લતાદીદીનો વિવાદો સાથે પણ રહ્યો છે નાતો

Wednesday 09th February 2022 09:20 EST
 
 

મુંબઈઃ લતા મંગેશકરના જીવન સાથે વિવાદો પણ સંકળાયેલા છે. ૧૯૬૨-૬૩માં લતાએ પ્લેબેક સિંગર્સ માટે રોયલ્ટીમાં ભાગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના લીધે મોહમ્મદ રફી સાથે વિવાદ થયો હતો. ‘આયેગા આનેવાલા...’ ગીતની ક્રેડિટ મુદ્દે લતાએ HMV કંપની સાથે વિવાદ થતાં કંપનીએ રેડિયો શ્રોતાઓ સામે જાહેરાત કરવી પડી હતી કે આ ગીતના ગાયક લતા મંગેશકર છે. આ સાથે જ પ્રખ્યાત સંગીતકાર સચિન દેવ બર્મને લતાની સફળતાનો જશ પોતે લેતા નારાજ લતાએ ત્રણ વર્ષ સુધી તેમની સાથે કામ નહોતું કર્યુ. લતાજીએ ઓ.પી. નૈયર સાથે પણ કામ કર્યુ નહોતું કારણ તેઓ આશા ભોંસલે સાથે કામ કરતા હતા. ગિનિસ બૂકમાં નામ સમાવવા મુદ્દે પણ લતાને મોહમ્મદ રફી સાથે ચડભડ થઇ હતી. લતા મંગેશકર પર નવી ગાયિકાઓની કારકિર્દીને અવરોધવાના પણ આરોપ લાગ્યા છે. લતા સાથે એક અન્ય વિવાદ પણ જોડાયેલો છે.
ફ્લાયઓવર નિર્માણનો વિખવાદ
બે દાયકા અગાઉ લતાએ મુંબઇમાં તેમના પેડર રોડ સ્થિત પ્રભુકુંજ મકાન નજીકથી ફ્લાયઓવરના નિર્માણનો વિરોધ કર્યો હતો. ૨૦૦૦માં મુંબઇ કોર્પોરેશને ગિરગામ ચોપાટીથી હાજી અલી જંક્શનને જોડતા ફ્લાયઓવરના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો જે બાદ લતા મંગેશકર અને તેમના બહેન આશા ભોસલે સહિતના સ્થાનિકોએ ફ્લાયઓવરના નિર્માણનો વિરોધ કર્યો હતો. લતા અને આશા ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખને પણ મળ્યા હતા. બન્ને બહેનોએ મુંબઇ છોડીને બીજા શહેરમાં જતા રહેવાની પણ ધમકી આપી હતી અને દબાણને કારણે આ પ્રોજેક્ટ પડતો મુકાયો હતો.
રફી-લતા વચ્ચે અબોલા થયા હતા
લતા મંગેશકર અને મોહમ્મદ રફી તે સમયની હિટ જોડી ગણાતી હતી. જોકે આ બન્ને કલાકારો વચ્ચે વિવાદ થતાં બન્ને વચ્ચે લગભગ ચાર વર્ષ સુધી અબોલા ચાલ્યાં હતાં. એટલું જ નહી બન્ને વચ્ચેના વિવાદમાં ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ ફસાઇ ગઇ હતી. ગિનિસ બૂકનું મેનેજમેન્ટ બન્ને મહાન ગાયકોમાંથી કોનો પક્ષ લેવો તેની વિમાસણમાં મુકાયું હતું. ગિનિસ બૂકે લતાજીના નામે સૌથી વધારે ગીતો ગાવાનો વિશ્વવિક્રમ નોંધી દીધો હતો અને તેની સામે રફી સાહેબે ગિનિસ બૂક મેનેજમેન્ટને પત્ર લખ્યો હતો. આ મામલાએ ગરમાવો પકડતાં ગિનિસ બૂકે પાછળથી પોતાના નવા સંસ્કરણમાંથી આ કેટેગરી જ ગાયબ કરી દીધી હતી.
૧૯૬૧માં ફિલ્મ ‘માયા’ના ગીત ‘તસવીર તેરી દિલ મેં...’ના રેકોર્ડિંગ વેળા સ્ટુડિયોમાં લતા અને રફી વચ્ચે ગાયકોને રોયલ્ટીના મુદ્દે એવી ગરમાગરમી થઇ કે તે પછી બન્ને કલાકારોએ સાથે કામ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. ચાર વર્ષ સુધી બન્નેએ કોઇ ગીતો રેકોર્ડ કર્યા ન હતાં એટલું જ નહીં કોઇ સ્ટેજ કાર્યક્રમ પણ ન કર્યા. આ ગાળામાં લતાએ મહેન્દ્ર કપૂર અને રફીએ સુમન કલ્યાણપુરનો હાથ પકડયો હતો. લતાની માંગ હતી કે ગીતની રોયલ્ટીમાં ગાયકોનો પણ હિસ્સો હોવો જોઇએ. જ્યારે રફીસાહેબ આ માગ વિરુદ્ધ હતાં. તેઓ માનતા કે ગાયકને તેનું મહેનતાણું મળે પછી તેનો અધિકાર રહેતો નથી. તે પછી જયકિશન અને અભિનેત્રી નરગિસની સમજાવટ બાદ બન્ને કલાકારોએ ફરીથી સાથે ગાવાનું શરૂ કર્યું હતું અને ‘જ્વેલથીફ’ ફિલ્મમાં દિલ પુકારે... ગીત ગાયું હતું.


comments powered by Disqus