ટેક્સમાં કાપ અને એનર્જી બિલ્સમાં રાહતના વચનોથી રજિસ્ટર્ડ ટોરી મતદારોનું દિલ જીતી લેનારા ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે આખરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં વિજય હાંસલ કરવા સાથે યુકેના 56મા અને ત્રીજા મહિલા વડા પ્રધાન તરીકે શાસનના સૂત્રો સંભાળી લીધા છે.
સામાન્ય વિવેક કહે છે તેમ વૃક્ષમાં ફળો આવે ત્યારે તે નમી જાય છે. લિઝ ટ્રસને તેમની મહેનતનું ફળ મળ્યું છે ત્યારે તેઓ નમવાના બદલે વધુ ગર્વિષ્ઠ બન્યા હોય તેમ જણાય છે. રિશિ સુનાકે સ્પર્ધા ગુમાવ્યા પછી પણ શાણપણ કે વિવેક ગુમાવ્યો નથી. તેમણે ટોરી પાર્ટીના સભ્યોને એકસંપ થઈ નવા વડા પ્રધાન ટ્રસની પડખે ઉભા રહેવાનો અનુરોધ કર્યો પરંતુ, લિઝ ટ્રસે સારો પ્રતિભાવ આપવાના બદલે સુનાકની ધરાર અવગણના કરી છે. તેમણે જાણી લેવાની જરૂર છે કે સુનાકને ભલે ટોરી સભ્યોએ સંપૂર્ણ સમર્થન આપી નેતાપદે સ્થાપિત નથી કર્યા પરંતુ, તેમની તરફેણમાં પણ સારા પ્રમાણમાં મત નાખ્યા છે. આ ઉપરાંત, ટોરી સાંસદોનું સારું સંખ્યાબળ તેમને સમર્થન કરે છે તે સ્પર્ધાના શરુઆતી તબક્કાઓએ દર્શાવ્યું જ છે.
લિઝ ટ્રસના વિજય પાછળ બ્રિટિશ રંગભેદી માનસિકતાએ ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. આની સામે બોરિસ જ્હોન્સનના પ્રધાનમંડળમાં સુનાક, પ્રીતિ પટેલ, સુએલા બ્રેવરમેન અને આલોક શર્મા સહિતના ભારતવંશી અને અશ્વેતોને સ્થાન અપાયું હોવાની દલીલ થાય છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે આ ભારતવંશીઓ તથા અશ્વેતોના મતક્ષેત્રોમાં વંશીય લઘુમતીઓનું વર્ચસ્વ અને પ્રભાવ હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના મતદારોમાં શ્વેત બહુમતી દેખીતી છે અને તેમની માનસિકતા પણ રંગભેદી હોઈ શકે. આમ છતાં, લિઝ ટ્રસને અંદાજે 57 ટકા અને રિશિ સુનાકને 43 ટકા મત હાંસલ થયા છે તે બરાબરીનો ખેલ ખેલાયો હોવાનું સ્પષ્ટ કરે છે. જો જીવનનિર્વાહ અને એનર્જી પ્રાઈસની કટોકટીના મુદ્દાઓ ન હોત તો સુનાકનો વિજય નિશ્ચિત હતો તેમ માની શકાય. આમ છતાં, એ હકીકત કોઈ નકારી શકે તેમ નથી કે બ્રિટિશ રાજકારણમાં બ્રિટિશ ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે. સુનાકે નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું અને છેલ્લે સુધી લડી લીધું તે તેમનું ખમીર દર્શાવે છે. પૂર્વ વડા પ્રધાન જ્હોન્સને તો ખાનગી રાહે ‘કોઈ પણ ચાલશે, સુનાક નહિ’નું કેમ્પેઈન જ ચલાવ્યું હતું છતાં, સુનાકે મેદાન છોડ્યું નહિ અને પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા તે મહત્ત્વની બાબત છે.
ભગવાન રામના નામે પથરાં પણ તરી ગયા હતા તેમ પ્રાચીન કથાઓ કહે છે. યુકેમાં ટોરી પાર્ટીના કોઈ પણ નવનિયુક્ત વડા પ્રધાન માર્ગારેટ થેચર અથવા વિન્સ્ટન ચર્ચિલના પગલે ચાલવાનું કહેતા રહે છે. લિઝ ટ્રસ પણ તેમાં અપવાદ નથી. તેઓ થેચરિઝમને આગળ વધારવા તત્પર છે એટલે કઠોર નિર્ણયો લેવાની તૈયારી રાખતાં હોવાનું પણ કહે છે. ટ્રસ થેચરના માર્ગે ચાલવા તૈયાર અવશ્ય છે પરંતુ, થેચર જેવો જનાધાર તેમની પાસે નથી. ટ્રસે જે કહ્યું છે તેને ધ્યાનમાં લેવાં જેવું છે. તેમણે કહ્યું હતું કે મેં કન્ઝર્વેટિવની માફક પ્રચાર ચલાવ્યો હતો અને કન્ઝર્વેટિવની માફક જ શાસન ચલાવીશ. જોકે, તેમણે જે મુદ્દાઓ પર નેતાપદની સ્પર્ધામાં વિજય મેળવ્યો તે લોકરંજક પગલાં જ દર્શાવે છે. રિશિ સુનાકે શરૂઆતમાં ટેક્સમાં કાપનો સદંતર ઈનકાર કરી કઠોર નિર્ણયની દુહાઈ આપી હતી પરંતુ, પાછળથી તેમને ટ્રસને અનુસરવાની ફરજ પડી હોય તેમ ટેક્સમાં કાપની તૈયારી દર્શાવી હતી છતાં, આ પગલું ફૂગાવાને અંકુશમાં લેવાયા પછી જ લેવાશે તેવી સ્પષ્ટતા પણ કરી લીધી હતી.
મિરઝા ગાલિબની વિખ્યાત ગઝલની એક પંક્તિમાં જણાવાયું છે તેમ બોરિસ જ્હોન્સનની હાલત ‘બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે નિકલે હમ’ જેવી થઈ છે. બ્રેક્ઝિટ અને કોરોના વેક્સિન જેવી અપ્રતિમ સફળતાના વારસાને પાર્ટીગેટ જેવા કૌભાંડોએ ધોઈ નાખ્યો છે. જ્હોન્સને વિદાય સંબોધનમાં તેઓ ફરી સત્તા પર આવી શકે તેવો નાનકડો બોમ્બશેલ છોડીને બધાને વિચારતા કરી દીધા છે. લિઝ ટ્રસે આ બાબતને પણ ગંભીરતાથી લેવી પડશે કારણકે તેમણે જ્હોન્સન માટે પ્રશંસાના પુષ્પો વેરી નાખ્યા છે પરંતુ, ‘વખાણી ખીચડી દાંતે વળગી’ જેવો ઘાટ ન થાય તેની કાળજી લેવી પડશે. બોરિસ જ્હોન્સન પાર્ટીગેટમાં ફસાયા ત્યારે તેઓ તત્કાળ મધ્યસત્ર ચૂંટણી જાહેર કરશે તેવી અટકળો તેજ બની હતી. લિઝ ટ્રસના સંદર્ભમાં પણ આવી અટકળો થઈ રહી છે. તેઓ પણ પોતાના માટે બહુમતી મેન્ડેટ મેળવવા આતુર હોય તેમાં કોઈ શંકા નથી. થેરેસા મે પાસે ડેવિડ કેમરને આપેલી બહુમતી હતી અને તેમણે આપબળે મેન્ડેટ હાંસલ કરવાનો જુગાર ખેલ્યો અને સરકાર લઘુમતીમાં આવી ગઈ. લિઝ ટ્રસ આમાંથી બોધપાઠ મેળવીને ‘રાજકીય હારાકીરી’ના માર્ગે આગળ નહિ વધે તેમ કહેતા રાજકીય પંડિતો મધ્યસત્ર ચૂંટણીની અટકળો પર પાણી ફેરવી રહ્યા છે.
યુકેમાં કોઈ પણ વડા પ્રધાન આવે તેમણે ભારત સાથે સારા સંબંધો રાખવા જ પડશે. ગત થોડા વર્ષોમાં વિશ્વ ફલક પર ભારતે સારું કાઠું કાઢ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિતના વિકસિત રાષ્ટ્રો ભારતની આર્થિક વધતી તાકાત પર ઓળઘોળ થયેલાં છે. ચીન -રશિયા વિરુદ્ધની પશ્ચિમી ધરીને ભારતના સમર્થનની અને ભારત સાથે વેપારની તાતી જરૂર છે. બ્રિટન પણ તેમાં અપવાદ નથી. રશિયા સાથે ભારતના સંબંધો અને રશિયન ઓઈલ અને્ શસ્ત્રસરંજામની ખરીદી સંદર્ભે લિઝ ટ્રસ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ, ભારત સાથે વેપારનું આર્થિક પાસુ આ નારાજગી પર ભારે પડી રહ્યું છે. ભારત સાથે દિવાળી સુધીમાં ફી ટ્રેડ એગ્રીમેન્ટ કરી લેવા બોરિસ જ્હોન્સને જાહેરાત કરી હતી. ટ્રસ ફોરેન સેક્રેટરી તરીકે ભારત આવ્યાં તે સહિત અનેક વખત વેપાર કરાર કરી લેવાશે તેવી ખાતરીઓ ઉચ્ચારી ચૂક્યાં છે.
નવા વડા પ્રધાન લિઝ ટ્રસનો માર્ગ કાંટાળો છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસીસ, આસમાને પહોંચેલો ફૂગાવો, એનર્જી બિલ્સ અને મોંઘા ખાદ્યપદાર્થોએ ચેતવણી આપી જ દીધી છે કે આ શિયાળામાં પરિવારોને ઠંડી અને ભૂખથી મરતા બચાવવા હશે તો લોકોને રાહત મળે તેવાં પગલાં લેવા જ પડશે. સત્તા સંભાળ્યાના એક જ સપ્તાહમાં એનર્જી બિલ્સ મુદ્દે સ્પષ્ટ યોજના જાહેર કરવાની ખાતરી ટ્રસે ઉચ્ચારી છે અને લોકો તેની રાહ જોઈ રહ્યા છે. ટેક્સમાં કાપ મૂકાવાથી નબળાં વર્ગને વિસેષ લાભ નહિ થાય તેવાં સંજોગોમાં મધ્યમ આવક ધરાવતા પરિવારોને પણ રાહત મળે તે માટે દબાણ વધી રહ્યું છે. આપણી લોકોક્તિ કહે છે તેમ ‘વહુના લક્ષણ બારણામાં અને પુત્રના લક્ષણ પારણામાં’ પરખાઈ જાય છે. વડા પ્રધાન લિઝ ટ્રસ માટે કહી શકાય કે હવે તો નીવડે વખાણ.
