો જારી છે.
