એક ટેલિવિઝન ચેનલ પરની ચર્ચામાં મોહમ્મદ પયગમ્બર વિશે કથિત અણછાજતી ટીપ્પણીએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય જનતા પક્ષે તેમના પ્રવક્તાઓ નુપૂર શર્મા અને નવીન જિન્દાલની હકાલપટ્ટી કરીને વિવાદને ઠારવાનો પ્રયાસ કર્યો હતો છતાં, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશનના ઈસ્લામિક દેશોએ ભારતને નીચાજોણું કરાવવામાં જરા પણ પાછીપાની કરી નથી. કતાર જેવા દેશે તો ભારત પાસે સત્તાવાર સાર્વજનિક માફી માગવા સાથે ટીપ્પણીઓની કડક નિંદા કરવાની માગણી કરી છે. બધા જાણે છે કે ભારત સર્વધર્મને આદર-સન્માન આપતો દેશ છે પરંતુ, પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આમ છતાં, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે તેમ આવી ટિપ્પણી સરકારની નથી. ભારત આવી અસહિષ્ણુ વિચારધારા ધરાવતો દેશ નથી. બીજી તરફ, જ્ઞાનવાપી વિવાદને અયોધ્યા કરતાં વધુ ચગાવવાની કોશિષ થઇ રહી છે ત્યારે ધાર્મિક તણાવના સંદર્ભમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનુ આરએસએસ હવે મંદિરો અંગે કોઈ આંદોલન નહિ કરે તેવું સ્પષ્ટીકરણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આમ છતાં, એક બાબત એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે હિન્દુ ધર્મની સરખામણીએ ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મોમાં ઓછી સહિષ્ણુતા છે. છાસવારે હિન્દુ દેવી-દેવતાના ચિત્રો કે મૂર્તિઓ સાથે ખરાબ વ્યવહારની વાતો બહાર આવતી રહે છે છતાં, હિન્દુઓ તરફથી ભારે આક્રોશ વ્યક્ત કરાતો નથી. ટેલિવિઝન ડિબેટમાં સામાજીક ડેકોરમનું ધોરણ જાળવવું આવશ્ક બનાવવું જોઈએ. બોલવામાં તોછડાઈ, આછકલાપણું અને આક્ષેપો કે પ્રત્યાક્ષેપો હવે સામાન્ય બની ગયા છે. આવી ચર્ચાઓ દર્શકોના દિલોદિમાગ પર નકારાત્મક અસરો ઉભી કરે છે. રાજકીય પક્ષોએ પોતાના ડિબેટ મનેજરોનો તમામ ધર્મોનું સન્માન કરતાં શીખવાડવું જોઈશે અને આ દિશામાં સુધારણા માટે ભાજપે પહેલાં પોતાના ઘરથી શરૂઆત કરી છે તે આવકાર્ય છે.
