મુંબઇ: લતા મંગેશકરનું નામ જીભ પર આવતા જ દુનિયાને તેમને સલામ કરવાનું મન થાય છે કારણ કે લતાજીના સૂરનો જાદૂ દુનિયાભરમાં છવાયો હતો. આવા સૂરિલા લતા મંગેશકરની હત્યાનો પણ પ્રયાસ થયો છે. સાંભળીને આશ્ચર્ય થશે કે લતા દીદી જ્યારે ૩૩ વર્ષના હતાં ત્યારે તેમને જાનથી મારવાનો પ્રયાસ કરાયો હતો. અને આ વાતનો ખુલાસો સ્વયં લતાજીએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
લતાદીદીની વય ત્યારે ૩૩ વર્ષની હતી અને તેમની કેરિયર ત્યારે સફળતાના નવા શીખર સર કરી રહી હતી પરંતુ ત્યારે જ તેમની સાથે એક એવી ઘટના ઘટી હતી જેના કારણે તેઓ એક - બે નહીં પણ પૂરા ત્રણ મહિના સુધી પથારીવશ રહ્યા હતા.
વાસ્તવમાં લતાજીના પેટમાં ઓચિંતો દુખાવો ઊપડયો હતો અને તેમને ઉલ્ટી થવા લાગી હતી. તેમની સતત બગડતી હાલત જોઇને ડોક્ટરોને બોલાવાયા હતા. જે બાદ લતાજીને તપાસીને ડોક્ટરોએ કહ્યું હતું કે તેમને સ્લો પોઇઝન આપવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે લતાજીને તેમના ભોજનમાં મિલાવીને સ્લો પોઇઝન એટલે કે ધીમું ઝેર આપવામાં આવતું હતું. અને આ ઝેરની તેમના શરીર પર લાંબા સમય સુધી અસર રહી હતી. લતાજી ત્રણ મહિના સુધી પથારીવશ રહ્યા હતા. લતાજીએ કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે તેમને કોણ ઝેર આપતું હતું પરંતુ તેમની પાસે તેના કોઇ પુરાવા નહોતા.
અચાનક જ રસોઇયો ફરાર
અહેવાલો અનુસાર જે સમયે લતાદીદીની તબિયત બગડી ત્યારે તે દિવસે અચાનક જ તેમના ઘરનો રસોઇયો પણ ફરાર થઇ ગયો હતો. જે બાદ તકેદારી દાખવતા લતાજીના નાના બહેન ઉષા મંગેશકરે ઘરના રસોડાની જવાબદારી પોતાના હાથમાં લઇ લીધી હતી. કહેવાય છે કે લતા મંગેશકર જ્યારે ૩૩ વર્ષની વયે પોતાની કેરિયરમાં ટોચના સ્થાને હતા અને સતત એક પછી એક એમ હિટ ગીતો આપી રહ્યા હતા ત્યારે તેમની નજીકની જ કોઇ વ્યક્તિએ તેમને ધીમું ઝેર આપવાનું શરૂ કરી દીધું હતું.
આ સમયે અફવા ફેલાઇ હતી કે હવે લતાજી ગાઇ નહીં શકે. જ્યારે લતાજીને પુછાયું કે શું આ સત્ય છે કે તબીબોએ તમને કહ્યું હતું કે તમે ફરી વાર નહીં ગાઇ શકો ત્યારે લતાજીએ કહ્યું હતું કે આ વાત સાચી નથી. આ કાલ્પનિક વાત છે.
આ પછી એ વાત પણ વાઇરલ થઇ હતી કે ઝેર આપવાની ઘટના બાદ જ્યારે પણ લતાદીદી ભોજન લેતા હતા ત્યારે પહેલાં મઝરૂહ સુલતાનપુરી પહેલાં તે ભોજનને ચાખતા હતા અને તે બાદ જ લતાજી તે પ્લેટને હાથ લગાવતા હતા.
