અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું વિચરણ

Wednesday 09th February 2022 07:11 EST
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. તેઓ નિયમિતપણે સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.
પૂ. મહંત સ્વામીએ વસંત પંચમીએ સવારની સભામાં આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે સંસ્કૃતમાં ‘વચનામૃતસંગ્રહ’પુસ્તક, ઈંગ્લિશ પુસ્તક ‘ઈન ધ ગુડ ઓફ અધર્સ’ તેમજ જર્મન ભાષામાં લખાયેલ ‘સત્સંગ દીક્ષા’નું વિમોચન કર્યું હતું. તેમણે અમેરિકાના રોબિન્સવિલ ખાતે સ્વામીનારાયણ અક્ષરધામના બાંધકામમાં થઈ રહેલા સુધારા વધારાનું પણ વર્ચ્યુઅલ માધ્યમથી નિરીક્ષણ કર્યું હતું. વધુમાં, તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


    comments powered by Disqus