યુક્રેનઃ નાનો પણ રાઈનો દાણો

Wednesday 09th March 2022 05:39 EST
 

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 13 દિવસ થઈ ગયા છે અને ધીમે ધીમે મહાભારતના ૧૮ દિવસના પ્રાચીન મહાવિનાશક યુદ્ધની તરફ આ સંઘર્ષ આગળ વધી રહ્યો છે. જમીની યુદ્ધ હવે વધુ પ્રમાણમાં અર્થયુદ્ધ તરફ આગળ વધ્યું છે. રશિયા પર પશ્ચિમી દેશોએ એટલા પ્રતિબંદો લાદ્યા છે કે તેની હાલત ખરાબ થઈ શકે છે. ‘બાર વર્ષે બાવો બોલ્યો તો કહે, જા બેટા નખ્ખોદ જશે’ જેવી અવળવાણી સાથે આખરે અમેરિકી પ્રમુખ જો બાઈડેને મુખ ખોલ્યું છે અને યુક્રેનને વધુ શસ્ત્રો આપવાની અને રશિયન ક્રુડ ઓઈલ, કોલસા અને ગેસની ખરીદી પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.
યુએસ સહિતના પશ્ચિમી દેશોને તો યુદ્ધ બંધ થાય તેના કરતા રશિયા નાકલીટી તાણે તેમાં વધુ રસ છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પણ પારોઠના પગલાં ભરવા તૈયાર નથી. બંને દેશો વચ્ચે મંત્રણાઓ તે નિષ્ફળ જવાની જ છે તેવી તૈયારી સાથે થાય છે. રશિયાની હાલત અત્યારે બકરું ગળી ગયેલા અજગર જેવી થઈ છે. યુક્રેન ગળી શકાતું નથી કે બહાર કાઢી નાખવાની પીછેહઠ પણ થઈ શકતી નથી. રશિયાની પુટિન સરકારે વિચાર્યું હતું કે નાનકડા યુક્રેનને ટપ દઈને ગળી જવાશે કે યુદ્ધમાં સરળતાથી હરાવી દેવાશે અને પોતાની સલામતીના એજન્ડા પર કામ કરી શકાશે પરંતુ, તેની ગણતરી સદંતર ખોટી પડી છે.
ઈતિહાસમાં અનેક ઉદાહરણો છે જેમાં ‘નાનો પણ રાઈનો દાણો’ જેવાં પડોશીને પરાજિત કરવું સરળ બન્યું ન હોય. જગત જમાદાર અમેરિકા 1955-1975ના ગાળામાં વિયેટનામ યુદ્ધમાં આનો પરચો મળ્યો છે. અમેરિકાએ પરાજિત થઈ ભૂંડા હાલે પાછા ફરવું પડ્યું હતું. આ પહેલા ફ્રેન્ચ ઈન્ડોચાઈના યુદ્ધ 1946માં ફાટી નીકળ્યું હતું અને 8 વર્ષના યુદ્ધકાળ પછી 1954માં બેટલ ઓફ ડિએન બિએન ફુ ખાતે પરાજય સાથે ફ્રાન્સ શાસનનો અંત આવ્યો હતો.
રશિયાની દૈનિક 50 લાખ બેરલની નિકાસમાંથી અમેરિકાની ખરીદી આઠ ટકાની છે. યુરોપ મોટા પાયે રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદે છે એટલું જ નહી યુરોપની જરુરીયાતનો 40 ટકા કરતાં પણ વધારે ગેસ રશિયા પુરો પાડે છે. જો આયાત બંધ કરાશે તો યુરોપમાં મોટી ઉર્જા કટોકટી ઉભી થઈ શકે છે. આ સંદર્ભે યુકેના વડા પ્રધાન જ્હોન્સનને પણ એમ કહેવાની ફરજ પડી છે કે રશિયન ગેસ રાતોરાત બંધ કરી શકાય નહિ. યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘દાઝ્યા પર ડામ’ જેવી થઇ છે. રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વીસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યુ છે.


comments powered by Disqus