લંડન: ઇન્ટરનેટના આધુનિક જમાનામાં ડિજિટલ પેમેન્ટની વધી રહેલી સુવિધા મધ્યે ઓનલાઇન ફ્રોડની સમસ્યાએ પણ માઝા મૂકી છે. જૂનથી સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચે ઇન્ટરપોલના દિશાનિર્દેશ અનુસાર લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ૨૦ દેશોમાં ૧૦૦૦ કરતાં વધુ લોકોની રોમાન્સ સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઇન ગેમ્બલિંગ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ માટે ધરપકડ કરી હતી. ઇન્ટરપોલના HAECHI-II. ઓપરેશન અંતર્ગત ૨૩૫૦ બેન્ક ખાતા સ્થગિત કરાયાં હતાં. ઇન્ટરપોલના જણાવ્યા અનુસાર ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપ સમગ્ર વિશ્વમાં રહેલા બેન્ક ખાતાઓમાં ગેરકાયદેસર નાણા જમા કરાવતા પહેલા તેમના શિકાર પાસેથી કરોડો ડોલર પડાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે.
ઓગસ્ટ ૨૦૨૦માં બે વ્યક્તિએ ભારતના હૈદરાબાદમાં પોતાની સાથે અનુક્રમે રૂપિયા ૯૭૦૦૦ અને રૂપિયા ૧.૬૪ લાખની છેતરપિંડી થઇ હોવાનો કેસ નોંધાવ્યો હતો. તેલંગણામાં પ્રતિબંધિત છે તે ઓનલાઇન ગેમિંગ માટેની વેબસાઇટ દ્વારા આ છેતરપિંડી કરાઇ હતી. પહેલી નજરે સામાન્ય છેતરપિંડીના કેસની વ્યાપક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ચીની નાગરિકો દ્વારા મહાકાય ઓનલાઇન ગેમ્બલિંગ ફ્રોડ આચરવામાં આવી રહ્યું હતું. ગુરુગ્રામમાં બે બેન્ક ખાતાઓમાં રૂપિયા ૧૧૦૦ કરોડના વ્યવહારો સામે આવ્યા હતા જેને વિવિધ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. પોલીસે આ મામલામાં એક ચીની અને ૩ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ટેલિગ્રામ દ્વારા લોકોને ઓનલાઇન ગેમિંગ માટે લલચાવવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ પ્રકારની ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગની સુવિધા આપતી ૫૦૦ કરતાં વધુ વેબસાઇટ શોધી કાઢી હતી જેમાંની મોટાભાગની વેબસાઇટ ચીનમાં રજિસ્ટર્ડ થયેલી હતી. આ પ્રકારની વેબસાઇટમાં એક ખૂણા પર એક્ચ્યુલ બેટિંગ સાઇટની લિન્ક હોય છે. જેના દ્વારા ઓનલાઇન ગેમ્બલિંગ કરી શકાય છે.
લોકડાઉન દરમિયાન આ પ્રકારની ગેમ્બલિંગ સાઇટ્સનો રાફડો ફાટ્યો હતો. જેમાં શરૂઆતમાં વ્યક્તિને મોટો લાભ કરાવવામાં આવે છે પરંતુ આગળ વધતાં ગેમ્બલરના ૧૦ ગણા નાણા છીનવાઇ જતાં હોય છે.
ઓનલાઇન ગેમ્બલિંગના નાણાના હવાલા માટેનું એપી સેન્ટર ચીન
ચીનના બોડિંગ શહેરમાં એક કામદારે પોતાનું ૨૫૦૦ યૂઆનનું દેવું ચૂકવવા પોતાના ૩ મિત્રોને પોતાના નામે ક્રેડિટ કાર્ડ લઇ આપ્યા હતા. તેણે ક્યારેય કલ્પના નહોતી કરી હતી કે ઓનલાઇન ગેમ્બલિંગ માટેના નાણાના હવાલા માટે ક્રિમિનલ ગ્રુપ દ્વારા તેના નામ પર જારી કરાયેલા ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે તેની ધરપકડ કરાશે. આ પ્રકારના ક્રાઇમે ચીનમાં ૫૦થી૬૦ લાખ લોકોને સંડોવતી એક ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે. વર્ષ ૨૦૨૦માં ચીની પોલીસે ૧૭૦૦ ઓનલાઇન ગેમ્બલિંગ પ્લેટફોર્મ અને ૧૪૦૦ અંડરગ્રાઉન્ડ બેન્કો સામે કાર્યવાહી કરી હતી. આ આખા કૌભાંડમાં ૧૫૩ બિલિયન અમેરિકન ડોલરના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા.
ઇ-કોમર્સ પ્લેટફોર્મથી માંડીને ગ્રોસરી સ્ટોરની ઇ-પેમેન્ટ સિસ્ટમની સંડોવણી
વિશ્વના મોટાભાગના દેશોમાં ઓનલાઇન ગેમ્બલિંગ પર પ્રતિબંધ છે તેથી ઓનલાઇન ગેમ્બલિંગ સાઇટ પર સીધો જુગાર રમી શકાતો નથી. આવી સ્થિતિમાં ઓનલાઇન ગેમ્બલિંગ માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મથી માંડીને નાના ગ્રોસરી સ્ટોરની ઇ-પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરાય છે. એક પત્રકારે ઇન્વેસ્ટિગેશન કરતાં ડ્રીમગેમિંગ ગેમ્બલિંગ સાઇટ પર ૧૦૦ યુઆન ઓનલાઇન બેન્કિંગ દ્વારા જમા કરાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેનું ટ્રાન્ઝેક્શન એક ગ્રોસરી સ્ટોર સાથે સંકળાયેલા એલીપે એકાઉન્ટમાં થયું હતું. ઓનલાઇન ગેમ્બલિંગ સાઇટ્સ દ્વારા પેમેન્ટને કાયદેસર દર્શાવવા માટે રનિંગ પોઇન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરાય છે. જેમાં રજિસ્ટર્ડ પ્લેટફોર્મ દ્વારા ઓર્ડર લેવામાં આવે છે અને તે નાણા છદ્મ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે. ત્યાંથી આ નાણા વિદેશમાં આવેલી ઓનલાઇન ગેમ્બલિંગ સાઇટને ટ્રાન્સફર કરાય છે. આ માટે ઇ-પ્લેટફોર્મને પ્રતિ ટ્રાન્ઝેક્શન બે થી ચાર ટકાનું કમિશન ચૂકવાય છે. જ્યારે સભ્યોને એકથી બે ટકાનું કમિશન ચૂકવવામાં આવે છે.
ભારતમાં ઓનલાઇન ગેમિંગ સાથે સંકળાયેલા બેન્ક ખાતાની સંખ્યા ૩૦ લાખથી વધુ
ચીનમાં મુખ્યમથક ધરાવતા ઓન લાઇન ગેમિંગ ફ્રોડ સાથે સંકળાયેલા ૩૦ લાખથી વધુ બેન્ક ખાતા પોલીસે શોધી કાઢ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બેન્ક ખાતાઓમાં હજારોથી માંડીને લાખો રૂપિયાના આર્થિક વ્યવહારો સામે આવ્યા હતા. 100 કરતા વધુ ખાતામાં રૂપિયા એક કરોડથી વધુના વ્યવહારો થયાં હતાં. એક અંદાજ પ્રમાણે ૨૦ લાખ કરતાં વધુ લોકોએ ઓનલાઇન ગેમ્બલિંગમાં ભાગ લીધો હતો જ્યારે બાકીના બેન્ક ખાતાઓનો ઉપયોગ હવાલા માટે કરાતો હતો. હવાલા માટે ચીની કંપન દ્વારા સ્થાનિક વેપારીઓ ઉપયોગ કરાતો હતો.
ઓનલાઇન ગેમિંગ પ્લેયરની માનસિક સ્થિતિ પર ગંભીર અસર કરે છે
ઓનલાઇન ગેમિંગ પ્લેયરની માનસિક સ્થિતિ પર ગંભીર અસર કરે છે. આ માટે ભારતની અદાલતોમાં સંખ્યાબંધવાર રજૂઆતો થઇ ચૂકી છે. દેશની સેલિબ્રિટીઓ દ્વારા ઓનલાઇન ગેમિંગના કરાતા પ્રચાર અને તેના પર સખ્ત પ્રતિબંધ લાદવાની પણ અદાલતો સમક્ષ માગ થઇ ચૂકી છે. ઓનલાઇન ગેમિંગ પણ એકપ્રકારનું ઓનલાઇન ગેમ્બલિંગ જ છે. જોકે ભારતની અદાલતો દ્વારા આ પ્રકારના સવાલો સામે વિરોધાભાસી ચુકાદા અપાયા છે. ૨૦૧૯માં ક્રિકેટ અને ફૂટબોલ ફેન્ટસી ગેમ ડ્રીમઇલેવન સામેના એક કેસમાં બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ કૌશલ્ય આધારિત છે તેથી આ ગેમને ગેમ્બલિંગ ગણાવી શકાય નહીં. ઓનલાઇન ગેમ રમીના કેસમાં મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ રમત આલ્ગોરિધમ પર આધારિત હોવાથી સ્કીલ આધારિત કહી શકાય નહીં.
કોરોના મહામારીમાં ઓનલાઇન શોપિંગ સ્કેમની સંખ્યામાં વધારો
કોરોના મહામારીમાં ઓનલાઇન શોપિંગમાં વધારો થતાં તેની આડમાં આચરાતા સ્કેમની સંખ્યામાં પણ વધારો થયો છે. આ પ્રકારના સ્કેમને પ્રોત્સાહન આપવામાં સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતો મોટો ભાગ ભજવી રહી છે. બેટર બિઝનેસ બ્યૂરોના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૧૯-૨૦માં ઓનલાઇન શોપિંગ સ્કેમની સંખ્યા બમણી થઇ છે. આ પ્રકારના સ્કેમમાં ગ્રાહકને તેની ઓર્ડર કરેલી વસ્તુ મોકલાતી જ નથી અથવા તો તેના સ્થાને નકલી ચીજો પધરાવી દેવામાં આવે છે. કૌભાંડીઓ દ્વારા કાયદેસરના ઇ-કોમર્સ બિઝનેસના પેજ અથવા ફોટોની નકલ કરીને પોપ્યુલર સોશિયલ મીડિયા સાઇટ પર જાહેરાતો કરાય છે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી વેબસાઇટ પર ઓનલાઇન ઓર્ડર લેવાય છે. અંતે ગ્રાહકને છેતરાવાનો વારો આવે છે.
સોશિયલ મીડિયા પર ઝાંસાબાજો દ્વારા રોમાન્સ સ્કેમ
વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર મહિલાઓના એકાઉન્ટ દ્વારા રોમાન્સના નામે પૈસા પડાવવાનો ગોરખધંધો પણ ધડલ્લે ચાલી રહ્યો છે. પહેલાં આ એકાઉન્ટધારક કથિત મહિલાઓ દ્વારા દોસ્તીનો ખેલ ખેલવામાં આવે છે અને ત્યારબાદ અંતરંગ ચેટિંગ કે તસવીરો કે વીડિયો હાંસલ કરી નાણા એંઠવામાં આવતા હોય છે. બ્લેકમેઇલિંગનો આ ધંધો પણ ઇન્ટરનેટના માધ્યમથી છડેચોક ચાલે છે. તેમાં કથિત પુરુષ એકાઉન્ટધારકો દ્વારા પણ મહિલાઓ સાથે દોસ્તી કરીને નાણા પડાવવાના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યાં છે.

