ગલવાન ઘાટી ફરી એક વખત ભારત અને ચીનના કડવાશપૂર્ણ સંબંધોમાં કેન્દ્રસ્થાને આવી છે. ગલવાન ઘાટીમાં ભારત સાથે લશ્કરી સંઘર્ષમાં ચીની ઘાયલ સૈનિકને ચીનમાં આયોજિત વિન્ટર ઓલિમ્પિકની મશાલ અપાતા નારાજ ભારતે વિરોધ કરી ચોથી ફેબ્રુઆરીથી આરંભ થયેલી વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કર્યો છે. રમતોત્સવના ઉદ્ઘાટન કે સમાપન સમારોહમાં ચીનસ્થિત ઉચ્ચ ભારતીય રાજદ્વારીઓની ગેરહાજરી તરી આવશે.
ઓલિમ્પિક રમતોત્સવ યુદ્ધરત દેશોમાં પણ શાંતિ સ્થાપવાના સાધન તરીકે ગણાય છે પરંતુ, ચીનને ઉંબાડિયા ચાંપવાનું ઘણું માફક આવે છે. ચીને વિશ્વમાં મહાન ગણાતા રમતોત્સવને રાજકીય રંગ આપ્યો છે તેને યોગ્ય ગણાવી ન શકાય. તે ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવાના બદલે સતત સળગતો રાખવા માગે છે. વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનોની શહીદી સામે ચીને ૩૮થી ૪૮ જવાનો ગુમાવ્યા હતા પરંતુ, ચીને ટંગડી ઊંચી રાખી તેના પાંચ સૈનિકો તણાઈ ગયાનો જૂઠો દાવો કર્યો હતો જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે.
ચીનની વિસ્તારવાદ નીતિ જાણીતી છે અને ગત છ દાયકામાં ભારતના લડાખમાં ૩૮,૦૦૦ ચો. કિમી. વિસ્તાર પર ગેરકાયદે જમાવી રાખ્યો હોવાનું ભારત સરકારે પણ સ્વીકાર્યું છે. પાકિસ્તાને પણ ગેરકાયદે કબજે કરેલો ૫૧૮૦ ચો. કિમી. વિસ્તાર ચીનને ભેટ આપી દીધો છે. ચીને અરુણાચલ પ્રદેશને તિબેટનો હિસ્સો ગણાવી તેના પર દાવો કરતું રહ્યું છે. સરહદી મડાગાંઠોને ઉકેલવા ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની મંત્રણાઓ યોજાયા કરે છે જે ચીનની દાદાગીરીના કારણે કદી સફળ નીવડતી નથી. જો કોઈ વખત સમજૂતી થાય તો પણ ચીન કાચિંડાની જેમ રંગ બદલી નવો વિવાદ કરે છે. હિન્દી-ચીની ભાઇ ભાઇના નારા સાથે ૧૯૬૨માં ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ફણગો ફૂટ્યો છે જેમાં રશિયા અને ચીન નિકટ આવ્યા છે જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. વિશ્વસ્તરે ભારતના વધતા પ્રભાવ અને કદથી ચિંતિત ચીને યુક્રેન મુદ્દે રશિયાની તરફેણ કરી છે તો રશિયાએ પણ તાઈવાન ચીનનો જ હિસ્સો હોવાનું ગાણું ગાયું છે. ખરેખર તો બંને દેશ વિશ્વના દેશોથી અલગ પડી ગયા છે અને ‘આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની હાલતમાં છે.
