લંડનઃ કોવિડ નિયંત્રણો રદ કરી દેવાયાં છે ત્યારે જનરલ પ્રેક્ટિશનર્સને આમનેસામને એપોઈન્ટમેન્ટ શરુ કરી દેવા માટે હેલ્થ સત્તાવાળાઓ દ્વારા કહેવાયું છે. હજારો બ્રિટિશરોએ મહામારીના ગાળામાં આમનેસામને એપોઈન્ટમેન્ટ મેળવવાની મુશ્કેલી અનુભવેલી છે. NHS Digitalના આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં ૬૧ ટકા જીપી કન્સલ્ટેશન્સ આમનેસામને રહ્યા હતા જે નવેમ્બરની સરખામણીએ બે ટકા ઓછું છે. કોરોના મહામારીની અગાઉના સમયમાં ૮૦ ટકા પેશન્ટ પોતાના આરોગ્યની ચર્ચા કરવા સર્જરીઝની મુલાકાત લેતા હતા. માસ્ક, વેક્સિન પાસપોર્ટ્સ, વર્ક ફ્રોમ હોમ, આઈસોલેશન અને પ્રવાસ સંબંધિત નિયંત્રણો દૂર કરાયા છે ત્યારે ડોક્ટરની રુબરુ મુલાકાત શા માટે ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવાય છે. પેશન્ટ ગ્રૂપ્સની ચિંતા એ છે કે જીપીઝ વેક્સિનેશન કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે ફોન એપોઈન્ટમેન્ટ સામાન્ય બની ગયેલ છે.
