જ્હોન્સનની સત્તા જાળવવા મથામણ

Wednesday 09th February 2022 05:15 EST
 

કોરોના લોકડાઉનના ગાળામાં નિયમભંગ કરીને યોજાએલી પાર્ટીઓ, સાંસદોના અસંતોષ અને વિપક્ષી નેતા સર કેર સ્ટાર્મર સામે રાજકીય નેતા અને વડા પ્રધાનને ન છાજે તેવા અનુચિત આક્ષેપો સહિતના મુદ્દે ચોતરફથી ઘેરાયેલા બોરિસ જ્હોન્સન સત્તા જાળવવા ભારે મથામણ કરી રહ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટ માને છે તેમ જ્હોન્સન ‘ડેન્જર ઝોન’માં છે અને ગમે ત્યારે તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી શકે છે.
કન્ઝર્વેટિવ પાર્ટીમાં આંતરયુદ્ધ છેડાયું છે. વડા પ્રધાનની ટીકા કરનારા ચાન્સેલર રિશિ સુનાકને વફાદાર નહિ રહેવા બદલ પાણીચું પકડાવી દેવું જોઈએ તેવી માગ થાય છે. બીજી તરફ, સુનાક પણ મોકાની રાહ જોઈને બેઠા હોય તેમ જણાય છે. સુનાકે રેડ વોલ સહિતના સાંસદો સાતે ઘરોબો વધારી દીધો છે. કેર સ્ટાર્મર સામે જે આક્ષેપો કરાયા તે અનુચિત હોવાનું કહી દેવા સાથે જ્હોન્સનને સમર્થન જાહેર કર્યું છે તે પણ હકીકત છે. આ આક્ષેપો સંદર્ભે જ્હોન્સનના લાંબા સમયના પાંચ સહાયકોએ પણ રાજીનામાં આપી દીધા છે.
સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેના મર્યાદિત રિપોર્ટમાં પણ ડાઉનિંગ સ્ટ્રીટમાં જ્હોન્સનની નેતાગીરીનો કોઈ પ્રભાવ નહિ હોવાનું જણાવ્યું છે. સામા પક્ષે જ્હોન્સને વહીવટી માળખાને ધરમૂળથી બદલી નાખવા ખાતરી આપી છે અને કામગીરી શરૂ પણ કરી છે. જોકે, ‘બુંદ સે ગઈ હોજ સે નહિ આતી’ના ધોરણે તેમના માટે ઈજ્જત બચાવવી મુશ્કેલ છે. પાર્ટી અને સરકાર ક્ષોભજનકસ્થિતિમાં મૂકાઈ છે ત્યારે જ્હોન્સનનું એપ્રુવલ રેટિંગ તળિયે પહોંચ્યું છે. બોરિસ જ્હોન્સને તો તેમના મિત્રોને એટલે સુધી કહી નાખ્યું છે કે મને ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર કાઢવા પેન્ઝર ટેન્ક ડિવિઝનની જરૂર પડશે. આનો અર્થ સ્પષ્ટ છે કે ખરાબ રીતે હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી તેઓ સત્તાને ચીટકી રહેવા માગે છે. જ્હોન્સનની વડા પ્રધાન અથવા તો પક્ષના નેતાપદેથી હકાલ પટ્ટી કરવા માટે અસંતુષ્ટ સાંસદોએ જોરદાર અભિયાન આદરેલું છે. નેતાને પદત્યાગ કરાવવા માટે ૧૯૨૨ બેકબેન્ચર્સ કમિટીના ચેરમેનને ૫૪ સાંસદોના પત્ર મળવા આવશ્યક છે અને કહેવાય છે તેમ ૩૫થી ૪૫ વચ્ચેના સાંસદોએ આવા પત્રો મોકલાવી દીધા છે. જો જ્હોન્સન અવિશ્વાસની દરખાસ્તમાં બચી જશે તો તેમના હોદ્દા સામે એક વર્ષ સુધી તો કોઈ આંચ નહિ આવે પરંતુ, આ શક્ય લાગતું નથી.


comments powered by Disqus