અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ વન ડે રમાઇ જે ભારતીય વનડે ક્રિકેટ ઈતિહાસની ૧૦૦૦મી વન-ડે હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અમદાવાદનું સ્થાન અનોખું છે. અનોખો સંયોગ એ છે કે ભારતની ઘરઆંગણાની સૌપ્રથમ વન-ડે પણ અમદાવાદમાં રમાઈ હતી. ૧૯૮૧માં અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે ભારતની ઘરઆંગણાની સૌ પ્રથમ વન-ડે હતી.
સરદાર પટેલ સ્ટેડિયમમાં ૨૫ નવેમ્બર ૧૯૮૧ના રોજ રમાયેલી આ વન-ડેમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો હતો. આ મેચ સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર આંતરરાષ્ટ્રીય મેચ હતી. ત્યારબાદની અમદાવાદમાં રમાતી મેચો સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ (હાલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)માં રમાતી આવી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૪૪ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમાઈ ચૂકી છે. જેમાં ૧૪ ટેસ્ટ મેચ, ૨૪ વન-ડે અને છ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોનો સમાવેશ થાય છે. છેલ્લે ૨૦૨૧માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ભારતે ઈંગ્લેન્ડને ૩-૨થી હરાવ્યું હતું.

