‘હિંદુસ્તાનનો સર્વશ્રેષ્ઠ અવાજ આજે સૂરોની આખી દુનિયાને વેરાન કરી ગયો. લતાજી ઉપરવાળાએ ધરતી પર મોકલેલો ખાસ અવાજ હતો. હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે, તેમના હૃદયમાં ઈશ્વર વસતો હતો. હું અનેક વાર ભારત આવ્યો. મને યાદ છે કે, જ્યારે ગાયક મહેન્દ્ર કપૂરે મને કહ્યું હતું કે, લતાજી મને મળવા માગે છે, ત્યારે હું ખુશીનો માર્યો ઉછળી પડ્યો હતો. મેં તુરંત જ કપૂરજીને કહ્યું કે, હું તૈયાર છું. બોલો ક્યારે મળવાનું છે? તેમણે કહ્યું કે, લતાજીના ઘરે ખાસ તમારા માટે મહેફિલ રખાઈ છે. એ સાંભળીને મને લાગ્યું કે, જાણે અલ્લાહે મને આજે જ સન્માન આપ્યું છે. પછી આખા રસ્તામાં હું દુઆ કરતો રહ્યો કે, આજે લતાજી સામે સુંદર પરફોર્મ કરી શકું. એ મહેફિલમાં અગ્રણી કલાકારો હતા. તેમાં નૌશાદ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આશા ભોંસલે, સાહિર લુધિયાનવી, આનંદ બક્ષી જેવા નામાંકિત લોકો હતા. આટલા મોટા કલાકારો સામે ગાતી વખતે હું મૂંઝાતો હતો. પછી લતાજીએ મારી હિંમત વધારી અને હું ગાતો રહ્યો. છેલ્લે લતાજીએ મને એક લોકેટ ભેટ આપ્યું, જે આજેય હું ગળામાં પહેરું છું.
લતાજી ખૂબ મોટા કલાકાર હોવા છતાં અત્યંત સહજ અને વિનમ્ર હતા. એક વાર મુંબઈમાં મારી ટીમે જીદ કરી કે, લતાજી સાથે અમારી મુલાકાત કરાવો. મેં હિંમત કરીને તેમને ફોન કર્યો અને બીજા જ દિવસે તેમણે અમને ઘરે બોલાવી લીધા. આજે લતાજી આ દુનિયામાંથી ભલે ચાલ્યા ગયા હોય પરંતુ તેમનો સૂરીલો અવાજ દુનિયા રહેશે ત્યાં સુધી લોકોના હૃદયોમાં ગૂંજતો રહેશે જ.’ (સૌજન્યઃ ‘દિવ્ય ભાસ્કર’)

