કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેની તણાવ દિન - પ્રતિદિન વધી રહ્યો છે. બન્ને દેશો યુદ્ધના આરે આવીને ઉભા છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ બે પાડાની લડાઇમાં ઝાડનો ખો નીકળે તેવી થઇ છે.
લશ્કરી તણાવના પગલે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ૧૮ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. આ વિદ્યાર્થીઓ અત્યારે ભયભીત છે અને કહી રહ્યા છે કે બન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો તેમના અભ્યાસમાં ગંભીર અડચણો ઉભી થશે.
અત્યારે રશિયાએ યુક્રેન સરહદે મોટી સંખ્યામાં સૈન્ય ટુકડીઓ અને સૈન્ય ઉપકરણો તૈનાત કર્યા છે. આ ઘર્ષણ સામે યુરોપની સરહદોને સુરક્ષિત કરવા બ્રિટને ‘નાટો’ની વધુ ટુકડી તૈનાત કરવાની માંગણી કરી છે અને યુક્રેન પર દબાણ કરવાના રશિયાના વલણની ટીકા કરી છે. અત્યારે યુક્રેનમાં મેડિકલ અને એન્જિનિયરિંગના વિવિધ અભ્યાક્રમોમાં ભારતના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

