બહેરીનમાં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવાઈ

Wednesday 09th February 2022 07:13 EST
 
 

બહેરીનમાં સ્વામિનારાયણ મંદિર માટે જમીનની ફાળવણી થઈ છે. આ ઐતિહાસિક, ગૌરવપૂર્ણ ક્ષણની આધારશિલા આજથી ૨૫ વર્ષ પૂર્વે નિર્માણ પામી હતી. આ અંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે બહેરીનમાં સ્વામિનારાયણ મંદિર માટે જમીનની ફાળવણી બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને પીએમ, હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ સલમાન બિન હમદ – અલ - ખલીફાના આભારી છીએ. આ પ્રસંગ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ, ત્રણ પેઢીથી બહેરીનમાં સંપ અને એકતાથી રહેતા ભારતીયો માટે પણ આ ઐતિહાસિક અવિસ્મરણીય ક્ષણ છે. ૨૫ વર્ષ પૂર્વે શેખ ઈસાએ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પ્રેમપૂર્વક જણાવ્યું હતું કે ‘Make Bahrain your home’ આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું, ‘હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ સલમાન બિન હમદ – અલ - ખલીફા, ક્રાઉન પ્રિન્સ અને પીએમ ઓફ બહેરિન સાથે ઉત્સાહના વાતાવરણમાં વાતચીત થઈ. ખાસ કરીને ભારતીય સમુદાય માટે સ્વામિનારાયણ મંદિર માટે જમીનની ફાળવણી બદલ આભાર
માનું છું.’
બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે આયોજિત સત્સંગ સભામાં ક્રાઉન પ્રિન્સ સવિશેષ પધાર્યા હતા. તેમની મુલાકાત દરમિયાન સભામાં રખાયેલી પૂ. પ્રમુખસ્વામી અને તેમના દાદાજી શેખ ઈસાની તસવીર જોઈને ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે ત્રણ પેઢીથી આપણા પ્રેમના સંબંધ છે. ક્રાઉન પ્રિન્સે પોતાના દાદાજીના પ્રસંગને યાદ કરીને દોહરાવ્યું હતું, ‘Make Bahrain your home’. બ્રહ્મવિહારીદાસજીએ ઉમેર્યું કે ૧૯૯૭માં પ્રમુખસ્વામી વિચરણ દરમિયાન બહેરીન પહોંચ્યા હતા ત્યારે બહેરીનના રોયલ પેલેસમાં કોઈ અન્ય ધર્મના ધર્મગુરુને બોલાવ્યા હોય તેવું બહેરીનના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું. એ સમયે શેખ ઈસાએ પ્રમુખસ્વામીને રોયલ પેલેસમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. પ્રમુખસ્વામી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે રોયલ પેલેસ પધાર્યા ત્યારે શેખ ઈસાએ તેમને પ્રશ્ન કર્યો કે તમારું ઘર ક્યાં છે ? એ સમયે સંતોએ તેમને જણાવ્યું કે સ્વામી તો સતત વિચરણ કરતાં રહે છે. તેઓ ક્યાંય ઘર બનાવીને નથી રહ્યાં, છતાં તેમણે ૧૭,૦૦૦ ગામોમાં વિચરણ કર્યું અને અઢી લાખથી વધુ ઘરોની મુલાકાત લીધી છે. આ સાંભળીને શેખ ઈસાએ જણાવ્યું હતું કે ‘Make Bahrain your home’


    comments powered by Disqus