પોર્ટુગલમાં ભારતીય ગર્ભવતી મહિલાનું મોત થતાં આરોગ્ય મંત્રીને રાજીનામુ આપવાની ફરજ પડી

Tuesday 06th September 2022 16:42 EDT
 

ભારતીય ગર્ભવતી મહિલાનું મોત થવાના કારણે પોર્ટુગલના આરોગ્ય મંત્રીને રાજીનામુ આપવાની ફરજ પડી છે. આરોગ્ય મંત્રીના દેશની હોસ્પિટલોમાં ઇમર્જન્સી, ઓસ્ટેટ્રિક સેવાઓ હંગામી ધોરણે બંધ કરવાના આદેશ બાદ ભારતીય મહિલાને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઇ જવાના કારણે મોત થયું હતું. જેના પગલે દેશભરમાંથી આરોગ્ય મંત્રીની આકરી ટીકા કરાઇ હતી. ભારતીય ગર્ભવતી મહિલાના મોતના પાંચ કલાક પછી આરોગ્ય મંત્રી માર્તા તેમિડોએ રાજીનામુ આપતાં જણાવ્યું હતું કે મને આ હોદ્દા પર રહેવાનો કોઇ અધિકાર નથી અને વડાપ્રધાને મારા રાજીનામાનો સ્વીકાર કર્યો છે. પ્રેસિડન્સી ઓફ ધ રિપબ્લિકની સત્તાવાર વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે, તેમિડોના સ્થાને માર્સેલો રેબેલો ડિસોઝાની કાર્યકારી આરોગ્ય મંત્રી તરીકે નિયુક્તિ કરાઇ છે. નિઓનેટોલોજી સર્વિસમાં જગ્યા નહીં હોવાના કારણે ભારતીય ગર્ભવતી મહિલાને સાન્તા મારિયા હોસ્પિટલ ખાતેથી સાઓ ફ્રાન્સિસ્કો હોસ્પિટલ ખાતે લઇ જતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સાઓ ફ્રાન્સિસ્કો ઝેવિયર હોસ્પિટલ ખાતે મહિલાનું સિઝેરિયન ઓપરેશન કરાયું હતું અને તેણે 722 ગ્રામના બાળકને જન્મ આપ્યો હતો અને તેને નિઓનેટલ કેર યુનિટમાં દાખલ કરાયું હતું. માતાને પણ આઇસીયુમાં દાખલ કરાઇ હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડાપ્રધાન દ્વારા હવે નવા આરોગ્ય મંત્રીની નિયુક્તિ કરાશે. પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું હતું કે, તેમિડો ઘણા સમયથી હોદ્દા પરથી રાજીનામુ આપવા વિચારી રહ્યા હતા પરંતુ ભારતીય મહિલાના મોતે તેમના રાજીનામાનો માર્ગ સરળ બનાવી દીધો હતો. કોરોના મહામારી દરમિયાન તેમણે કરેલી કામગીરીની હું પ્રશંસા કરુ છું.


comments powered by Disqus