કેવી રીતે ઉજવશો વેલેન્ટાઇન્સ ડે?

Wednesday 09th February 2022 06:33 EST
 
 

૧૪ ફેબ્રુઆરીનો દિવસ દુનિયાના પ્રેમીઓનો છે. આપણો - ભારતીયોનો - પોતાનો ન હોવા છતાં આપણા સૌનો સૌથી પ્રિય તહેવાર કોઈ હોય તો કદાચ વેલેન્ટાઇન્સ ડે છે. આ તહેવારનાં મૂળિયાં ભલે ભારતની ધરતીમાં ન હોય, પરંતુ એ જે સંબંધને ઊજવે છે, જે લાગણીને વધાવે છે એ પ્રેમ તો યુનિવર્સલ છેને! એટલે જ આજના દિવસે જ્યાં પણ નજર કરો - ટીવી, રેડિયો, અખબાર કે મેગેઝિનમાં વેલેન્ટાઇન્સ ડેના પ્રેમસભર સંદેશાઓ વાંચવા મળશે. પોતાના પ્રિયજન માટે વહાલભર્યા વેલેન્ટાઇન મેસેજિસના એસએમએસ તો આ દિવસે મોજાંની જેમ વહેવાના. કેટલાક લોકો એમ કહીને વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરે છે કે તેમના મતે પ્રેમ એ કંઈ અમુક દિવસ કે અમુક તારીખની સીમામાં બંધાઈ જાય એવો ભાવ નથી, એ તો દિવસ-રાત અવિરત અનુભવાય અને વ્યક્ત પણ થાય. વાત તો સાચી છે, પરંતુ પ્રેમ જેવી અતિ અંગત ઊર્મિઓને જાહેરમાં બિન્દાસ વ્યક્ત કરવાની તક વેલેન્ટાઇન્સ ડે આપે છે એય સાચુંને?
Y પ્રેમની ચમક: વેલેન્ટાઇન્સ ડેના આગલા સપ્તાહ દરમ્યાન પ્રેમપંખીડાંઓની ઉમંગથી છલકાતી વાતો, ચર્ચાઓ અને યોજનાઓ સાંભળવાની મજા આવે. અને એ દિવસે તો જાણે રંગ અને સુગંધનો દરિયો લહેરાય. સરસ મજાનાં તૈયાર થયેલાં છોકરા-છોકરીઓના ચહેરા પર જે ચમક જોવા મળે એ માત્ર પ્રેમમાં હોવાની લાગણીની જ હોઈ શકે. એક પત્રકાર-ફ્રેન્ડને એક વાર કહેલું કે હમણાં તું વધારે સુંદર દેખાય છે. તો તેણે તરત મોટું મજાનું સ્માઇલ આપી કહેલું: આઇ એમ ઇન લવ. હા, પ્રેમ સામાન્ય વ્યક્તિને પણ સુંદર અને આકર્ષક બનાવી દે છે; સાધારણ માણસમાં પણ દુનિયાઆખીનો સામનો કરવાની તાકાત ભરી દે છે. ખાલી ખિસ્સેય અમીરીનો અહેસાસ કરાવે છે, પણ આ બધું તો જ શક્ય છે જો એ ખરેખર પ્રેમ હોય.
Y પ્રેમનું જતન: ઘણી વખત લોકો જાતીય ખેંચાણ, ઉપરછલ્લું આકર્ષણ કે સામી વ્યક્તિના સ્ટેટસ યા બેન્ક-બેલેન્સના મોહને ઘણા પ્રેમ ગણી બેસે છે, પરંતુ વાસ્તવમાં એ પ્રેમ નથી. જેને હૃદયથી ચાહતા હો તેને તો ખુશી આપવામાં જ મન પરમ ખુશી અનુભવે છે. તેની પાસેથી શું મળ્યું અને તેને માટે શું કર્યું એવા હિસાબ મનમાં મંડાતા હોય તો માની લેજો કે આ પ્રેમ સિવાયનું બધું છે, પણ પ્રેમ તો ચોક્કસ નથી. એનું જતન કરો અને મહોરો. જેમ કે ભોજન તમે કરો અને તૃપ્તિ તે અનુભવે. આવું સાયુજ્ય જ્યારે બે વ્યક્તિ વચ્ચે સર્જાય ત્યારે ચોક્કસપણે તે બન્ને ગળાડૂબ પ્રેમમાં છે એમ માની શકાય.
Y પ્રેમ મજબૂત કરે: થોડા સમય પહેલાંની વાત છે. ટ્યુબમાં પ્રવાસ દરમિયાન એક યંગ છોકરીને વારંવાર મોબાઇલમાં કશુંક વાંચતી અને આંસુ લૂછતાં જોઈ. એક માનવસહજ સ્વભાવ, સહાનૂભૂતિના ભાવ સાથે તેની પાસે જઇને પૂછ્યું, વાત શું છે? ખબર પડી કે તેનો પ્રેમી એક મહિના માટે બહારગામ ગયેલો અને તેનો કોઈ જ સંપર્ક પણ થઈ શકે એમ નહોતું. એટલે ત્રીસ દિવસ તેને જોયા કે મળ્યા વિના રહેવાની વાતે એ છોકરી ઢીલીઢસ થઈ ગઈ હતી. તેને કહ્યું કે ‘આટલોબધો પ્રેમ કરે છે એ તો બહુ મજાની વાત છે. જે છોકરી પાસે આટલોબધો પ્રેમ હોય તે તો બહુ સ્ટ્રોન્ગ હોય, કેમ કે પ્રેમ તો માણસને મજબૂત બનાવે.’ તે બોલી, ‘હા, તમારી વાત તો સાચી છે, મારો બોયફ્રેન્ડ સાથે હોય ત્યારે હું બહુ સ્ટ્રોન્ગ ફીલ કરું છું.’ તરત જ તેને કહ્યું કે ‘તેની હાજરી અને ગેરહાજરી બન્નેમાં સ્ટ્રોન્ગ ફીલ કરી શકે તો તમારો પ્રેમ સાચો.’ થોડી વારે તેનું સ્ટેશન આવ્યું ત્યારે તે હસતાં-હસતાં ઊભી થઈ અને બોલી, ‘આઇ ફીલ સ્ટ્રોન્ગ નાઓ.’
Y સાચુકલો પ્રેમસંબંધ: સાચુકલો પ્રેમસંબંધ નસીબથી મળે છે. જેમના આવવાથી જિંદગી ક્યારેય ન લાગી હોય એટલી ખૂબસૂરત લાગે છે અને આખી દુનિયા ગમવા લાગે છે. મિત્રો, આજના આ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે આપણે પણ એક એક્સરસાઇઝ કરીએ: ચાલો, શોધી કાઢીએ કે આપણી જિંદગીમાં એવા સંબંધો અને વ્યક્તિઓ કેટલાં કે જેને માટે કશુંક કરીએ ત્યારે જાતને કંઈક મળ્યાનો આનંદ અનુભવ્યો હોય, જેના પર શત-પ્રતિશત વિશ્વાસ મૂકી શકીએ, જેના પર આપણે મુસ્તાક રહી શકીએ, જેની સાથે ગેરસમજ એટલે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનો ડર ક્યારેય ન સતાવે, દિવસો સુધી વાત ન થઈ હોય કે મહિનાઓ સુધી મળાયું ન હોય છતાં જ્યારે કોઈ તકલીફ આવી પડે કે મજબૂત આધારની જરૂર પડે ત્યારે સૌથી પહેલી તે વ્યક્તિ સાંભરે, જેની સાથે કોઈ પણ પરદા વગર વાત કરી શકાય અને સાંભળી શકાય, જેના વિચારો સાથે સહમત ન થતા હોઈએ અને જેની સાથેની ચર્ચામાં ઉગ્રતા આવી જતી હોય છતાં જે સંબંધમાં કટુતા કદી ન આવી હોય? આવા સંબંધો કે વ્યક્તિઓ જેના જીવનમાં હોય એ જ સાચી પ્રેમપૂંજીનો માલિક. તે વિશ્વાસથી ગાઈ શકે: આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે! વેલેન્ટાઇન્સ પર્વે સૌને શુભેચ્છા - આવો પ્રેમ કરવાની અને પામવાની.

આવો પ્રેમ સૌને મળે તેવી શુભકામના... 

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક બહુ જ સુંદર પ્રસંગ વાંચ્યો હતો. એક ડોક્ટરના ક્લિનિક પર એક વૃદ્ધ પોતાના અંગૂઠાનું ડ્રેસિંગ કરાવવા આવે છે. તેની અપોઇન્ટમેન્ટ નવ વાગ્યાની છે, પણ તે સાડાઆઠે જ પહોંચી ગયા છે. તેઓ ડોક્ટરને કહે છે કે પ્લીઝ, મારું ડ્રેસિંગ જરા જલદી કરી આપજોને. અને વારંવાર તે પોતાની ઘડિયાળમાં સમય જોતા રહે છે. બીજા દરદી આવ્યા નહોતા એટલે ડોક્ટરે પણ વૃદ્ધનો કેસ તરત હાથમાં લીધો. તેનો ઘા રુઝાઈ જવા આવ્યો હતો એટલે જરૂરી દવા-ડ્રેસિંગ કરતાં-કરતાં જ તેમણે પૂછ્યું કે શું તમારે બીજી કોઈ અપોઇન્ટમેન્ટ છે?
વૃદ્ધે કહ્યું, ‘ના, ના, મારે મારી પત્ની સાથે બ્રેકફાસ્ટ લેવાનો છે.’ ડોક્ટરે પૂછ્યું, ‘તે ક્યાં છે?’
વૃદ્ધે કહ્યું, ‘તે હોસ્પિટલમાં છે.’
ડોક્ટરે પૂછ્યું, ‘તમે મોડા પડશો તો તે ચિડાઈ જશે?’
વૃદ્ધે જવાબ આપ્યો, ‘ના, તેને અલ્ઝાઇમર્સ છે એટલે તે તો પાંચ વર્ષથી મને ઓળખી પણ શકતી નથી.’
ડોક્ટરે કહ્યું, ‘ઓહ! તો તેને તો ખબર જ નથી કે તમે કોણ છો. આમ છતાં તમે રોજ સવારે તેની સાથે બ્રેકફાસ્ટ લેવા જાઓ છો?’ વૃદ્ધે કહ્યું, ‘તે ભલેને મને ઓળખતી ન હોય, પણ મને તો ખબર છે ને કે તે મારી કોણ છે?!’
આ સાંભળીને ડોક્ટરની આંખો ભરાઈ આવી અને તે મનોમન બોલ્યા: આઇ વિશ મને પણ જિંદગીમાં આવો જ સાચુકલો પ્રેમ મળે!


comments powered by Disqus