અજાતશત્રુ ક્વીનની અભૂતપૂર્વ લોકપ્રિયતા

Tuesday 07th June 2022 16:46 EDT
 

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની 70 વર્ષની શાસનયાત્રાને પરિપૂર્ણતાને બ્રિટિશરો અને વિદેશી લોકોએ આનંદ અને ઉત્સાહથી માણી છે. સમગ્ર રાજકીય વિભાજનોની વચાળે પણ 96 વર્ષીય નામદાર મહારાણીની લોકપ્રિયતા અકબંધ છે તે પ્લેટિનમ જ્યુબિલીના ઉત્સવે દર્શાવ્યું છે. સામાન્ય રીતે લેબર પાર્ટી રાજાશાહીની વિશેષ તરફેણ કરતી નથી છતાં, લેબર સમર્થકોએ ઉલટભેર ક્વીનની જ્યુબિલીને ઉજવી છે તેમાં કોઈ શંકા નથી અને આ જ ક્વીનનો પ્રભાવ અને લોકપ્રિયતા છે. જ્યુબિલી ઉજવણીના ચોથા દિવસે મહારાણીએ પેલેસની બાલ્કની પર જે વિશેષ દેખા દીધી તેમાં તેમણે રાજાશાહીના ભાવિનો સંકેત પાઠવી દીધો હોવાનું મનાય છે. ક્વીનની સાથે પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ- કેમિલા પાર્કર-બાઉલ્સ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ અને તેમના ત્રણ સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઈ જ તેમના વારસદાર બની રહેશે અને બ્રિટિશ રાજાશાહીનું ભવિષ્ય તેઓ જ હશે તેમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે જો ભવિષ્યનો વિચાર કરીએ તો બ્રિટનમાં રાજાશાહી રહેવી જોઈએ કે નહિ તેવો પ્રશ્ન સદા ઉભો થતો રહે છે. સમર્થકો અને વિરોધીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધો ખેલાતા રહે છે. ક્વીન હયાત છે ત્યાં સુધી તો વાંધો નહિ આવે પરંતુ, તેમના વારસદાર પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી થશે તે પછી શું થશે તે મુદ્દો અત્યારથી ચર્ચાવા લાગ્યો છે. ક્વીને યુનાઈટેડ કિંગ્ડમને જેટલું યોગદાન આપ્યું છે તેટલી સેવા ‘કિંગ ચાર્લ્સ’ કરી શકશે ખરાં? ચાર્લ્સ સાર્વત્રિક ચાહના કે લોકપ્રિયતા ધરાવતા નથી.
રોયલ ફેમિલી તરફ લોકોની લાગણી કેવી છે તેનું YouGov દ્વારા ટ્રેકિંગ કરાતું રહે છે. રાજકીય ફલકમાં ક્વીનનું લોકપ્રિયતા રેટિંગ નિયમિતપણે 80 ટકાની ઉપર જ રહ્યું છે અને પોઝિટિવ સેન્ટિમેન્ટ આશરે 70 ટકા જેટલું રહ્યું છે. ક્વીનને 93 ટકા ટોરી મતદારો, 73 ટકા લેબર મતદારો અને 87 ટકા લિબ ડેમ મતદારોનું સમર્થન મંળતું રહ્યું છે. ક્વીનની સરખામણીએ ચાર્લ્સનો સ્કોર કદી 60 ટકાથી ઉપર ગયો નથી અને તેમના પ્રતિ નકારાત્મક લાગણી વઘુ હોવાથી ગત થોડાં વર્ષોથી નેટ પોઝિટિવ સેન્ટિમેન્ટ આશરે 20 ટકા જેટલું રહ્યું છે. 2019ના YouGov પોલમાં 65 ટકાએ રાજાશાહીની અને 19 ટકાએ ચૂંટાયેલા વડાની તરફેણ કરી હતી. ગયા જ મહિને કરાયેલા એક પોલમાં રાજાશાહીની તરફેણ ઘટીને 60 ટકા અને રાજાશાહી નાબૂદ કરવાની તરફેણ વધીને 27 ટકા થઈ છે તે સૂચક છે.


comments powered by Disqus