સૂર અને સ્વરના મહાયુગનો અસ્ત

Wednesday 09th February 2022 05:14 EST
 

કર્ણપટ પર એક ગીત ગુંજી ઉઠ્યું... ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની’ અને ખરેખર આંખ અશ્રુથી છલકાઈ ગઈ. ૬ ફેબ્રુઆરીએ સંગીતવિશ્વના સૂર અને સ્વરના મહાયુગનો અસ્ત થયો છે કારણકે ૯૨ વર્ષની જૈફ વયે સુરસામ્રાજ્ઞી લતાદીદીએ પાર્થિવ દેહનો ત્યાગ કરી અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું હતું.
લતાદીદીને જાણે ગળથૂથીમાં જ સૂરનું પાન કરાવાયું હતું. તેમના પિતા દીનાનાથ મંગેશકરને અનાયાસે જ પુત્રીના કંઠ અને સ્વરની ઓળખ થઈ હતી. પિતાજીના નિધન પછી માત્ર ૧૩ વર્ષની કાચી વયે ઉઠાવેલી સમગ્ર પરિવારની જવાબદારી તેમણે આજીવન નિભાવી તે પણ તેમની મહાનતા દર્શાવે છે. એક સમયે પાતળો કે તીણો કહીને જે અવાજને નકારી કઢાયો હતો તે જ અવાજે પાર્શ્વગાયનના માપદંડ બનીને સૂર અને સ્વરના ભાવવિશ્વમાં અમૃતપાનનો રસાસ્વાદ કરાવ્યો હતો. શું ન હતું તેમના અવાજમાં, કોયલની મીઠાસ હતી તો પ્રણયના દર્દની અનુભૂતિ હતી, નદીના ખળખળ વહેતા પાણીની તરજ હતી તો યુવાન હૈયાની અલ્લડતા પણ હતી. માનવીય સંવેદનાઓની સંપૂર્ણ અભિવ્યક્તિ હતી. સંગીતના સાતેય સૂર લતાજીના ગળામાં સમાયેલા હતા. ચિત્રપટની કોઈ પણ વયની અભિનેત્રી, કોઈ પણ સમય અને સંજોગોને અનુરુપ થઈને સ્વર વહેતા મૂકવામાં તેમની વિશેષતા તરી આવી છે.
ભારતીય સંસ્કૃતિના પ્રતીક અને રાષ્ટ્રનો અવાજ બની રહેલાં નારીરત્ન લતા મંગેશકરજીને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારતરત્ન, પદ્મવિભુષણ, દાદાસહેબ ફાળકે એવોર્ડ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓફિસર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લીજન ઓફ ઓનર’ સહિત સંખ્યાબંધ એવોર્ડ્ઝ મળેલાં છે પરંતુ, લોકહૃદયમાં તેમણે જે અવિચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેની તોલે કશું આવી શકે તેમ નથી. વાસ્તવિકતા તો એ રહી છે કે એવોર્ડ્સ થકી નહિ પરંતુ, લતાજી થકી એવોર્ડ્સનું ગૌરવ વધી જતું હતું.
લતાયુગ તરીકે ઓળખાયેલા સમયમાં પણ પાર્શ્વગાયકીને જરા નિમ્ન સ્તરની ગણવામાં આવતી હતી પરંતુ લતાજીએ સમગ્ર સિનારિયો બદલી નાખ્યો. સિદ્ધહસ્ત શાસ્ત્રીય ગાયકીના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં પણ લતાજીને સાંભળી બોલી ઉઠ્યા હતા, ‘કમબખ્ત કભી બેસૂરા નહિ ગાતી.’ લતાજી માટે આનાથી વિશેષ સન્માન શું હોઈ શકે? લતાજીએ ૩૬ જેટલી ભાષાઓમાં ૩૦,૦૦૦થી વધુ અનન્ય ગીતો ગાયાં છે પરંતુ, ‘મેરી આવાઝ હી પહચાન હે’ અને ‘રહે ના રહે હમ મહકા કરેંગે’ આપણને હંમેશાં તેમની યાદ અપાવતા રહેશે.


comments powered by Disqus