ટોરન્ટોના મંદિરોમાં ચોરી - લૂંટની ઘટનાઓથી પૂજારી અને ભક્તો ભયભીત

Wednesday 09th February 2022 06:55 EST
 
 

ટોરન્ટોઃ કેનેડાના ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં છેલ્લાં દસેક દિવસમાં અડધો ડઝન જેટલાં મંદિરોમાં તોડફોડ કરીને ચોરી અને લૂંટની ઘટનાઓ બનતા પૂજારીઓ અને ભક્તોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. બ્રામ્પટન જીટીએ ટાઉન ખાતે હનુમાનજીના મંદિરને તોડવાના નિષ્ફળ પ્રયાસ સાથે મંદિરોને નિશાન બનાવવાની શરૂઆત ૧૫ જાન્યુઆરીએ થઇ હતી. ૨૫ જાન્યુઆરીએ આ વિસ્તારમાં જ મા ચિંતપૂર્ણી મંદિરને તોડીને તોફાનીઓએ પ્રવેશ કર્યો હતો.
તે પછી ગૌરીશંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ આવી જ ઘટના નોંધાઇ હતી. તે પછી મિસિસાઉગા ખાતે હિંદુ હેરિટેજ સેન્ટર અને હેમિલ્ટન સમાજ મંદિરને પણ નિશાન બનાવાયા હતા.
૩૦ જાન્યુઆરીએ હિંદુ હેરિટેજ સેન્ટર ખાતે બે વ્યક્તિએ પ્રવેશ કરીને દાનપેટીને તોડીને મુખ્ય ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાઓને પગલે મંદિરના પૂજારી અને ભક્તોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે.
બે માસ્કધારી વ્યક્તિ આ ઘટના સાથે સંકળાયેલી હોવાનું ઘટનાઓના સીસીટીવી ફૂટેજમાં જણાયું હતું. તેઓ રાત્રે બેથી ત્રણ વાગ્યા વચ્ચે મંદિરમાં પ્રવેશ્યા હતા અને લાંબો સમય રોકાયા હતા. તેઓ દાનપેટીમાં રોકડ અને દેવી - દેવતાને ચઢતા આભૂષણો શોધતા રહ્યા હતા. બે માસ્કધારી પરોઢિયે દરેક મંદિરોમાં ઘૂસ્યા હોવાની વાતને પોલીસ પણ સમર્થન આપે છે.
આ ઘટનાઓને પગલે મંદિરોના સંચાલકોએ જાતે જ સુરક્ષા વધારી દીધી છે. રાત્રે વોલન્ટિયર્સ ચોકી કરવા લાગ્યા છે. મંદિરોની આસપાસ પેટ્રોલિંગ વધારવા માટે પોલીસ પણ સંમત થઇ છે.


comments powered by Disqus