કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી જયંતીની ઉજવણી

Wednesday 09th February 2022 07:15 EST
 

પ ફેબ્રુઆરીને વસંતપંચમીના રોજ શ્રી સ્વામીનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૬મી જયંતી સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ-સ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવાઈ હતી. આ પ્રસંગે સ્વામીનારાયણ ભગવાનનો ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ શિક્ષાપત્રીનો સામૂહીક પાઠ કરાયો હતો.
કુમકુમ મંદિરના પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ૧૨ x ૨૮ ઈંચની વિશાળ રંગીન શિક્ષાપત્રીનું પૂજન કરાયું અને વસંતપંચમી હોવાથી વસંતકુંભનું સ્થાપન કરીને વસંતનો શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યોએ ઓચ્છવ કર્યો હતો. સહજાનંદસ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્‌ ૧૮૮ર ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ. શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત,ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે શ્રી સ્વામીનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસથાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં ઘણાં ધર્મો છે. પણ સ્વામીનારાયણ ધર્મ પ્રશંસનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિશે ઘણું માન છે.
આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે માનવી આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.શિક્ષાપત્રીમાં કુલ ૨૧૨ શ્લોક છે.


    comments powered by Disqus