બોરિસ જ્હોન્સન બાલ બાલ બચ્યા

Tuesday 07th June 2022 16:45 EDT
 

પાર્ટીગેટ સહિતની મુશ્કેલીઓમાં ઘેરાયેલા રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન તેમની સામેનો વિશ્વાસ મત જીતી ગયા છે પરંતુ, કન્ઝર્વેટિવ સાંસદોએ બોરિસમાં મૂક્લો વિશ્વાસ સંપૂર્ણ નથી, તે ફ્રેક્ચર્ડ અથવા તો વિબાજિત છે. બોરિસ માટે હાલ પૂરતા સારા સમાચાર એ છે કે મોટા ભાગના ટોરી સાંસદોએ તેમને વડા પ્રધાનપદ જાળવી રાખવામાં ટેકો આપ્યો છે. જોકે, વાસ્તવિકતા એ પણ છે કે 40 ટકાથી વધુ અર્થાત 360માંથી 148 સાંસદોએ બોરિસની નેતાગીરીમાં વિશ્વાસ નહિ હોવાનું જાહેર કર્યું છે. આના પરિણામે, તેમણે રાજકીય ભવિષ્ય વિશે સતત વિચારતા રહેવું પડશે.
જ્હોન્સન વિરુદ્ધ અવિશ્વાસ મત લેવાવાની જાહેરાત થઈ ત્યારે માંડ 100 ટોરી સાંસદોનું સમર્થન મળશે તેવી ધારણા હતી પરંતુ, પક્ષના નેતા હોવા છતાં બોરિસ રેતીમાં મોં છુપાવી તોફાનને નકારતા બેઠેલા શાહમૃગની માફક આવતા તોફાનનો ક્યાસ કાઢવામાં કાચા નીવડ્યા છે. આ તોફાન ઉગ્ર બની શકે છે. નેતાગીરીની કસોટીમાંથી જ્હોન્સન હાલ તો હેમખેમ બહાર નીકળી શક્યા છે અને એક વર્ષ સુધી જીવતદાન મળ્યું છે તેમ કહી શકાય પરંતુ, ટોરી સાંસદોએ જે પ્રમાણમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો છે તેને જોતાં કેબિનેટમાં ભારે પરિવર્તનની માગણી પણ ઉભી થઈ છે. પોતાની જ પાર્ટી દ્વારા હકાલપટ્ટી કરવામાં આવે તેની નામોશીમાંથી તો બચી ગયા છે પરંતુ, જૂન મહિનાની 23મીએ વેકફિલ્ડ તેમજ ટિવેર્ટોન એન્ડ હોનિટોનની બે પેટાચૂંટણી અને બે વર્ષથી ઓછા સમયમાં જનરલ ઈલેક્શનનો સામનો કરવાનો આવશે. એક વડા પ્રધાન તરીકે તેમની એકહથ્થુ સત્તામાં ભાગબટાઈ થશે જેના કારણે મોટા પાયે કેબિનેટ રીશફલ કરવાનું તેમજ ચોક્કસ કાયદાઓ પસાર કરાવવાનું પણ શક્ય બનશે નહિ.
જ્હોન્સન માટે પાર્ટીગેટ મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી. પોલીસ ઈન્ક્વાયરીમાં તો ફિક્સ્ડ પેનલ્ટીથી કામ ચાલી ગયું છે પરંતુ, તેમણે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી છે કે કેમ તે બાબતે પ્રિવિલેજ કમિટી પણ ઈન્ક્વાયરી કરી રહી છે. બોરિસ ચોક્કસ રાજકીય અસ્તિત્વ જાળવવા પ્રયત્નો કરશે જ પરંતુ, માઈકલ ગોવે નેતાગીરીની ઉમેદવારી સમયે જ ઘા માર્યો હતો તેવો ફટકો અન્ય કોઈ પણ મારી શકે છે. કોવિડ મહામારીનો સામનો, પાર્ટીગેટ અને નોર્ધર્ન આયર્લેન્ડ માટે બ્રેક્ઝિટ પછીના પ્લાન્સ બાબતે ઘણા સાંસદોએ વિરોધ ઉઠાવ્યો છે. અત્યારે કદાચ બોરિસને ઉથલાવવા જેટલું સંખ્યાબળ તેમની પાસે નહિ હોય. પરંતુ અસંતોષ શમ્યો નથી. આગામી મહિનાઓમાં નવા પરિમાણો ઉભાં થાય તો પણ નવાઈ નહિ.


comments powered by Disqus