હ્યુન્ડાઈની ભૂલ મુદ્દે દ.કોરિયાએ માફી માગીઃ કંપનીએ કાશ્મીર મુદ્દે વિવાદિત પોસ્ટ કરી હતી

Wednesday 09th February 2022 06:28 EST
 
 

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચુંગ યુઈ-યોંગે કાશ્મીર પર દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈની સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે મંગળવારે ફોન પર ભારતની માફી માંગી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. બીજી તરફ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ભારતના રાજદૂતે પણ આ મામલે હ્યુન્ડાઈ હેડક્વાર્ટર પાસે સ્પષ્ટતા માંગી છે.
હ્યુન્ડાઈ પાકિસ્તાને ૫ ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા મનાવવામાં આવી રહેલા કથિત 'કાશ્મીર સોલિડેરિટી ડે' પર ના-પાક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં પાકિસ્તાનનું સમર્થન કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં કાશ્મીરમાં આતંકવાદી હિંસાને આઝાદીની લડાઈ ગણાવી હતી. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે હ્યુન્ડાઈ મોટર્સને જોરદાર ટ્રોલ કરી હતી. આ પછી વિવાદાસ્પદ ટ્વિટને તરત જ હટાવી લેવામાં આવ્યું હતું, પરંતુ તેના સ્ક્રીન શોટ્સ હજી પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, સિયોલમાં અમારા રાજદૂતે હ્યુન્ડાઈ હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો અને આ વિષય પર સ્પષ્ટતા માંગી. આ વાતચીત દરમિયાન કોરિયાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કંપનીના પાકિસ્તાન યુનિટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ માટે અમે દિલગીર છીએ અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો અમને અફસોસ છે.


comments powered by Disqus