નવી દિલ્હી: આજથી ૧૧ વર્ષ પહેલાં મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સર ફટકારીને ભારતને વિશ્વ કપ વિજેતા બનાવ્યું હતું અને બરાબર એ જ અંદાજમાં અંડર-૧૯ ભારતીય ટીમના વિકેટકિપર દિનેશ બાનાએ ઇંગ્લેન્ડ સામેની દિલધડક વિશ્વ કપ ફાઈનલમાં સિક્સર ફટકારીને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી છે. કોરોનાથી લઈને પ્રતિસ્પર્ધી ટીમ સહિતના કોઈ પરિબળ ભારતની આગેકૂચને રોકી શક્યા નથી અને ફરી એક વાર આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે પોતાના દબદબા પર મહોર લગાવી છે.
ભારતીય ટીમની જીતનો સૂત્રધાર પાંચ વિકેટ લીધા બાદ ઉમદા બેટિંગ કરનારો રાજ બાવા રહ્યો હતો. આ ઉપરાંત ફાસ્ટ બોલર રવિ અને અર્ધસદી ફટકારનાર નિશાંત સિંધુએ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને વિક્રમજનક પાંચમી વખત અંડર-૧૯ વિશ્વ કપ જીતી લીધો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમને ૪૪.૫ ઓવરમાં ૧૮૯ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. બાવાએ ૯.૫ ઓવરમાં ૩૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય ફાસ્ટ બોલર રવિ કુમારે ૩૪ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
રાજ બાવાનું વિજયી યોગદાન
ઈંગ્લેન્ડના ૧૮૯ રનના જવાબમાં ભારતે ઝમકદાર રમત રમીને ૫૦ ઓવરમાં ૧૪ બોલ બાકી હતા ત્યારે જ છ વિકેટના ભોગે વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. એક સમયે ભારતે ફક્ત ૯૭ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પણ પછી નિશાંત સિંધુ (અણનમ ૫૦) અને બાવા (૩૫) એ ૬૭ રનની ભાગીદારી નોંધાવી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ઓલરાઉન્ડર પ્રદર્શન બાદ રાજ બાવાને મેન ઓફ ધ મેચ એનાયત થયો હતો.
વાઇસ કેપ્ટન શેખ રશીદે સતત બીજી મેચમાં સારો દેખાવ કરતાં ૫૦ રન કર્યા હતા. છેલ્લે દિનેશ બાનાએ જેમ્સ સેલ્સની બોલિંગમાં સતત બે સિક્સર ફટકારીને ૪૮મી ઓવરમાં જ ભારતને વિજય બનાવી દીધું હતું.
ભવિષ્ય સુરક્ષિત હાથોમાંઃ વડા પ્રધાન મોદી
રવિવારે વહેલી સવારથી વિજેતા ભારતીય ટીમ પર અભિનંદનની વર્ષા થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવાન ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાને રવિવારે સવારે ટ્વિટ કરી હતી કે આપણા યુવા ક્રિકટરો પર ખૂબ જ ગર્વ છે. ભારતીય ટીમને અંડર-૧૯ વર્લ્ડ કપ જીતવા બદલ ખૂબ વધાઈ. તેમણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ગજબના ધૈર્યનો પરિચય કરાવ્યો છે. ઉચ્ચતમ સ્તર પરનું આ શાનદાર પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

