નવી દિલ્હી: ફિલ્મીદુનિયામાં પોતાના પ્રણયગીતોથી લાખો પ્રશંકોના હૃદયમાં અદકેરું સ્થાન જમાવનારા લતા મંગેશકરને પણ પ્રેમ થયો હતો. સૂરના ચાહકોનો અપૂર્વ પ્રેમ સંપાદિત કરનારા લતાદીદીના કરોડો પ્રસંશકોના મનમાં હંમેશાં આ સવાલ ઘુમરાતો રહ્યો છે કે આખરે લતા દીદીએ લગ્ન કેમ નહોતાં કર્યાં.
લતાજી વિશે કહેવાય છે કે તેમના હૃદયમાં પણ પ્રણયાંકુર ફૂટ્યાં હતાં, પરંતુ તેમની પ્રેમકહાણી અધૂરી રહી ગઈ હતી. કહેવાય છે કે લતા મંગેશકરને ડુંગરપુર રાજઘરાનાના મહારાજ રાજસિંહ સાથે પ્રેમ થયો હતો. કહેવાય છે કે લતાજી અને તેમના પ્રિયપાત્ર વચ્ચે લગ્ન નહીં થવાનું કારણ એક વચન હતું. રાજસિંહે માતા-પિતાને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય પણ સામાન્ય ઘરની કન્યા સાથે લગ્ન નહીં કરે અને ડુંગરપુરના મહારાજા રાજસિંહે પોતાના અંતિમ સમય સુધી પોતાના માવતરને આપેલું આ વચન પાળ્યું હતું. મહારાજ રાજસિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.
ક્રિકેટના શોખીન રાજસિંહ
લતા મંગેશકર જેમને પ્રેમ કરતા હતા, તે મહારાજા રાજસિંહને ક્રિકેટનો ખૂબ શોખ હતો. તેઓ લગભગ ૧૬ વર્ષ સુધી ફર્સ્ટ કલાક ક્રિકેટ પણ રમ્યા હતા. તે બાદ રાજસિંહ ૨૦ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે પણ જોડાયેલા રહ્યા હતા. તેમણે બે કાર્યકાળ ભારતની નેશનલ ક્રિકેટ ટીમના સિલેકટર પદે પણ પોતાની સેવા આપી હતી. એટલું જ નહીં, ચાર વાર ભારતીય ક્રિકેટ ટીમના વિદેશપ્રવાસ દરમિયાન મેનેજર પદે પણ સેવા આપી હતી. રાજસિંહ ડુંગરપુર ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહ્યા હતા.
