નવી દિલ્હીઃ ૧૯૯૩ના મુંબઈ હુમલામાં સંડોવાયેલો આતંકી અબુ બકર અબ્દુલ ગફુર શેખ યુએઈમાંથી ઝડપાયો છે. ભારતીય એજન્સીના ઈનપુટના આધારે આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઝડપી લેવાયો હતો. મુંબઈમાં ૧૯૯૩માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા. આ આતંકી હુમલામાં સંડોવાયેલો આતંકવાદી અબુ બકર અબ્દુલ ગફુર શેખ ૨૯ વર્ષ પછી યુએઈમાંથી ઝડપાયો છે. આતંકી અબુ બકર પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર)માં રહીને શસ્ત્રો અને વિસ્ફોટકોની તાલીમ આપવા ઉપરાંત આરડીએક્સ પહોંચાડતો હતો. તેની સામે ભારતે ૧૯૯૭માં જ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. આ આતંકી પાકિસ્તાન અને યુએઈમાં રહેતો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓના ઈનપુટના આધારે યુએઈએ આ આતંકીને પકડી લીધો હતો.
અબુ બકરને ભારત લાવવા માટે સરકારે પ્રત્યર્પણના ચક્રો ગતિમાન કરી દીધા છે. અબુ બકર ભારતના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં છે. એ દાઉદનો સાગરિત હતો અને એક સમયે સોના, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ ને કપડાંની દાણચોરી કરતો હતો.

