અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ઐતિહાસિક ૧૦૦૦મી વન-ડેમાં ટીમ ઇંડિયાએ વિન્ડીઝને ૬ વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારતીય ટીમ ૧૦૦૦મી વન-ડે રમનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. ભારતીય ટીમે ૨૦૦૨ બાદ પ્રથમ વાર વિન્ડીઝને અમદાવાદમાં હરાવ્યું. આમ ભારતે ૨૦ વર્ષ બાદ વિન્ડીઝને હરાવ્યું છે. ભારત અગાઉ અમદાવાદમાં ૨૦૦૬ અને ૨૦૧૧માં વિન્ડીઝ સામે હાર્યું હતું.
૧૦૦૦મી મેચ રમતા ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા ૪૩.૫ ઓવરમાં ૧૭૬ રને ઓલઆઉટ થઈ હતી. જેમાં ચહલે ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે યુઝવેન્દ્ર ચહલ વન-ડેમાં ૧૦૦મી વિકેટ ઝડપનાર ભારતનો ૨૩મો ખેલાડી બન્યો છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે ૩ વિકેટ ઝડપી હતી. રન ચેઝ કરતા ભારતે ૧૩૨ બોલ બાકી રાખીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ફુલટાઈમ કેપ્ટન તરીકે પ્રથમ વખત રમતા રોહિત શર્માએ સૌથી વધુ ૬૦ રન કર્યા હતા.
લતા મંગેશકરને શ્રદ્વાંજલિ
ટીમ ઇંડિયા ભારતરત્ન લતા મંગેશકરના નિધનને કારણે હાથ પર કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી હતી. ઉપરાંત ટીમે શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટ મૌન પાળ્યું હતું અને સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી વેળા કહ્યું હતું કે, ‘લતા દીદીને ક્રિકેટની રમત ઘણી જ પસંદ હતી. તેમણે હંમેશા આ રમતને સમર્થન આપ્યું હતું.’

