અમેરિકામાં મેનહટન ખાતે યુનિયન સ્કવેર નજીક મહાત્મા ગાંધીની તાંબાની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. જોકે, ભારતના રાજદૂતે આ કૃત્યને આઘાતજનક ગણાવ્યું હતું. તે સાથે જ તેમણે ભારતીય - અમેરિકન સમાજ માટે આ વાત નિરાશાજનક ગણાવી છે.
ન્યૂયોર્ક ખાતેના ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે આ ઘટના ગયા શનિવારે સવારે બની હતી. કેટલીક અજાણી વ્યક્તિઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ મામલો લોકલ ઓથોરિટી સમક્ષ લઈ જશે. આ મામલે તાત્કાલિક તપાસ અને આ કૃત્ય માટે જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય પગલાં લેવા અમેરિકાના વિદેશ વિભાગને વિનંતી કરાઈ છે.
ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા મહાત્મા ગાંધીની આઠ ફૂટની પ્રતિમા ડોનેટ કરાઈ હતી. તેના પગલે બીજી ઓક્ટોબર ૧૯૮૬ના રોજ મહાત્મા ગાંધીની ૧૧૭મી જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી.
અમેરિકાના સિવિલ રાઈટ્સ લીડર બેયાર્ડ રસ્ટિને આ પ્રસંગે મહત્ત્વનું પ્રવચન કર્યુ હતુ. યોગાનુયોગ ૨૦૦૧માં પણ ગાંધીજીની પ્રતિમા દૂર કરાઈ હતી અને તેને ૨૦૦૨માં લેન્ડસ્કેપ ગાર્ડન એરિયામાં મૂકાઈ હતી. ગયા વર્ષે અજાણ્યા તત્વોએ તેને નુકસાન પહોંચાડયુ હતું.
તે પછી કેલિફોર્નિયા ખાતે નવી જ પ્રતિમા મૂકવામાં આવી હતી. ગાંધીજીની તાંબાની પ્રતિમાનું વજન ૨૯૪ કિલોગ્રામ અને ઉંચાઈ છ ફૂટ હતી. તેને નોર્ધન કેલિફોર્નિયાના ડેવિસ સિટીના સેન્ટ્રલ થીમ પાર્કમાં મૂકવામાં આવી હતી. આ મૂર્તિની ઘૂંટી અને અડધા ભાગને નુકસાન કરાયું હતું.

